પાકિસ્તાન બાદ તુર્કી ભારત વિરોધી હિલચાલનુ સૌથી મોટુ કેન્દ્ર બન્યુ
અંકારા, તા.31 જુલાઈ 2020, શુક્રવાર
ભારત સામે હવે ખુલ્લે્આમ પાકિસ્તાનનો સાથ આપી રહેલુ તુર્કી પાકિસ્તાન બાદ ભારત વિરોધી ગતિવિધિઓનુ સૌથી મોટુ કેન્દ્ર બની રહ્યુ છે.
એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે તુર્કી એ તમામ સંગઠનોને ફંડ આપી રહ્યુ છે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓ સાથે અને મુસ્લિમોના બ્રેન વોશ સાથે સંકળાયેલા છે.અંગ્રેજી અખબારના આ અહેવાલ પ્રમાણે કેરાલા અ્ને કાશ્મીર સહિતના તમામ કટ્ટરવાદી સંગઠનોને તુર્કી દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.
એક સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં કહેવાયુ છે કે, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનનુ સ્વપ્ન પોતાને મુસ્લિમ દેશોના નેતા તરીકે સ્થાપિત કરવાનુ છે અને તેના માટે તેઓ તુર્કીને પણ ધાર્મિક કટ્ટરતા તરફ લઈ જઈ રહ્યા છે.તેમણે તાજેતરમાં જ તુર્કીના ઐતહાસિક ચર્ચને મસ્જિદમાં ફેરવી નાંખ્યુ છે.પોતાના એજન્ડા માટે એર્દોઆન ભારતીય મુસ્લિમો પર તુર્કીનો પ્રભાવ વધારવા માંગે છે.તુર્કીની સરકાર કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની જેવાને તો કેટલાય વર્ષોથી ફંડિંગ આપે છે અને હવે તુર્કીએ પોતાના ફંડિંગનો વ્યાપ વધારવા માંડતા ભારતની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.ભારતના કેટલાક કટ્ટરવાદીઓને તુર્કી પોતાના ખર્ચે બોલાવી રહ્યુ છે.કેરાલામાં કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપનારાઓને પણ પૈસા આપવામાં આવી રહ્યા છે.
અધિકારીના કહેવા પ્રમાણે પાકિસ્તાન સાથે મળીને તુર્કીએ ઝાકીર નાઈકને પણ પૈસા પૂરા પાડ્યા છે.હાલમાં ઝાકીર મલેશિયામાં રહે છે.પાકિસ્તાન માટે તો તુર્કી નવુ દુબઈ બની રહ્યુ છે.