ટ્રમ્પના ટેરિફથી અમેરિકન અર્થતંત્ર ડામાડોળ, મૂડીઝની આકરી ચેતવણી
- 2025ના અંત સુધીમાં અમેરિકા મંદીમાં હશે
- ટ્રમ્પનો ટેરિફનો દાવ ઊંધો પડયો, ખાનગી અને સરકારી નોકરીઓ બંનેમાં મોટાપાયા પર છટણી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આર્થિક નીતિઓ અમેરિકાને વિનાશમાં ધકેલી રહી છે. ટ્રમ્પની ટેરિફ નીતિઓએ બીજા દેશોને તો મુશ્કેલીમાં મૂક્યા જ છે, પરંતુ અમેરિકન અર્થતંત્રને પણ મંદીની ગર્તામાં હોમી દીધું છે. અમેરિકા હવે મંદીના કિનારે આવીને ઊભું હોવાની ચેતવણી જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝે ઉચ્ચારી છે. ૨૦૨૫ના અંતમાં કે અંતસુધીમાં અમેરિકા મંદીમાં પ્રવેશી ચૂક્યું હશે તેમ મૂડીઝે જણાવ્યું છે.
મૂડીઝનું કહેવું છે કે ટ્રમ્પનો ટેરિફનો દાવ રીતસરનો ઊંધો પડી રહ્યો જણાય છે. ખાનગી અને સરકારી નોકરી બંનેમાંથી છટણી થઈ રહી છે. નવા સાહસિકો નવું રોકાણ કરતાં નથી, કારણ કે ટ્રમ્પની નીતિઓના કારણે લેબર મળે તેમ નથી. અમેરિકાની આર્થિક સ્થિતિ આગામી દિવસોમાં વધુને વધુ કપરી થવાના એંધાણ છે. ઉલ્લેખનીય છે કે માર્ક ઝેન્ડી તે જ અર્થશાસ્ત્રી છે જેમણે ૨૦૦૮ની સબ પ્રાઇમ આર્થિક કટોકટીની આગાહી કરી હતી. મૂડીઝ એનાલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જેન્ડીએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું છે કે અમેરિકાના રાજ્યોના આંકડા સંકેત આપી રહ્યા છે કે અમેરિકા મંદીની ગર્તામાં છે. અમેરિકન જીડીપીમાં પ્રદાન કરતાં ત્રીજા ભાગના રાજ્યો એટલે કે ૩૩ ટકા રાજ્યો મંદીની ઝપેટમાં છે અથવા તો મંદીના હાઇ રિસ્ક ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે. જ્યારે બીજી ૩૩ ટકા રાજ્યોમાં વૃદ્ધિદર સ્થિર છે. ફક્ત ૩૩ ટકા રાજ્યોમાં જ વૃદ્ધિ નોંધાઈ છે.
સરકારી નોકરીઓમાં કાપ મૂકવાથી સંકટ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. ઉત્તર-પૂર્વ, મધ્ય-પશ્ચિમ અને વોશિંગ્ટન ડીસીના ક્ષેત્રમાં સૌથી વધુ અસર જોવા મળી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જીડીપી વૃદ્ધિદર અને મોંઘવારીના આંકડાને ભલે આર્થિક સફળતાનું પ્રમાણ ગણાવતા હોય અને ટેરિફની હકારાત્મક અસરનો દાવો કરતાં હોય, પરંતુ મૂડીઝના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા મંદીના કિનારે ઊભું છે અને તે હવે ગમે ત્યારે મંદીની ગર્તામાં સરી જાય તો આશ્ચર્ય નહીં થાય. ઇન્સ્ટિટયુટ ફોર સપ્લાય મેનેજમેન્ટના સરવેનો હવાલો આપતા રિપોર્ટમાં જણાવાયું હતું કે કેટલાક ઉત્પાદકોએ સ્પષ્ટ કરી દીધું છે કે વધારે પડતાં વેરાના કારણે અમેરિકામાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ વકરી શકે તેમ છે. આના પગલે સૌથી પહેલા ફેક્ટરી વર્કરોનો ભોગ લેવાશે. પછી ઓફિસ જોબ્સનો વારો આવશે એમ મૂડીઝ માને છે.