Get The App

સમાધાનની બેઠક નિષ્ફળ જતાં તાલિબાનનો પાકિસ્તાન પર હુમલો, કેપ્ટન સહિત 7 જવાનોના મોત

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
સમાધાનની બેઠક નિષ્ફળ જતાં તાલિબાનનો પાકિસ્તાન પર હુમલો, કેપ્ટન સહિત 7 જવાનોના મોત 1 - image

Image Source: Twitter

TTP Attack On Pakistan Army: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં કેપ્ટન રેન્કના અધિકારી સહિત 7 જવાનોના મોત થઈ ગયા છે. મૃતક અધિકારીની ઓળખ કેપ્ટન નોમાન તરીકે થઈ છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR એ જણાવ્યું કે, ઉગ્રવાદીઓએ IED વિસ્ફોટ દ્વારા સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 17 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. આ હુમલો ઈસ્તંબુલમાં પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે સમાધાનની બેઠક નિષ્ફળ ગયા બાદ થયો છે.

સેનાની જવાબી કાર્યવાહીમાં 7 આતંકવાદી ઠાર

TTPએ સેનાના કાફલા પર ત્યારે ગોળીબાર કર્યો જ્યારે તે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ કબાયલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. એન્કાઉન્ટર દરમિયાન ડોગર નજીક એક આઈઈડી વિસ્ફોટ થયો હતો. આઈએસપીઆરએ જણાવ્યું કે, સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

TTPના ખૂંખાર કમાન્ડરનું કારનામું

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલો કદાચ TTPના કુર્રમ જિલ્લા કમાન્ડર અહેમદ કાઝિમે અંજામ આપ્યો હતો. TTP ફિલ્ડ માર્શલના નામથી પ્રખ્યાત કાઝિમ પર 10 કરોડ રૂપિયાનું ઈનામ છે. તેના પર ઓછામાં ઓછા 100 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ છે. આ હુમલો ગત અઠવાડિયે ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેનાના ઓપરેશનમાં 8 TTP આતંકવાદીઓના મોત અને પાંચ અન્ય ઘાયલ થયા બાદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને જિનપિંગની બેઠકમાં મોટા નિર્ણય: 10 ટકા ટેરિફ ઘટાડાયો, સોયાબીન ખરીદશે ડ્રેગન

પાકિસ્તાનમાં TTPના હુમલામાં વધારો

અફઘાન તાલિબાન સાથે પાકિસ્તાની સેનાના સંઘર્ષ અને તણાવ વચ્ચે ફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાની વિસ્તારોમાં તાજેતરના દિવસોમાં ઉગ્રવાદી હિંસામાં વધારો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ખૈબર પખ્તુનખ્વામાં આ વર્ષે અત્યાર સુધીમાં આતંકવાદના કારણે 298 લોકો માર્યા ગયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 22 ઓક્ટોબર સુધીમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં 117 જવાનો અને 181 નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ આતંકવાદી હિંસામાં અન્ય 486 લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ માટે TTPને જવાબદાર ઠેરવવામાં આવે છે.