- ભૂતપૂર્વ પ્રમુખ બાઈડેનના આદેશો પર ટ્રમ્પની તલવાર ફરી
- ટ્રમ્પે પહેલા જ દિવસે પેરિસ કરાર રદ કર્યો, વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાના નીકળી જવાનો પણ નિર્ણય લીધો
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ તરીકે શપથવિધીના કલાકો પછી જ યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પે ૮૦ જેટલા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તેમના ચૂંટણી એજન્ડાનો અમલ શરૂ કરી દીધો છે. પ્રમુખ તરીકે પહેલા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરારના અમલ સહિત ભૂતપૂર્વ પ્રમુખ બાઈડેને આપેલા એક ડઝન જેટલા આદેશોને રદ કરવા સાથે કુલ ૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછી ઉદઘાટન સંબોધન કર્યું હતું અને ત્યાંથી સીધા કેપિટોલ વન એરેના પહોંચ્યા હતા. ટ્રમ્પે વોશિંગ્ટનના કેપિટોલ વન એરેના ખાતે પહેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને તમામ ફેડરલ કર્મચારીઓ માટે ઓફિસમાં ફુલ ટાઈમ હાજર રહેવાનું ફરજિયાત કર્યું હતું. ટ્રમ્પે ભૂતપૂર્વ ડેમોક્રેટિક સરકારના અનેક મહત્વપૂર્ણ હુકમોને રદ કર્યા છે. ટ્રમ્પે યુ.એસ.ને પેરિસ કરાર અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી બહાર કાઢીને નવા ફેડરલ નિયમો પર કામચલાઉ રીતે સ્થગિત કરવા સહિતના આદેશ આપ્યા છે.
ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પેરિસ સંધી રદ કરી દીધી હતી, પરંતુ જો બાઈડેને પ્રમુખ બન્યા પછી ટ્રમ્પનો આદેશ રદ કરી ક્લાઈમેટ ચેન્જ માટેની પેરિસ સંધીનો અમલ શરૂ કર્યો હતો. હવે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપીને ફરીથી પેરિસ કરાર રદ કરી દીધો છે.
અલાસ્કામાં ઓઈલ-ગેસના એક્સપ્લોરેશનને પ્રોત્સાહન
ટ્રમ્પે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરીને ૨૦૧૫ના પેરિસ કરારમાંથી ખસી જવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી પણ બહાર નિકળી જવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે અલાસ્કામાં ઓઈલ-ગેસના વિકાસને પ્રોત્સાહન આપવાના ઓર્ડર પર સહી કરી. આર્કિટક જમીનો અને યુ.એસ.ના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રિલિંગ પર પ્રતિબંધના બિડેનના આદેશને રદ કર્યો.
કારણ : ટ્રમ્પ અમેરિકામાં બિઝનેસને પ્રોત્સાહન આપવા માગે છે. ડબલ્યુએચઓ અમેરિકાનાં નાણાંથી જ ચાલે છે તેથી નાણાં બચાવવા અમેરિકા બહાર નિકળી ગયું.
ટિક-ટોક પરનો પ્રતિબંધ મોકૂફ, 75 દિવસનું જીવતદાન
ટ્રમ્પે શોર્ટ-વિડિયો એપ્લિકેશન ટિકટોક પરના પ્રતિબંધનો અમલ ૭૫ દિવસ માટે લંબાવ્યો છે. આ પ્રતિબંધ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લાગુ થવાનો હતો. ટ્રમ્પ સરકાર ટિકટોકમાં ૫૦ ટકા હિસ્સેદારી અમેરિકાની રહે એ પ્રકારની ફોર્મ્યુલા તૈયાર કરશે એવું મનાય છે.
કારણ : અમેરિકાના યુવાનોમાં ટિકટોક બેહદ લોકપ્રિય છે. ટ્રમ્પ યુવાનોને નારાજ કરવા નથી માગતા તેથી ટિકટોકને ટકાવવા પ્રયત્નશીલ છે.
ફેડરલ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પર પ્રતિબંધ
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલો એક્ઝીક્યુટિવ ઓર્ડર તમામ ફેડરલ એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને તાત્કાલિક અસરથી ઓફિસમાં નોકરી પર ચડવાનો આદેશ આપતો કર્યો હતો. ટ્રમ્પે તમામ સરકારી એજન્સીઓમાં ભરતી પણ સ્થગિત કરી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, અમે ફક્ત સક્ષમ અને અમેરિકન પ્રત્યે વફાદાર લોકોને જ નોકરીઓ આપીશું.
કારણ : ટ્રમ્પ સરકારી ખર્ચ ઘટાડવા માગે છે અને વહીવટીતંત્રમાં ઘૂસેલા બાઈડેનના વફાદારોને પણ દૂર કરવા માગે છે.
સરકારી દસ્તાવેજોમાં ટ્રાન્સજેન્ડરની બાદબાકી કરાઈ
ટ્રમ્પે અમેરિકન સરકારના દસ્તાવેજોમાં પુરુષ અને સ્ત્રી એમ ફક્ત બે જ લિંગ હોય તેવો આદેશ આપ્યો છે. આ આદેશ પ્રમાણે અમેરિકાના સરકારી દસ્તાવેજોમાં જેન્ડરના સ્થાને સેક્સ લખાશે. ટ્રમ્પે અમેરિકામાં તમામ સરકારી સેન્સરશિપ તાત્કાલિક બંધ કરવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પુન:સ્થાપિત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ સહી કરી છે.
કારણ : ટ્રાન્સજેન્ડર વિરોધી વલણ ટ્રમ્પની નીતિનો ભાગ છે. ટ્રમ્પ અમેરિકામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખતરામાં નથી એવો મેસેજ પણ આપવા માગે છે.
સરકારી ખર્ચ ઘટાડવા-કાર્યક્ષમતા વધારવા ડોજની રચના
ડોનાલ્ડ ટ્રમ્પે સરકારની કાર્યક્ષમતા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ)ની રચના માટે ઓર્ડર બહાર પાડયો છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક 'ડોજ'ના ચેરમેન હશે. 'ડોજ'ના કાર્યક્ષેત્ર હેઠળ તમામ ફેડરલ સરકારી વિભાગો આવી જશે.
કારણ : ટ્રમ્પ અમેરિકાના સરકારી ખર્ચમાં કાપ મૂકીને તેને વધારે કાર્યક્ષમ બનાવવા માગે છે. 'ડોજ' સંખ્યાબંધ ફેડરલ એજન્સીઓને બંધ કરીને ત્રણ ચતુર્થાંશ ફેડરલ સરકારી નોકરીઓ ઘટાડશે.
મેક્સિકોના અખાત, માઉન્ટ ડેનલીનાં નામ બદલ્યાં
ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અલાસ્કાના માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકકિનલી કર્યું છે. બરાક ઓબામાએ ૨૦૧૫માં આ રીતે નામ બદલવાની શરૂઆત કરી હતી ક જેતી સ્થાનિક લોકોની લાગણીઓને માન આપી શકાય.
કારણ : મેક્સિકોના અખાતની માલિકી અમેરિકાની છે એ દર્શાવવા આ ફેરફાર કરાયો છે. આ વિસ્તારમાં અમેરિકા સૌથી વધુ પ્રવૃત્તિ કરે છે તેથી આ અખાત અમેરિકાની છે.
યુએસ-મેક્સિકો સરહદે ઈમર્જન્સી જાહેર કરાઈ
ટ્રમ્પે યુએસ-મેક્સિકો સરહદ (દક્ષિણ સરહદ) પર ઈમર્જન્સી જાહેર કરી છે. મેક્સિકો સરહદેથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી સામે પ્રતિબંધ મૂકી દીધો છે. તમામ ગેરકાયદેસર રીતે ઘૂસનારાં સામે આકરી કાર્યવાહી કરાશે અને ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકન લશ્કરના સૈનિકોને તૈનાત કરાશે.
કારણ : મેક્સિકો સરહદેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને લોકોને ઘૂસાડાય છે તેથી તેમને રોકવા માટે આ પગલું લેવાયું છે.
ફરજિયાત ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાં નહીં પડે
ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન ન્યૂ ડીલ નીતિનો અંત લાવતા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે બિડેન સરકારે ૨૦૩૦ સુધીમાં અમેરિકામાં ૫૦ ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો તેથી લોકોને ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત ખરીદવાં પડતાં હતાં. ટ્રમ્પે નવા ઓર્ડરથી લોકોને પોતાની પસંદગીની કાર ખરીદવાની છૂટ આપી છે.
કારણ : ફરજિયાત ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની નીતિથી અમેરિકાના કાર તથા વ્હીકલ ઉદ્યોગને પડનારો ફટકો નિવારવા આદેશ અપાયો છે.


