ટ્રમ્પનાં કડક વલણથી યુ.એસ.માં વસાહતીઓની સંખ્યામાં 1.5 મિલિયન જેટલો ઘટાડો નોંધાયો
- 1960 પછી પહેલી જ વાર આટલો મોટો ઘટાડો નોંધાયો
- પ્યુ. રીસર્ચ સેન્ટર કહે છે : આથી વર્ક ફોર્સમાં 7,50,000નો ઘટાડો થયો આ વર્ષના પ્રારંભે 53.4 મિલિયન વસાહતીઓ હતા તેની સંખ્યા ઘટીને 51.9 થઇ
નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પનાં વસાહતીઓ પ્રત્યેનાં અતિ કઠોર વલણને લીધે અમેરિકામાં વસાહતીઓની સંખ્યામાં જાન્યુઆરી૨૦૨૫ થી જૂન ૨૦૨૫ સુધીમાં ૧.૫ મિલિયન (૧૫ લાખ)નો ઘટાડો થયો છે. તેનાં મૂળમાં સામુહિક દેશ નિકાલ વધુ અને વધુ થઇ રહેલી ધરપકડો તેમજ કાયદેસર પણ પ્રવેશ કરવાના પ્રતિબંધને લીધે આ ઘટાડો નોંધાયો છે. પીઇડબલ્યુ પ્યુ રીચર્સ સેન્ટર જણાવે છે કે આથી અમેરિકાનાં વર્ક ફોર્સમાં પણ ૭,૫૦,૦૦૦નો ઘટાડો નોંધાયો છે.
આ સ્વૈચ્છિક સંસ્થા જણાવે છે કે આ વર્ષના ૪ જાન્યુઆરીથી જૂન સુધીના છ માસમાં જ વસાહતીઓની કુલ સંખ્યા જે ૫૩.૪ મિલિયન હતી તે ઘટીને આશરે ૫૧.૯ મિલિયન થઇ છે.
પ્યુ રીસર્ચ સેન્ટરના સીનિયર ડેમોગ્રાફર જેફરી પેસ્સેલે એન.બી.સી.ન્યુઝને આ માહિતી આપી હતી. આ સાથે તે રીસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે વસાહતીઓની સંખ્યા ઘટતાં ૭,૫૦,૦૦૦ જેટલું વર્ક ફોર્સ ઘટી ગયું છે. આમ થવાથી એકંદરે અર્થતંત્ર ઉપર પણ અસર પડશે જ. વાસ્તવમાં તેની માઠી અસર પડવી શરૂ થઈ ચુકી છે.
મુશ્કેલી એ પણ છે કે અમેરિકાની વસ્તીમાં વૃદ્ધોનો વધારો થઇ રહ્યો છે. આ વૃદ્ધો ઉત્પાદનમાં ખાસ સહાય કરી શકે જ નહીં. વસાહતીઓ અંગેના કાનૂનમાં બાયેડન વહીવટી તંત્રના સમયથી ૨૦૨૪થી ફેરફારો શરૂ થયા હતા. પરંતુ તે મહદઅંશે સરહદી વિસ્તારો (મેક્ષિકો અને કેનેડાની સરહદો પૂરતા જ) મર્યાદિત હતા. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રમાં તેમા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા. પ્યુ-સ્ટડી જણાવે છે કે ટ્રમ્પના કાયદાઓથી બિન અધિકૃત વસાહતીઓમાં તો ભારે મોટો ઘટાડો નોંધાયો છે. તે પૂર્વે ૨૦૨૩માં તો ૧૪ મિલિયન વસાહતિઓ (૧ કરોડ ૪૪ લાખ) નોંધાયો હતો.
ટ્રમ્પ હવે ગેરકાયદે વસાહતીઓને તો કોઈ પણ ભોગે દેશ નિકાલ કરવા કટિબદ્ધ થયા છે. તે સર્વ વિદિત છે કે ટેક્સાસ અને દ.કેલિફોર્નિયામાં સૌથી વધુ ગેરકાયદે વસાહતિઓ રહેલા છે.