- 'અમીરાત-સ્કાઇ-કાર્ગો' વતી કાર્યરત ટર્કીશ કેરિયર AIR ACT અલ્-મકનુમ ઈંટરનેશનલ એરપોર્ટ પરથી હોંગકોંગમાં ઉતરતા આ દુર્ઘટના બની : ૬ને હોસ્પિટલમાં લઈ જવાયા
નવી દિલ્હી : દુબઈથી હોંગ-કોંગ પહોંચેલું બોઈંગ ૭૪૭ કાર્ગો પ્લેન આજે (સોમવારે) સવારે સ્થાનિક સમય પ્રમાણે ૩.૫૦ કલાકે રન-વે પરથી સરકી જતાં સીધું દરિયામાં જઈ પડયું હતું પરંતુ તે દરમિયાન 'એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ'ના બે કર્મચારીઓ તેની હડફેટમાં આવી જતાં બંનેનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ચારે ક્રૂ મેમ્બર્સ (૨ પાયલોટસ અને ૨ સહાયકો)ને સમુદ્રમાંથી મહામહેનતે બહાર કઢાયા હતા. તેઓને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા અને સારવાર અપાઈ રહી છે. જોકે તેઓની સ્થિતિ વિષે હજી કોઈ સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરાયું નથી.
હોંગકોંગ- એરપોર્ટનો નોર્ધન- રનવે - આ પછી થોડા સમય પૂરતો બંધ કરાયો છે પરંતુ બીજા બે રનવે ચાલુ રહ્યા છે. હોંગકોંગ એરપોર્ટ એશિયાનું એક સૌથી વધુ 'બીઝી' એરપોર્ટ છે.
હોંગ-કોંગનું 'સિવિલ એવીએશન ડીપાર્ટમેન્ટ' જણાવે છે કે, તે એર-લાઇન્સ તથા સંબંધિત પક્ષોના સંપર્કમાં છે, અને આ દુર્ઘટના ક્યાં કારણસર બની તે વિષે તલસ્પર્શી તપાસ ચાલે છે.


