Get The App

ભારત અને ઈરાન વચ્ચે ટ્રમ્પનો શાબ્દિક બફાટ : છતાં કહે છે : મેં ભારત-પાક. પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અને ઈરાન વચ્ચે ટ્રમ્પનો શાબ્દિક બફાટ : છતાં કહે છે : મેં ભારત-પાક. પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે 1 - image

- વ્હાઈટ-હાઉસમાં બુધવારે પત્રકાર સંબોધનમાં ફરી કહ્યું : મારા ટેરિફે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય) ફરી એક વખત બફાટ કર્યો છે. તેઓએ ભારત-ઈરાન વચ્ચે શાબ્દિક ગડમથલ કરતાં ઈરાનને એક પરમાણુ શક્તિ ગણાવી દીધું છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કરેલા સંબોધનમાં ટ્રમ્પે ભારત- પાકિસ્તાન યુદ્ધ વિષે કહ્યું છે કે, તેના ટેરિફે જ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું.

તેઓએ વધુમાં કહ્યું : ટેરિફ આપણા સંરક્ષણ માટેનું મહત્વનું શસ્ત્ર છે. આપણી રાષ્ટ્રીય સલામતી માટેનું પણ મહત્વનું શસ્ત્ર પણ છે. ઉદાહરણ તરીકે જુઓ તો પાકિસ્તાન- ઈરાન છે. મેં પાકિસ્તાન- ઈરાન સાથેના વ્યાપાર સંબંધો વિષે કહ્યું : હું ઇરાન અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપાર- કરારો અંગે મધ્યસ્થી રૂપ હતો. બંનેને ૨૦૦ ટકા ટેરિફની ધમકી આપી. તે સાથે તેઓ લાઇન પર આવી ગયા. બંને વચ્ચે યુદ્ધ બંધ થઈ ગયું તેથી લાખ્ખો લોકોના જાન બચી ગયા.. મેં તેમ પણ કહ્યું કે આટલા ભારે ટેરિફ છતાં નહીં સુધરો તો હું તમોને અમેરિકામાં કોઈ પણ વ્યાપાર કરવા પર પ્રતિબંધ મુકીશ.

આમ કહી ટ્રમ્પે ઇંડીયા અને ઈરાન વચ્ચે બફાટ કરી નાખ્યો.

આ સાથે તેઓએ ફરી એકવાર કહ્યું : મેં આઠ આઠ યુદ્ધો અટકાવ્યા છે અને તે પણ માત્ર ૮ મહિનામાં જ. અન્ય કોઈ પ્રમુખે આવું કર્યું નથી. મેં વૈશ્વિક શાંતિ સ્થાપવા છતાં મને તેનું પુરતું વળતર મળ્યું નથી. આમ કહી ટ્રમ્પે પોતાને શાંતિ માટેનાં નોબેલ પ્રાઈઝથી વંચિત રખાયા તે પ્રત્યે પણ તેમની મનોવ્યથા ઠાલવી હતી. સાથે કહ્યું, મને નોબેલ પ્રાઈઝ અપાયું ? ના, આગામી વર્ષ વધુ યોગ્ય બની રહેશે. પરંતુ તમે જાણો જ છો કે, મને સૌથી વધુ શેની ચિંતા છે. મેં સેંકડો નહીં લાખ્ખો લોકોના જીવન બચાવ્યા છે. આમ કહી ટ્રમ્પે ૨૦૨૫નું નોબેલ તેમને નહીં મળતા વેનેઝૂએલાના મારિયા કોરીના મયાડોને મળ્યું તે તરફ સંકેત કર્યો હતો.