Get The App

તુર્કીયે પર તવાઈ : 9 એરપોર્ટ્સ પર સેલીબીનો કોન્ટ્રાક્ટ રદ

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
તુર્કીયે પર તવાઈ : 9 એરપોર્ટ્સ પર સેલીબીનો કોન્ટ્રાક્ટ રદ 1 - image


-પાકિસ્તાનના ખોળામાં બેસી જનાર તુર્કીયેનો બહિષ્કાર કરવા દેશભરમાંથી માંગ ઉઠતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

- રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈ સહિતનાં 9 એરપોર્ટસ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીયેની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ

- તુર્કીયેને આતંકવાદના સાથી પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું : ભારતમાં જનતાએ વ્યાપક સ્તરે બહિષ્કાર કર્યો

મુંબઇ/નવી દિલ્હી : પાકિસ્તાન સાથે ઘર્ષણ પછી યુદ્ધવિરામ બાદ હવે ભારતમાં બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ થવા લાગ્યું છે. મુસ્લિમ દેશ તુર્કીયેએ આતંકવાદ સામે લડી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હથિયારોની મદદ કરી હતી. એટલું જ નહીં ભારત પર તુર્કીયેના ડ્રોનથી થયેલા હુમલામાં ડ્રોનનું સંચાલન તુર્કીયેના કેટલાક ઓપરેટર કરી રહ્યાના અહેવાલો આવ્યા પછી દેશભરમાં તુર્કીયેના બહિષ્કારની માગ ઉઠી હતી. પ્રવાસન, વેપાર, શિક્ષણ ક્ષેત્રથી લઈને સરકારી કામકાજમાં તુર્કીયે અને તેની કંપનીઓનો બહિષ્કાર થવા લાગ્યો છે. જનમાનસની ભાવાનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ સુરક્ષાના કારણોસર મુંબઈ સહિત દેશના નવ એરપોર્ટ્સનું સંચાલન કરી રહેલી તુર્કીયેની કંપની સેલેબીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાનો બદલો લેવા માટે ભારતના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, ચાર દિવસ સુધી ચાલેલા ઘર્ષણમાં મુસ્લીમ દેશ તુર્કીયે ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યું હતું, જેના પગલે દેશવાસીઓમાં તુર્કીયે વિરુદ્ધ આક્રોશ છે. દેશવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તુર્કીયે સામે આકરાં પગલાં લીધા છે. 

મુંબઈ અને અમદાવાદ સહતિ ભારતનાં નવ એરપોર્ટસ પર  ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપતી તુર્કીયેની સેલીબી એન.એ.એસ. એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું લાયસન્સ  રદ કરી દેવાયું છે. નાગરી ઉડ્ડયન ક્ષેત્રે ચાંપતી દેખરેખ રાખવાની ફરજ બજાવતી બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટી (બીસીએએસ)એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીના કારણોસર મૂળ તુર્કીયેની કંપની સેલીબીની પેટા કંપની સેલીબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રા. લિ.નું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. કંપનીને નવેમ્બર ૨૦૨૨માં સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

તુર્કીયેની કંપની સેલિબી મુંબઇ, અમદાવાદ, દિલ્હી, કોચીન, કુન્નુર, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઇ એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી સંભાળતી હતી. કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ કામગીરી શરૂ કરી હતી. બાદમાં એક પછી એક ૯ વિમાનમથકો પર તેને જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપનારા તુર્કીયે સામે ભારતમાં વધતા જતા વિરોધ વચ્ચે આ બાબતની ગંભીર નોંધ લઇને રાષ્ટ્રના હિતમાં તુર્કીની કંપનીની સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે એમ નાગરિક  ઉડ્ડયન ખાતાના રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે એક સોશિયલ મિડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું હતું. 

દેશની સુરક્ષા અને હિતને અમે સર્વોચ્ચ પ્રાધાન્ય આપીએ છીએ એવું વિધાન કરી તેમણે ઉમેર્યું હતું કે તુર્કીયેની કંપની સેલીબી એન.એ.એસ. એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ પર પ્રતિબંધ મૂકવાની અમને દેશભરમાંથી વિનંતી મળી હતી. પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  મુંબઈમાં થોડા દિવસો પહેલાં જ મહારાષ્ટ્રની શાસક મહાયુતિના ઘટક પક્ષ શિવસેનાના કાર્યકરો મુંબઈ એરપોર્ટ પર ધસી ગયા હતા અને  તુર્કીયેની કંપનીને કોન્ટ્રાક્ટ સામે વિરોધ કર્યો હતો. શિવસેનાએ આ કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા સામે ૧૦ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 

તુર્કીયેની સેલેબીએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, કંપની ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ૧૫ વર્ષથી કામ કરે છે અને ૧૦,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. કંપની વાર્ષિક ૫૮,૦૦૦ ફ્લાઈટ્સ અને ૫.૪૦ લાખ કાર્ગો હેન્ડલ કરે છે. સેલીબી એવિએશન ઈન્ડિયાએ કહ્યું કે તે ભારતીય ઉડ્ડયન, રાષ્ટ્રીય સુરક્ષા અને કર માળખાના નિયમોને પૂરા કરે છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરે છે. તેની ૬૫ ટકા માલિકી કેનેડા, અમેરિકા, યુકે, સિંગાપોર, યુએઈ અને પશ્ચિમી યુરોપના આંતરરાષ્ટ્રીય સંસ્થાગત રોકાણકારોની છે. 

આ દૃષ્ટિએ તે તુર્કીયેની કંપની નથી. કંપનીમાં તુર્કીયેનું શૅરહોલ્ડિંગ માત્ર કંપનીના સ્થાપક સભ્યો સેલેબિઓગ્લુ પરિવાર સુધી જ મર્યાદિત છે. આ પરિવાર કંપનીમાં ૧૭.૫ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીની મૂળ સ્થાપના ૧૯૫૮માં તુર્કીયેની સૌપ્રથમ ખાનગી અને સ્વતંત્ર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની તરીકે થઈ હતી. તુર્કીયેનો પરિવાર તેમના દેશમાં કોઈ રાજકીય જોડાણ ધરાવતો નથી.

દરમિયાન ભારતમાં તુર્કીયેના ઉત્પાદનોથી લઈને પ્રવાસન ક્ષેત્ર દ્વારા તુર્કીયેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રમાં તુર્કીયેના ૬૦ ટકા બુકિંગ્સ રદ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)એ તુર્કીયેની ઈનોનૂ યુનિવર્સિટી સાથે એમઓયુ રદ કરી દીધા છે. હવે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીએ પણ તુર્કીયે સાથે તેના દરેક પ્રકારના શૈક્ષણિક સમજૂતીઓને અસ્થાયીરુપે રદ કરી દીધી છે.

બહિષ્કારનાં એલાન બાદ વેપારીને પાકથી ધમકી

પુણેમાં વેપારીઓએ તુર્કીયેનાં સફરજનો ફેંકી  પગ નીચે કચડયાં

તુકીર્યેથી સફરજનોની આયાત નહિ કરવાનો નવી મુંબઈની ફ્રૂટ માર્કેટના વેપારીનો નિર્ણય

મુંબઇ : ભારત-પાકિસ્તાનની સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ વખતે દુશ્મન પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો જાહેર કરનાર તુર્કીયે સામે વિરોધ વ્યક્ત કરવા માટે પુણેના ફળોના વેપારીઓએ  તુર્કીયે ના સફરજનો રસ્તા પર ફેંકીને પગેથી કચડી નાખ્યા હતા.

તુર્કીથી મોટા પ્રમાણમા ં સફરજનો ભારત આવતા હોય છે પરંતુ તુર્કી સામે દેશભરમાં જાગેલા વિરોધને લીધે પુણેના ફળોના વેપારીઓએ તુર્કીથી સફરજનની આયાત જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

નવી મુંબઇની ફ્રુટ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે તુર્કીના એપલની સિઝન જુલાઇમાં શરૂ થતી હોય છે. એટલે એ પહેલા અમે પણ આયાત બંધ કરવાનો નિર્ણય લેશું. કારણ ભારતના દુશ્મનને જે સહાય કરે તેની સાથે વેપારી સંબંધ તોડી જ નાખવા જોઇએ. બીજું જમ્મુ-કાશ્મીર અને  હિમાચલ પ્રદેશમાંથી સફરજનની ભરપૂર આવક થતી હોય છે. એટલે તુર્કીના સફરજનો મંગાવવાના બંધ કરશું તો કોઇ મોટી અસર નહીં થાય.

દરમિયાન, પુણેના ફળોના વેપારીઓએ તુર્કીના સફરજનોની આયાત બંધ કરવાનો નિર્ણય લીધા બાદ એક વેપારીને પાકિસ્તાનથી ધમકી મળી હોવાનું જાણવા  મળ્યું હતું.

પુણે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડના સુયોગ ઝેન્ડે નામના વેપારીને મોબાઇલ પર વોઇસ મેસેજથી ધમકી આપવામાં આવી હતી.

વેપારીએ કહ્યું હતું કે આજે સવારે ૯ વાગ્યે અજાણ્યા નંબર પરથી સતત કોલ આવવા માંડયા હતા. પણ મે ફોન ઉપાડવાનું  ટાળ્યું હતું. એટલે વોઇસ મેસેજ પર ધમકી આપવામાં આવી હતી. આ મેસેજમાં ભારત વિરૂદ્ધ અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી. વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે પાકિસ્તાન કે તુર્કીનું કંઇ બગાડી નહીં શકો. આ ધમકીભર્યા સંદેશનો મેં પણ વોઇસ મેસેજથી જવાબ વાળ્યો હતો.

આ ધમકીની ફરિયાદ માટે પુણેના વેપારીઓ પુણેના પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરશે.

ભારતના મિત્ર-વિરોધીઓએ હાથ મિલાવ્યા

અમેરિકાનો તૂર્કીયે સાથે 22.5 કરોડ ડોલરનો મિસાઈલ સોદો

- ભારતમાં વિરોધ છતાં તુર્કીયેનો આતંકવાદને પ્રોત્સાહન આપતા પાક. સાથે મિત્રતાનો સંદેશ

દોહા : પહલગામના આતંકી હુમલાનો બદલો લેવા ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર સમયે મુસ્લિમ દેશ તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન કર્યું હોવા છતાં પોતાને મિત્ર ગણાવતા અમેરિકાએ ફરી એક વખત ભારત સાથે દગો કર્યો છે. અમેરિકાએ તુર્કીયે સાથે ૨૨.૫ કરોડ ડોલરનો મિસાઈલ સોદો કર્યો છે. બીજીબાજુ ભારતમાં તુર્કીયેના બહિષ્કારના અભિયાન છતાં પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાન સાથેની મિત્રતા પર ભાર મૂક્યો છે. ભારતમાં તૂર્કીયેના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે એવામાં અમેરિકન વિદેશ વિભાગે તુર્કીયે સાથે ૨૨.૫ કરોડ ડોલરનો હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ એઆઈએમ-૧૨૦સી-૮ એએમઆરએએએમના વેચાણને મંજૂરી આપી દીધી છે. આ દુનિયાની સૌથી લોકપ્રિય બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ છે, જે દરેક વાતાવરણમાં અને રાતે પણ હુમલો કરવા સક્ષમ છે. મુસ્લિમ દેશ તુર્કીયેએ ભારતના ઓપરેશન સિંદૂરના અભિયાન સમયે માત્ર પાકિસ્તાનને સાથ જ નહોતો આપ્યો, પરંતુ ભારત વિરુદ્ધ તેના ડ્રોન અને ઓપરેટર પણ મોકલ્યા હતા. આવા સમયે તુર્કીયેને મિસાઈલો વેચવાની મંજૂરીના અમેરિકાના સોદાને ભારતમાં શંકાની નજરે જોવામાં આવે છે.

બીજીબાજુ પહલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર સમયે ચાર દિવસના ઘર્ષણમાં તુર્કીયેએ ડ્રોન અને ઓપરેટિવ્સ મોકલી પાકિસ્તાનને મદદ કરી હતી, જેથી ભારતમાં તુર્કીયેના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. આમ છતાં તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને એક ટ્વીટ કરીને લખ્યું, 'પાકિસ્તાન-તૂર્કી મિત્રતા અમર રહે.' પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંદેશાનો જવાબ આપતા એર્દોગને ક્હયું, ભૂતકાળની જેમ, અમે ભવિષ્યમાં પણ સારા અને ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહીશું. 

Tags :