બ્રિકસ શિખર પરિષદમાં ટ્રમ્પના ટેરિફની ટીકા કરાઈ : કહ્યું આથી વૈશ્વિક આર્થિક અસ્થિરતા વધશે
- બ્રાઝિલનાં રાયો-દ-જાનીરોમાં મળી રહેલી આ શિખર પરિષદમાં કહેવાયું 10 ટકાની વધારાની ટેરિફ ડયુટી આંતરરાષ્ટ્રીય નિયમોની વિરૂદ્ધ છે
રાયો દ જાનીરો : બ્રાઝિલનાં આ અતિ સુંદર પર્વતીય બારા રાયો-દ-જાનીરોમાં મળેલી બ્રિકસ દેશોની શિખર પરિષદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાની ૧૦ ટકા ટેરિફ નાખવાની કરેલી જાહેરાત ગઈકાલે ચર્ચાનો મુખ્ય વિષય બની રહી હતી. આ પરિષદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ૧૦ ટકા વધારાની ટેરિફ ડયુટી લગાડવાની જાહેરાતની ટીકા કરવામાં આવી હતી.
પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશો અમેરિકાની વિરૂદ્ધનું વલણ લેશે તેમની ઉપર ૧૦ ટકા જેટલી વધારાની ટેરીફ લાગુ પાડવામાં આવશે.
ટ્રમ્પના આ નિર્ણયનો ચાયનાએ સખત વિરોધ કર્યો હતો. જ્યારે બ્રિક્સના અન્ય દેશોએ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આથી વૈશ્વિક-આર્થિક અસ્થિરતા વધી જશે.
આ વિધાનોમાં સત્ય પણ છે કારણ કે દુનિયાભરનો ૪૦ ટકા વ્યાપાર એક માત્ર અમેરિકાના હાથમાં છે. બીજું દુનિયાના લગભગ તમામ દેશોને અમેરિકા સાથે વ્યાપારી સંબંધો છે. મૂળભૂત રીતે જ અમેરિકાએ તેના દેશમાં કરાતી આયાત ઉપર પહેલાં ૧૦ ટકા આયાત-કર લાધ્યો હતો પછી તે વધારી ૨૫ ટકા કરાયો હવે તેમાં ૧૦ ટકાની ડયુટી વધે તો અમેરિકાના વપરાશકાર સુધી તે આયાતી માલ પહોંચતાં તે માલની મૂળ કિંમત ઉપર ઘણો વધારો થાય તેથી અમેરિકાની જનતા તે સ્વીકારવા તૈયાર પણ ન થાય અથવા આયાતી માલની ખરીદી ઓછી કરી નાખે. આમ, આ ૧૦ ટકા ડયુટી વધારો દુનિયાના મોટા ભાગના દેશોને મુશ્કેલી ઉભી થતાં વિશ્વ અર્થતંત્ર પર પણ ગંભીર અસર થાય જ તે સહજ છે.