World

ટ્રમ્પના ટેરિફે ખાના ખરાબી કરી નાખી ભાવ વધારા સામે અમેરિકનોનો આક્રોશ

By GS TEAM
30 Aug 20252 mins read
ટ્રમ્પના ટેરિફે ખાના ખરાબી કરી નાખી ભાવ વધારા સામે અમેરિકનોનો આક્રોશ

- ટ્રમ્પ ફુગાવો ડામવાના વચન સાથે ચૂંટણી જીત્યા હતા

- ટ્રમ્પના ટેરિફ અને ટેક્ષને લીધે અનાજ કરિયાણા માંસ અને ઇલેક્ટ્રિક બિલમાં સેંકડો ડોલર ખેંચાઈ જતાં મિડલ લો-મિડલ ક્લાસ ભીંસમાં

નવી દિલ્હી : ૨૦૨૪માં પ્રમુખ પદની ચૂંટણી ઝૂંબેશમાં ડૉનાલ્ડ ટ્રમ્પે ફુગાવો ડામવાનાં વચનો વારંવાર આપ્યાં હતાં અને અમેરિકામાં કુટુમ્બોને પોસાય તેટલી હદે ભાવ નીચા લાવવાનાં વચનો આપ્યાં હતાં. પરંતુ તાજેતરમાં તેમણે અપનાવેલી ટેરિફ અને ટેક્ષ નીતિએ તેથી વિપરિત અસર જ કરી છે.

તેઓએ વન બિગ બ્યુટિફૂલ નામ કાનૂન પસાર કરાવી ટેક્ષમાં ભારે મોટો વધારો કર્યો છે. જુલાઈમાં અમલી કરેલા આ કાનૂને જ ભાવ વધારો શરૂ કરી દીધો છે તેમ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.

ટ્રમ્પે જબરજસ્ત ટેરિફ લગાડયા પછી ૨૫ દેશોએ તો માલ મોકલવાનું જ બંધ કર્યું છે. તેથી ઘણી બધી ચીજોના ભાવ વધી ગયા છે.

૧૯૩૩ પછી અમેરિકનસ અત્યારે સૌથી વધુ ટેક્ષ ભરી રહ્યા છે. તેમજ સૌથી વધુ ટેરિફનો માર સહન કરે છે. દરેક ચીજોના ભાવ વધી ગયા છે. ટ્રમ્પની નીતિઓને લીધે નાગરિકો વર્ષે ૨,૪૦૦ ડોલર્સ ગુમાવે છે તેમ વૉશિંગ્ટનનાં સેનેટર પેટ્ટી મુરેએ જણાવ્યું હતું.

વિશ્લેષકો કહે છે કે અનાજ કરિયાણાના ભાવમાં આ વર્ષના અંત સુધીમાં ૩.૪ ટકાનો વધારો થશે. જે છેલ્લાં ૨૦ વર્ષની ૨.૯ ટકાની સરેરાશ કરતાં ઘણો વધુ છે તે માટે ઇંડાં, બીફ તથા અનાજ કરિયાણાનો ભાવ વધારો કારણભૂત છે.

ઓગસ્ટ મહિનામાં એસોસિએટેડ પ્રેસ અને એન.ઓ.આર.સી. સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રીસર્ચ સેન્ટરે કરેલા સર્વે પ્રમાણે ૫૩ ટકા અમેરિકન્સે કહ્યું હતું કે અનાજ-કરિયાણાનો ભાવ વધારો જ ભારે પડે છે. ૩૩ ટકા કરે છે કે તેથી થોડો ભાર વધે છે જ્યારે માત્ર ૧૪ ટકા (શ્રીમંતો) માને છે કે તેની કોઈ અસર નથી.

મુખ્ય બાબત તે છે કે વર્ષે ૩૦,૦૦૦ ડૉલર કમાનારા ઉપર તો આ ભાવ વધારો અત્યંત બોજા રૂપ બની ગયો છે. આમ કહેનારા નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમવર્ગના માણસો છે. જેઓ અમેરિકાની વસ્તીના ૬૪ ટકા જેટલા છે. જ્યારે ૩૬ ટકા જેટલા, જેમની આવક વર્ષે ૧ લાખ ડોલર (આશરે ૮૩/૮૪ લાખ રૂપિયા) જેટલી છે કે તેથી વધુ છે. તેઓને આ ભાવવધારા સામે બહુ ફરિયાદ નથી. છતાં તેટલું કબૂલે છે કે તેથી ખિસ્સા પર થોડો બોજો વધે છે. આનું કારણ કેળાં, ફ્રુટ, ઘઉં વગેરે આયાતના ભાવ ઉપર પણ પડેલો ટેરિફ બોજ છે.