અમેરિકાના અલાસ્કામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી અપાઇ
- આજે સવારે અલાસ્કામાં આંચકા આવ્યા
અલાસ્કા તા.20 ઓક્ટોબર 2020 મંગળવાર
અમેરિકના દૂર ઉત્તરમાં આવેલા રાજ્ય અલાસ્કામાં આજે મંગળવારે પરોઢિયે ધરતીકંપના આંચકા આવ્યા હતા.સિસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા સાડા સાતની આંકવામાં આવી હતી. આ ભૂકંપના પગલે પ્રશાંત મહાસાગર (પેસિફિક )માં સુનામી આવવાની ચેતવણી ઉચ્ચારાઇ હતી. કેટલાંક સ્થળે દોઢથી બે મીટર ઊંચાં મોજાં પણ ઊછળ્યાં હતાં. જો કે પાછળથી આ ચેતવણીને એડવાઇઝરીમાં પરિવર્તિત કરાઇ હતી.
અમેરિકાના નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરીક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ જણાવ્યા મુજબ આ ધરતીકંપનું કેન્દ્ર ધરતીથી 41 કિલોમીટર ઊંડે અને સેન્ડ પોઇન્ટ શહેરથી 94 કિલોમીટર દૂર હતું. ધરતીકંપના આંચકા તીવ્ર હતા. કેન્ડરી એન્ટ્રન્સથી યુનિમૈક પાસે સુનામી ત્રાટકવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. અલાસ્કાના ભૂકંપ કેન્દ્રે જણાવ્યા મુજબ પહેલા બે આંચકા આવ્યા હતા. એ પછી વધુ તીવ્રતા ધરાવતા બીજા બે આંચકા આવ્યા હતા.
નેશનલ વેધ સર્વિસે લોકોને ચેતવ્યા હતા કે દરિયામાં શક્તિશાળી મોજાં અને પ્રચંડ કરન્ટ હશે માટે કિનારાવર્તી વિસ્તારોમાં રહેતા લોકો સાવધ રહે.