Get The App

ટ્રમ્પનો સનેપાત : 7 યુદ્ધ અટકાવ્યા, 7 નોબલ આપો !!

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો સનેપાત : 7 યુદ્ધ અટકાવ્યા, 7 નોબલ આપો !! 1 - image


- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવી શક્યો નહીં, પરંતુ બીજા તો રોક્યા ને ! : અમેરિકી પ્રમુખ

- ભારત-પાક., ઈઝરાયેલ-ઈરાન, ઈજિપ્ત-ઈથિયોપિયા, રવાન્ડા-કોંગો, સહિત ૬૦ ટકા યુદ્ધો વેપાર મુદ્દે રોક્યા : ટ્રમ્પ

- પ્રમુખ ટ્રમ્પના દાવા પોકળ : રશિયા-યુક્રેન, ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વધુ વકર્યા હોવાનો બર્ગમેનનો આક્ષેપ

ન્યૂયોર્ક/વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આ વર્ષે માત્ર પાંચ મહિનામાં દુનિયામાં ભારત અને પાકિસ્તાન સહિત સાત યુદ્ધો બંધ કરાવ્યા હોવાનો દાવો કરવાની સાથે તેમના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માગ કરી રહ્યા છે. દુનિયામાં સાત યુદ્ધો અટકાવીને વિનાશ રોકવા બદલ તેમને પ્રત્યેક યુદ્ધ માટે કુલ સાત નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઈએ. જોકે, અમેરિકન વિદેશ વિભાગના પૂર્વ અધિકારી મેક્સ બર્ગમેને કહ્યું કે, યુદ્ધો અટકાવ્યાના ટ્રમ્પના દાવા પોકળ છે. ઉલટાનું રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વકર્યા છે.

અમેરિક કોર્નરસ્ટોન ઈન્સ્ટિટયૂટના એક કાર્યક્રમમાં શનિવારે પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે, મેં તાજેતરના મહિનાઓમાં સાત યુદ્ધો રોક્યા છે. તેમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધનો પણ સમાવેશ થાય છે. આ બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ રાષ્ટ્ર છે. ૧૦ મેએ ભારત અને પાકિસ્તાનના સીઝફાયર પછી ટ્રમ્પ અંદેજ ૪૦ વખત આ યુદ્ધ રોકાવાનો શ્રેય લઈ ચૂક્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મૂનીરે યુદ્ધ રોકવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો. જોકે, ભારતે દરેક વખતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેનું યુદ્ધ રોકવામાં ટ્રમ્પ સહિત ત્રીજા કોઈપણ પક્ષની દખલ નહોતી. ભારત માત્ર પાકિસ્તાનના ડીજીએમઓના કોલ પછી જ યુદ્ધવિરામ માટે સંમત થયું હતું.

દરમિયાન અમેરિકન વિદેશ વિભાગના પૂર્વ અધિકારી મેક્સ બર્ગમેને કહ્યું કે, નવ મહિનામાં યુદ્ધો અટકાવી દુનિયામાં શાંતિના પ્રયાસો કર્યા હોવાના ટ્રમ્પના દાવા પોકળ છે. હકીકતમાં રશિયા-યુક્રેન અને ગાઝામાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ વધુ વકર્યા છે. યુક્રેન યુદ્ધ રોકવા ટ્રમ્પ અલાસ્કામાં રશિયન પ્રમુખ પુતિનને મળ્યા પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. ગાઝામાં પણ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ટ્રમ્પની વાત માનતા નથી અને તેમણે ગાઝા શહેર પર કબજો કરવા માટે નવેસરથી હુમલા શરૂ કરી દીધા છે.  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ અને ટ્રેડ મારફત અમે સાત અલગ અલગ યુદ્ધો રોકવામાં સફળ થયા છીએ. અમે ભારત અને પાકિસ્તાન, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના યુદ્ધ અટકાવ્યા. આર્મેનિયા અને અઝરબૈજાન અને દાયકાથી લડી રહ્યા હતા. તેમની વચ્ચે શાંતિ માટે અમારા પ્રયત્નો સફળ રહ્યા. આ સિવાય કોસોવો-સર્બિયા, ઈઝરાયેલ-ઈરાન, ઈજિપ્ત-ઈથિયોપિયા અને રવાન્ડા-કાંગોના યુદ્ધ અમે રોકાવ્યા છે. મેં આમાંથી ૬૦ ટકા યુદ્ધો વેપારના કારણે અટકાવ્યા છે. દુનિયામાં યુદ્ધો રોકવાનો દાવો કરતા અમેરિકન પ્રમુખે પોતાના માટે નોબેલ પુરસ્કારની માગ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એપ્રિલ ૨૨ના રોજ આતંકી હુમલામાં ૨૬ હિન્દુઓની હત્યાના જવાબમાં ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આતંકી સ્થળોને તોડી પાડયા હતા. આ સંદર્ભમાં ટ્રમ્પે ઉમેર્યું હતું કે, ભારતને મેં કહ્યું - જૂઓ તમે પાકિસ્તાન સામે લડવાનું ચાલુ રાખશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ. તેમની પાસે પરમાણુ શસ્ત્રો છે. આટલું સાંભળ્યા પછી તેઓ અટકી ગયા. અમેરિકન પ્રમુખપદની ચૂંટણી લડતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ પ્રમુખ બનશે તો ૨૪ કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવી દેશે. પરંતુ હવે નોબેલ શાંતિ પુરસ્કારની માગ કરતા ટ્રમ્પે કહ્યું કે, મને કહેવાય છે કે તમે રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાવી દો તો તમને નોબેલ પ્રાઈઝ મળી શકે છે. હું આ બાબતથી સહમત નથી. હું પૂછવા માગું છું કે, મેં અત્યાર સુધીમાં રોકાવેલા યુદ્ધોની અવગણના શા માટે કરવામાં આવી રહી છે. મને મેં રોકાવેલા સાત યુદ્ધોમાંથી દરેક યુદ્ધ માટે એક નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

અગાઉ પાકિસ્તાન, ઈઝરાયેલ સહિતના દેશોના વડાઓએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. જોકે, હવે ટ્રમ્પ પોતે જ પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માગ કરી રહ્યા છે. ટ્રમ્પે અનેક પ્રસંગો પર કહ્યું છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર ના મળવો એ અત્યાચાર છે, કારણ કે તેઓ જ તેના સૌથી લાયક ઉમેદવાર છે. ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળળા બદલ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.


Tags :