World

તુર્કીએ ઇઝરાયેલ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખ્યા : હવાઈ સીમા અને બંદરો પણ બંધ કરી દીધાં

By GS TEAM
30 Aug 20252 mins read
તુર્કીએ ઇઝરાયેલ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખ્યા : હવાઈ સીમા અને બંદરો પણ બંધ કરી દીધાં

- ઇઝરાયેલ પ્રમુખનાં વિમાન માટે પણ એર સ્પેસ બંધ રાખી

- 7 ઓક્ટો. 2023થી શરૂ થયેલાં ગાઝા યુદ્ધમાં 63025 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે, 159166 ઘાયલ થયા છે, 900થી વધુ લાપત્તા, 317 ભૂખથી મરી ગયા છે

અંકારા : ગાઝામાં ચાલી રહેલાં નૃશંસ યુદ્ધના વિરોધમાં તુર્કીએ ઇઝરાયલ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખ્યા છે. રાજકીય સંબંધો તો ક્યારનાયે તોડી નખાયા છે તેણે પોતાનાં હવાઈ ક્ષેત્રને ઇઝારયલી વિમાનો માટે બંધ જાહેર કર્યું છે. તેમજ તેનાં બંદરોને ઇઝરાયલી જહાજો માટે બંધ રાખ્યાં છે.

તુર્કીના વિદેશ મંત્રી હાકન ફિદાને શુક્રવારે સંસદનાં વિશેષ સત્રમાં આ માહિતી આપી હતી. તુર્કીએ બેન્જામિન નેતન્યાહૂની તુલના એડોલ્ફ હીટલર સાથે કરી છે.

૨૦૨૩ સુધીમાં બંને દેશો વચ્ચે વ્યાપાર ચાલતો હતો તે ૭ અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. તેમાં સ્ટીલ, તેલ અને પ્લાસ્ટિકની આઈટમ્સ મુખ્ય હતી. ૭ ઓક્ટો. ૨૦૨૩થી શરૂ થયેલાં ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં હજી સુધીમાં ૬૩,૦૨૫નાં મોત થયા છે. ૧,૫૯,૨૬૬ ગંભીર રીતે ઘાયલ થયા છે. ૯૦૦થી વધુ લાપત્તા છે. ૩૧૭ ભૂખમરાથી મરી ગયા છે. જેમાં ૧૨૧ બાળકો સમાવિષ્ટ છે.

તુર્કીના વિદેશમંત્રી ફીદાને ગાઝામાં ભૂખમરાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો ઇઝરાયલ ઉપર આક્ષેપ મુક્યો છે. સાથે અંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયલને તેલ નહીં આપવા તથા દારૂગોળો કે શસ્ત્રાસ્ત્રો નહીં આપવા અનુરોધ કર્યો છે. તેણે દક્ષિણ આફ્રિકાની સાથે મળી ઇઝરાયલ સામે ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટમાં નરસંહાર માટે કેસ પણ દાખલ કર્યો છે.

ઇઝરાયેલની સૌથી મોટી સ્ટીમ શિપ કંપની ઝીમે જણાવ્યું હતું કે તુર્કીના નિયમોને લીધે ઇઝરાયલી સ્ટીમ શિપ કંપનીઓ ઉપર નાણાંકીય બોજો વધ્યો છે.

ઇઝરાયેલના પ્રમુખ ઇસહાગ હઝોંગને આઝર બૈજાનમાં મળી રહેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં જવું હતું ત્યારે તેમના વિમાનને તુર્કીએ પોતાની વાયુ સીમા પરથી પસાર થવાની 'ના' કહી હતી.