ટ્રમ્પનો બળાપોઃ ટેરિફ નાખ્યો ન હોત તો ભારતે અમેરિકાને ખતમ કરી નાખ્યું હોત
- ભારત સાથેનો આર્થિક સંબંધ એકતરફીઃ ટ્રમ્પ
- ટ્રમ્પનો દાવોઃ આ ટેરિફ વોર નથી, પણ અમેરિકાને આર્થિક રીતે બચાવવા માટે મેં રચેલી ટેરિફ વોલ છે
- અમેરિકાને આર્થિક રીતે પાયમાલ કરવાના ભારત, બ્રાઝિલ અને ચીનના પ્રયત્નોને મેં અવળા પાડયાઃ ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રીતસરની ભારત સામે બળાપો વ્યક્ત જણાવ્યું હતું કે જો મેં ટેરિફ નાખ્યો ન હોત તો ભારતે આપણને આર્થિક રીતે બરબાદ કરી નાખ્યા હોત. આજે અમેરિકન પ્રોડક્ટ પર ૧૦૦ ટકાથી ૨૦૦ ટકા ટેરિફ વસૂલતું ભારત મેં નાખેલા ટેરિફના કારણે ઝીરો ટેરિફ સુધી આવી ગયું હતું. આ બતાવે છે કે બંને દેશ વચ્ચેનો સંબંધ કેટલી હદ સુધી એક તરફી હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ૧૦૦થી ૨૦૦ ટકા સુધી ટેરિફ લગાવે, જેના કારણે આપણી કંપનીઓ ભારતના બજારમાં પ્રવેશી શકતી જ ન હતી. તેથી તેણે જો ભારતીય બજારમાં પ્રવેશવું હોય તો ત્યાં પ્લાન્ટ નાખવો પડતો હતો. હાર્લે ડેવિડસનનું જ ઉદાહરણ લો, તેણે અહીંથી ત્યાં તેની મોટરસાઇકલ મોકલવી હોય તો ૨૦૦ ટકા ટેરિફનો સામનો કરવો પડતો હતો, જેથી તે ત્યાં તેની મોટરસાઇકલ મોકલી જ ન શકે. તેના કારણે તેણે ભારતમાં પ્લાન્ટ નાખવો પડયો. આ બતાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો કેટલી હદ સુધી એકતરફી હતા.
આવું જ બ્રાઝિલ અને ચીન પણ કરે છે. તેઓ અમેરિકાની પ્રોડક્ટ્સ પર એટલો વેરો નાખે છે જેના કારણે અમેરિકન કંપનીઓએ ત્યાં પ્લાન્ટ નાખવા પડે છે અને અમેરિકામાં પ્લાન્ટ બંધ કરવા પડે છે. આના કારણે અમેરિકામાં બેરોજગારી સર્જાય છે અને તેમને ત્યાં રોજગારી સર્જાય છે. તેથી જ મેં બ્રાઝિલ અને ભારત પર ૫૦ ટકા વેરો નાખ્યો છે.
ટ્રમ્પનો દાવો હતો કે ટેરિફ દ્વારા અમેરિકાને આર્થિક રીતે પાંગળુ કરીને પોતે સમૃદ્ધ થવાના ચીન, ભારત અને બ્રાઝિલના પ્રયત્નોને મેં ઊંધા વાળી દીધા છે. તેમની ટેરિફ વોલ સામે મેં મારી ટેરિફ વોલ ઊભી કરી છે. આમ આ ટેરિફ વોર નથી, પણ અમેરિકાને આર્થિક રીતે બચાવવા માટે મેં રચેલી ટેરિફ વોલ છે.
તેથી હવે જો તેઓએ તેમની પ્રોડક્ટ્સ અમેરિકામાં વેચવી હશે તો આ ટેરિફ વોલ પાર કરવી પડશે. જો તેઓએ આ ટેરિફ વોલ દૂર કરવી હોય તો અમારી શરતો માનવી પડશે. તેમા ભારત અને ચીન દ્વારા તેમના બજારો અને ખાસ કરીને કૃષિ બજારો અમેરિકન બજારો માટે ખુલ્લા મૂકવાનો સમાવેશ થાય છે.
ફેડરલ કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવી તેની સામે ટ્રમ્પે જણાવ્યું હતું ટેરિફ હજી પણ ચાલુ છે અને ટેરિફનો ભોગ બનેલા દેશો ફેડરલ કોર્ટમાં ટેરિફના કેસના પક્ષકારોને ફંડિંગ કરી રહ્યા છે, પરંતુ તેમની કારી ફાવવાની નથી. હું હવે આ દેશોને અમેરિકન સિસ્ટમનો ગેરફાયદો ઉઠાવવા નહીં દઉં.