ટ્રમ્પનું ટેરરિઝમ : ભારત પર વધુ 25 ટકાનો ટેરિફ બોમ્બ
- ભારતે રશિયા પાસેથી 'ઓઇલ' ખરીદતા ટ્રમ્પને 'અપચો' !
- ભારતની અમેરિકામાં કુલ 86 અબજ ડોલરની નિકાસ પર ટ્રમ્પના નિર્ણયના કારણે ફટકો પડી શકે: ઓલ ઇન્ડિયા એક્સપોર્ટ એસો.
- ટ્રમ્પનો નિર્ણય અન્યાયી, અયોગ્ય, અતાર્કિક અને કમનસીબ છે, ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને પગલાં લેશે : વિદેશ મંત્રાલય
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુરોપીયન યુનિયન (ઇયુ) પછી સૌથી વધુ ડર લાગતો હોય તો હવે તે બ્રિક્સનો લાગી રહ્યો છે. ટ્રમ્પ સમજી ગયા છે કે બ્રિક્સનું જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે તે જોતાં અમેરિકાની સત્તા આગામી દિવસોમાં ફક્ત અમેરિકા પૂરતી જ સીમિત રહેશે. તેના પગલે ડોલરનું પ્રભુત્વ ઘટશે. તેથી જ તેમણે પહેલા બ્રિક્સમાં બ્રાઝિલ અને હવે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે.
ટ્રમ્પે ભારત પર અગાઉ નાખેલા ૨૫ ટકા ટેરિફનો અમલ સાતમી ઓગસ્ટથી શરુ થઈ જશે, જ્યારે રશિયા પાસેથી ઓઇલની ખરીદી બદલ નાખેલા ૨૫ ટકા ટેરિફનો અમલ ૨૭મી ઓગસ્ટથી થવાનો છે. આ પગલાંના લીધે ટેક્સ્ટાઇલ એક્સ્પોર્ટ, લેધર એક્સપોર્ટ અને મરીન એક્સપોર્ટને ફટકો પડશે.ભારતે તેના જવાબમાં જણાવ્યું છે કે અમેરિકાનું પગલું અયોગ્ય, અન્યાયી અને અતાર્કિક તથા કમનસીબ છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે બધા પગલાં લેશે. નિકાસકારોનું કહેવું છે કે ભારત અમેરિકામાં કુલ ૮૬ અબજ ડોલરની નિકાસ કરે છે અને આ ટેરિફથી નિકાસ પર ગંભીર અસર પડી શકે છે, એમ ઓલ ઇન્ડિયા એક્સપોર્ટ એસોસિયેશનના ડીજી અજય સહાયે જણાવ્યું હતું.
ટ્રમ્પે ટેરિફથી બાકાત રાખ્યા હોય તેવા સેક્ટરોમાં ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમી કંડક્ટર્સ, જેમકે કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ, સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ, ફ્લેટ પેનલ્સ ડિસ્પ્લેઝ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટનો સમાવેશ થાય છે. આ એક્ઝેમ્પશન લિસ્ટ છે. અમેરિકાની ટીમ ૨૫મી ઓગસ્ટે ભારત આવવાની છે ત્યારે ટ્રેડ ડીલમાં કોઈ પ્રગતિ સધાય તો આ ટેરિફમાં પોઝ પીરિયડ પણ આવી શકે છે.
ટ્રમ્પ તે વાત પણ સમજી ચૂક્યા છે કે ભારત અને ચીન જેવા દેશોના આગેવાનો તેમના દેશને જે રીતે આગળ લઈ જઈ રહ્યા છે તે પ્રકારનું વિઝન હવે તેમના જ દેશના તેમના સહિતના રાજકીય આગેવાનો પાસે નથી. તેથી આગામી દિવસોમાં આ દેશો પાસેના વિપુલ સંસાધનો અને તેને યોગ્ય દોરવણી આપતા રાજકીય આગેવાનો સહિતની રાજકીય ઇચ્છાશક્તિનો સામનો કરવો તેમના માટે અઘરો નહીં અશક્ય હશે તેથી તેમણે પાણી પહેલા પાળ બાંધવાની શરુઆત કરી દેવી પડે તે ન્યાયે બ્રિક્સ સંગઠન સિમેન્ટ જેવું મજબૂત બને તે પહેલા તેને વેતરવાનો પ્રારંભ કરવા માંડયો છે.તેથી આગામી દિવસોમાં ચીન પર પણ આટલો જ ટેરિફ લાગી શકે છે, હાલમાં ચીન પર ૨૫ ટકા ટેરિફ છે. રશિયાનો વારો સૌથી છેલ્લે આવી શકે છે.
અમેરિકા ભારતનો ઉપયોગ વાસ્તવમાં ચીન અને રશિયા સામે કરવા માંગે છે, પરંતુ હજી સુધી તેની મુરાદ બર ન આવતા તે અકળાયું છે. ભારતે પાકિસ્તાનની જેમ હજી સુધી અમેરિકાનો હાથો બનવાનું સ્વીકાર્યુ નથી. આ પહેલા ભારત રશિયા પર મોટાપાયા પર આધારિત હતુ, પરંતુ ક્યારેય અમેરિકા સામે તેનો હાથો બન્યું ન હતું. તે જ રીતે વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આજે પણ તે અમેરિકા જેવી મહાસત્તાને માન આપે છે, પરંતુ તેનો હાથો બનવા તૈયાર નથી અને પોતાનું આગવું વલણ જારી રાખ્યું છે તે અમેરિકાને ખૂંચ્યું છે. છેવટે આ બધાની ફળશ્રુતિ તે ૨૫ ટકા ટેરિફ પ્લસ ૨૫ ટકા પેનલ્ટી એમ ૫૦ ટકાના સ્વરૂપમાં ટેરિફ લાદ્યો તે અંતિમ પરિણામ છે.
ટ્રમ્પની આ બધી કવાયતનો હેતુ બ્રિક્સની વૃદ્ધિને બ્રેક મારવાનો છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત રશિયાના ક્રૂડ તેલની આયાત કરે છે તે એકમાત્ર બહાનું છે. ભારતની વાત જવા દઈએ તો ટ્રમ્પ જે દાવો કરે છે તેના પર અમેરિકનોને પણ વિશ્વાસ આવતો નથી. અમેરિકા પોતે પણ હાલની સ્થિતિમાં રશિયા સાથે અબજો ડોલરનો કારોબાર કરે જ છે. તેથી રશિયા-યુક્રેન યુદ્ધને ભારતની રશિયન ઓઇલ ખરીદી ફંડિગ કરે છે તેવો ટ્રમ્પનો દાવો એકદમ પાંગળો છે. હજી સુથી સાતથી આઠ મહિના પહેલા બાઇડેનના તંત્ર હેઠળ આ જ અમેરિકા ભારતની રશિયામાંથી ઓઇલ ખરીદીને પ્રોત્સાહન આપતું હતું, જેથી વૈશ્વિક એનર્જી સિક્યોરિટી જળવાઈ રહે. હવે શું ફક્ત આઠ જ મહિનામાં અમેરિકાની આ વિદેશ નીતિનું શીર્ષાસન થઈ ગયુ, આવો સવાલ ખુદ અમેરિકન નિષ્ણાતો પૂછી રહ્યા છે. ટ્રમ્પની વિશ્વસનીયતા ખુદ અમેરિકામાં જ રહી નથી. પણ આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ બ્રિક્સને આગળ વધતું રોકવા જે પગલાં લઈ રહ્યા છે તે જ પગલાં બ્રિક્સ દેશોને વધુને વધુ નજીક લાવી રહ્યા છે. બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાએ જણાવ્યું છે કે હું પીએમ મોદી અને જિનપિંગ સાથે સામે ચાલીને વાત કરીશ, ફોન કરીશ, પણ ટ્રમ્પને તો હું ફોન પણ નહીં કરુ. તેનો ફોન આવશે તો વાત કરીશ.
ટ્રમ્પના ટેરિફની કયા સેક્ટરો પર અસર
સેક્ટર |
નિકાસ |
હિસ્સેદારી |
હીરા |
૬.૭ અબજ ડોલર |
૪૪.૫ ટકા |
ઝવેરાત |
૩.૫ અબજ ડોલર |
૧૫.૬ ટકા |
વસ્ત્રો |
૫.૬ અબજ ડોલર |
૧૪ ૦ ટકા |
ઇલે. |
૭.૫ અબજ ડોલર |
૦૬.૭ ટકા |
ફાર્મા |
૧૩ અબજ ડોલર |
૦૫.૩ ટકા |
મશીન |
૨.૬ અબજ ડોલર |
૦૩.૧ ટકા |