Get The App

'ઇસ્લામિક નાટો'માં સાઉદી અરેબિયા બાદ હવે તૂર્કિયેની એન્ટ્રી પાક્કી! અમેરિકા-ઈઝરાયલ ઍલર્ટ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
Turkey Pakistan Defence Pact


Turkey Pakistan Defense Pact: મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની સુરક્ષા વ્યવસ્થામાં ઐતિહાસિક બદલાવ થવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક મોટું ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધન આકાર લઈ રહ્યું છે, જેને નાટો(NATO) જેવું જ શક્તિશાળી માનવામાં આવે છે.

શું છે આ ગઠબંધન?

સપ્ટેમ્બર 2024માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંરક્ષણ સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં નાટોના 'આર્ટિકલ-5' જેવી જોગવાઈ છે, જે મુજબ 'કોઈપણ એક દેશ પરનો હુમલો, તમામ દેશો પરનો હુમલો માનવામાં આવશે.' બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તૂર્કિયે આ ગઠબંધનમાં સામેલ થવા માટે ખૂબ જ ગંભીર છે અને આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે.

ત્રણ દેશોની શક્તિ એકબીજાની પૂરક

નિષ્ણાતોના મતે, આ ત્રિપક્ષીય ગઠબંધન ઈઝરાયલના પ્રભાવને રોકવા અને પ્રાદેશિક વર્ચસ્વ જાળવી રાખવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે આ ત્રણેય દેશોની ક્ષમતાઓ એકબીજાની પૂરક છે. જ્યાં સાઉદી અરેબિયા પાસે અઢળક નાણાકીય સંસાધનો અને આર્થિક શક્તિ છે, ત્યાં પાકિસ્તાન પરમાણુ હથિયાર, અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઇલ અને વિશાળ સૈન્યબળ જેવી વ્યૂહાત્મક તાકાત ધરાવે છે. આ જોડાણમાં તૂર્કિયે તેની અત્યાધુનિક સંરક્ષણ ટૅક્નોલૉજી, ખાસ કરીને વિશ્વ વિખ્યાત ડ્રોન ટૅક્નોલૉજી, મજબૂત સૈન્ય માળખું અને યુદ્ધના બહોળા અનુભવનો ઉમેરો કરે છે. આ રીતે, આર્થિક, પરમાણુ અને તકનીકી શક્તિનો આ સમન્વય પ્રાદેશિક સુરક્ષાના સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે.

તૂર્કિયે કેમ આ ગઠબંધનમાં જોડાવા માંગે છે?

ડોનાલ્ડ ટ્રમ્પના નાટો પ્રત્યેના અસ્પષ્ટ વલણને કારણે તૂર્કિયે હવે સુરક્ષા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યું છે. તૂર્કિયે તેના પાંચમી પેઢીના ફાઇટર જેટ પ્રોજેક્ટ 'કાન'(KAAN)માં સાઉદી અને પાકિસ્તાનને સામેલ કરવા માંગે છે. આ ગઠબંધન સાઉદી અને તૂર્કિયે વચ્ચે વર્ષોથી ચાલી આવતા 'સુન્ની નેતા' બનવાના ટકરાવનો પણ અંત લાવશે.

આ પણ વાંચો: માદુરોની જેમ પુતિનની પણ ધરપકડ કરાશે? ટ્રમ્પના જવાબથી ઝેલેન્સકીને લાગશે ઝટકો!

ભારતનો ડર અને પાકિસ્તાનની મજબૂરી?

પાકિસ્તાન આ ડીલ માટે એટલે પણ ઉતાવળું છે કારણ કે ગત વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનના અનેક સૈન્ય મથકોને તબાહ કર્યા હતા. આ ઉપરાંત, અફઘાનિસ્તાન સાથેના બગડતા સંબંધોને કારણે પાકિસ્તાન અલગ-થલગ પડી ગયું છે. તૂર્કિયે પાકિસ્તાન માટે યુદ્ધજહાજ બનાવી રહ્યું છે અને તેના F-16 વિમાનોને અપગ્રેડ પણ કરી રહ્યું છે.

વૈશ્વિક અસર

જો આ ત્રિપક્ષીય સમજૂતી પર મહોર લાગશે, તો દક્ષિણ એશિયાથી લઈને આફ્રિકા સુધીના ભૌગોલિક-રાજકીય સમીકરણો બદલાઈ જશે. તે માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં, પરંતુ ભારત માટે પણ સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે.

'ઇસ્લામિક નાટો'માં સાઉદી અરેબિયા બાદ હવે તૂર્કિયેની એન્ટ્રી પાક્કી! અમેરિકા-ઈઝરાયલ ઍલર્ટ 2 - image