દ. ચીન સમુદ્રમાં ચીન 'ભૂરાં ટું' બન્યું છે : ફીલીપીનો, શિપનો પીછો કરતાં તેનાં જ જહાજો અથડાઈ પડયાં

- ચીન ઉલ્ટો દાવો કરે છે : ફિલિપિનો શિપે અમારાં શિપને નુકસાન કર્યું : તે આક્ષેપ હાસ્યાસ્પદ છે : ૪૪મી.નું શિપ ૯૦ અને ૧૫૭મી.નાં ચીની જહાજોને નુકસાન કરી કેમ શકે ?
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કેલિડોસ્કોપિક ઝડપે પલટાઈ રહી છે. અત્યારે ભૂખે મરતા પેલેસ્ટાઇનીયો તરફ જોવા જેટલી કોઇને ધીરજ નથી. ટ્રમ્પ ઝપાટા ભેર રશિયા યુક્રેન યુદ્ધ સમેટાવવા માગે છે. તે માટે યુક્રેનને તેની કેટલીક ભૂમિ અને ક્રીમીયા દ્વિપકલ્પ પરનો દાવો છોડી દેવા સમજાવી રહ્યા છે. ચીન તેની ઉપર પશ્ચિમે લડાખમાં શાંતિ સ્થાપવાની ઓચિંતી જ ડાહી ડાહી વાતો કરે છે. વાત સીધી અને સાદી છે. લડાખ કે દોકલામ કે અરુણાચલ પ્રદેસમાં ફાવી શકે તેમ નથી. તેથી નજર પેસિફિક તરફ દોડાવે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલાં ફીલિપાઇન્સને દબડાવવા માગે છે. સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પોતાનો છે તે સાબિત કરવા હવે તે ભૂરાંટું બન્યું છે.
ફીલીપાન્સના સમુદ્ર તટે રહેલી ખંડીય છાજલી સ્કારબરો શોલ નૈસર્ગિક રીતે જ ફીલીપાઈન્સની છે. ધી હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે પણ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ફીલીપાઈન્સનો તે દાવો સ્વીકાર્યો છે.
ચીન પોતાને અંતરરાષ્ટ્રીય કાનૂનથી પર માને છે તે કહે છે કે તે જળ વિસ્તાર અમારો છે. ૨૦૧૨થી તેણે ફીલીપાઈન્સના તે એક્સક્લુઝીવ ઇકોનોમિક ઝોન પર પોતાનો કબ્જો જાહેર કર્યો છે. ત્યાં ફીલીપીનો માછીમાર નૌકાઓની રક્ષા માટે રહેલાં ૪૪ મીટરનાં નાનાં ફીલીપીનો કોસ્ટ ગાર્ડનાં શિપને દૂર કરવા ચીનની એક ફ્રીગેટ અને એક ડીસ્ટ્રોયર પાછળ પડયાં તે બંને ઉપર વોટર કેનન હોય છે. તે ઉપરથી તે સામેનાં શિપ ઉપર પાણીનો જબરજસ્ત ધોધ છોડે છે. તેથી બચવા ફિલિપાન્સનું કોસ્ટ ગાર્ડ શિપ ઝડપથી આગળ ધસ્યું ત્યારે તેનો પીછો કરવા ચીનની ફ્રીગેટ અને ડીસ્ટ્રોયર અત્યંત ઝડપે આગળ ધસી તેમાં ફિલિપિનો કોસ્ટગાર્ડ શિપ તો દૂર રહ્યું પરંતુ ચીનનાં નૌકાદળનાં તે બંને જહાજો જ એકબીજા સાથે અથડાઈ પડતાં બંને યુદ્ધ જહાજોના તૂતક ઉપર ઊભેલા તેના નૌસૈનિકો સમુદ્રમાં પડી ગયાં અને જહાજોનાં હલ સાથે માથાં ભટકાતાં તેમજ સમુદ્રીય જોરદાર મોજાને લીધે જળમગ્ન બની ગયાં.
બંને જહાજોએ વાયરલેસ દ્વારા ચીનની તળભૂમિ પર રહેલાં તેમનાં મથકને સંદેશો મોકલ્યો અને ચીનના પ્રવક્તાએ તેમજ ચીનનાં સરકારી ટેબ્લોઇડ ગ્લોબલ ટાઈમ્સે ચીનના કહેવાતા એક્ષપર્ટસને ટાંકતાં જણાવ્યું કે આ ઘટના ફીલીપાઈન્સ દ્વારા લેવાયેલાં ઉશ્કેરણીજનક પગલાંને લીધે જ બની હતી. તે તો તેનું પૂર્વ યોજિત કાવતરૃં હતું. તેનાં જહાજે અમારાં જહાજોને નુકસાન પહોંચાડયું છે. માટે તે દુર્ઘટના માટે ફીલીપાઈન્સ જ જવાબદાર છે.
ચીનના આ દાવાને હાસ્યાસ્પદ કહેતાં નૌકા યુદ્ધ અંગેના એક એક્ષપર્ટ જેવો યુએસ નેવીના એક નિવૃત્ત નૌસેના અધિકારી છે તે રે પૉવોલે કહ્યું હતું કે આથી વધુ હાસ્યાસ્પદ કોઈ દાવો હોઈ ન શકે. ૪૪.૫ મીટરનું (ફીલીપાઈન્સનું) કોસ્ટ ગાર્ડ શિપ ચીનની ૯૦ મીટરની ફ્રીગેટ અને ૧૫૭ મીટરની ડીસ્ટ્રોયને નુકસાન કરી જ કેમ શકે ? માનો નુકસાન કરવા જાય તો તે જ ડૂબી જાય. ટૂંકમાં ચીન દ્વારા કરાયેલી આ એક બનાવટ છે. હકીકતમાં તેનાં જ પગલાં ઉશ્કેરણીજનક હતાં. રે પોવેલ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગોર્ડીયન નોટ ફોર નેશનલ સિક્યોરિટી ઇનોવેસનના એક્સપર્ટ છે.









