Get The App

હોર્મુઝમાં જહાજો પર ટ્રમ્પનો એટેક : ત્રણ ભારતીયનાં મોત

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝમાં જહાજો પર ટ્રમ્પનો એટેક : ત્રણ ભારતીયનાં મોત 1 - image

- ભારતે અમેરિકન હુમલાનો મુદ્દો યુએનમાં ઉઠાવ્યો

- ઇરાન પર સૌથી મોટો હુમલો કરવાની અને ખાર્ગ ટાપુ પર અંકુશ મેળવી ઓઇલ ઉદ્યોગ કબજે કરવાની ટ્રમ્પની ધમકી

- અમેરિકા ઇરાનના એકબીજાના એરબેઝ નૌકામથકો, રડાર અને મિલિટરી સાઈટ્સ પર હુમલા

નવી દિલ્હી : હોર્મુઝની ખાડીમાં ઇરાન પછી અમેરિકાની દાદાગીરી હદ વટાવી રહી છે. ભારતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ  જહાજ પર અમેરિકન નૌકાદળે હુમલો કર્યો હતો. તેમા એક હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. આ ત્રણેય જહાજ વિદેશી જહાજ હતા. ભારતે આ ઘટનાનો આકરો વિરોધ કર્યો છે અને આ મુદ્દો છેક યુએનમાં ઉઠાવ્યો છે અમેરિકા પાસે પણ આ અંગે જવાબ માંગ્યો છે. 

તેની સાથે ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ હુમલા અટકવા જોઈએ. અમેરિકાએ ૧૦ જૂનના રોજ સેટેબિલો જહાજ પર કરેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે. પહેલો હુમલો ૮મી જૂનના રોજ ઓમાનના પૂર્વી કિનારે થયો હતો. અહીં અમેરિકન નૌકાદળે પ્રતિબંધિત ટેન્કર મેરીવેક્સ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ જહાજ પર ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે તેમા કોઈના જીવ ગયા ન હતા. અમેરિકાએ જહાજ પરના હુમલામાં બે હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાત કબૂલી હતી. તેના પગલે પણ સનસનાટી મચી ગઈ છે. અમેરિકા પાસે આ યુદ્ધજહાજને અટકાવવાનો અને કબ્જે લેવાનો વિકલ્પ હતો, પરંતુ અમેરિકાએ તેના બદલે જહાજને ઉડાવી દેવાનું મુનાસિબ માન્યું. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે  ધમકી આપી હતી કે તેઓ ગુરુવારે ઇરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે અને  જબરદસ્ત પ્રહાર કરશે. તેની સાથે ઇરાનના ઓઇલ ઉદ્યોગ પર અંકુશ મેળવી લેશે. તેમા પણ ઇરાનના અત્યંત મહત્ત્વના ખાર્ગ ટાપુ પર અંકુશ મેળવી લેશે તે દિવસો દૂર નથી એમ તેણે જણાવ્યું હતું. 

યુએસ સેન્ટકોમના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા પ્રતિબંધિત ટેન્કર મેરીવેક્સ પર મિસાઇલથી હુમલો કર્યો. આ જહાજના ક્રૂ મેમ્બરમાં ૨૪ ભારતીય સવાર હતા. આ જહાજ ઇરાનના બંદર તરફથ જઈ રહ્યુ હતુ. ચેતવણી છતાં પણ તેણે રોકાવવાનો ઇન્કાર કર્યો. આ હુમલામાં જહાજના એન્જિનિયરિંગ અને સ્ટીયરિંગ સિસ્ટમને નુકસાન પહોંચ્યું હતું તથા આગ લાગી હતી.

અમેરિકન નૌકાદળે નવ અને દસમી જૂનના રોજ આ જ બનાવનું પુનરાવર્તન કર્યુ હતુ. અમેરિકાએ ઓમાનના બંદરની જોડે સેટેબિલો નામના જહાજ પર મિસાઇલ હુમલો કર્યો. તેમા ૨૪ ભારતીય ક્રૂ હતા. તેમા ૨૧ને બચાવી લેવાયા, પરંતુ ત્રણ ભારતીય ખલાસીના મોત થયા હતા. તેના પછી ૧૧ જૂનના રોજ એમટી જલવીર નામના ભારતીય ખલાસીઓવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ૨૧ ભારતીય ખલાસીઓ હતા અને બધાને બચાવી લેવાયા હતા. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ ત્રણેય જહાજ વિદેશી છે. તે ભારતીય માલિકીના જહાજ નથી. આ બધા વિદેશી ઝંડાવાળા જહાજ છે. તેમણે સ્પષ્ટ જણવ્યું હતું કે આ હુમલો અમેરિકન નૌકાદળે કર્યો હતો.

શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલે જણાવ્યું હતું કે હોર્મુઝમાં ફસાયેલા ૧૩ જહાજ પર હજી પણ ભારતના ૫૬૨ ખલાસી છે. તેમા ૩૨૯ હોર્મુઝ પશ્ચિમમાં અને બાકીના પૂર્વમાં છે. આ સિવાય આ વિસ્તારમાં વિદેશી ઝંડાવાળા જહાજો પર કુલ ૧૮,૦૦૦ ભારતીય ખલાસીઓ છે. 

અમેરિકા અને ઇરાને એકબીજા પર હુમલાઓ કર્યા હતા. બંનેએ એકબીજાના નૌકામથક, એરબેઝ અને રાડાર સાઇટ્સ પર હુમલા કર્યા હતા. ઇરાને દાવો કર્યો હતો કે કુવૈતમાં અહમદ અલ જબેર અને અલી-અલ-ઇસ્લામ ખાતે અમેરિકાના બે એરબેઝને અમે સંપૂર્ણપણે ખતમ કરી નાખ્યા છે. જ્યારે બહેરીનમાં શેખ ઇસા એરબેઝ ખતમ કરી દીધું છે. જ્યારે અમેરિકાએ દક્ષિણ ઇરાનમાં સિરિક, કારગન, બંદર અબ્બાસ અને મિનાબ તથા તેહરાનની નજીક આવેલા વારામિન અને કારજ પર હુમલા કર્યા હતા. જો કે કેટલું નુકસાન થયું તેના અંગે ઇરાને કશું જણાવ્યું નથી. 

અમેરિકાના હુમલાના પગલે ઇરાને ફરીથી હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે. તેના કારણે ભારતમાં ફરીથી ઓઇલ સંકટની સંભાવના વધી ગઈ છે. હજી પણ ભારતના ૧૩ જહાજ હોર્મુઝમાં ફસાયેલા છે. હાલમાં આ જહાજ નીકળે શકે તેવી કોઈ સંભાવના નથી.

પેન્ટોગાનનો ચોથો અને પાંચમો ફ્લોર બંધ કરી દેવાયા

પેન્ટાગોન પર કેમિકલ એટેક કરવામાં આવ્યાની અટકળો

- કેમિકલ એટેકથી બચવા માટેના માસ્ક અને સુરક્ષા ઉપકરણો પહેરેલી રિસ્પોન્સ ટીમ જોવાઈ 

વોશિંગ્ટન : અમેરિકાના સંરક્ષણ વિભાગની ઓફિસ પેન્ટાગોન પર કેમિકલ એટેકની અટકળો સેવવામાં આવી રહી છે. પોલીસ કર્મી અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ કેમિકલ હુમલાથી બચવા માટેના ગેસમાસ્ક અને અન્ય સુરક્ષા ઉપકરણો સાથે જોવા મળી છે.  તેના લીધે પેન્ટાગોનના કેટલાક હિસ્સાને બંધ કરી દેવાયો છે. અહેવાલ મુજબ કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાંથી મળી આવી છે. 

પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇમારતની સિક્યોરિટી સિસ્ટમને એર ક્વોલિટી સાથે જોડાયેલી સમસ્યાની ખબર પડી છે. તેના પછી ત્યાં લોકડાઉન લગાવી દેવાયું છે. 

તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાના માપદંડ લાગુ કરી દેવાયા છે. તેમા અસરગ્રસ્ત ક્ષેત્રના લોકોને ત્યાં જ સુરક્ષિત રહેવા કહેવાયું છે. પાર્નેલે જણાવ્યું હતું કે પેન્ટાગોનની પાસે ઇમારત અને તેમા હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની એડવાન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમે હવાની ગુણવત્તા સાથે જોડાયેલી સમસ્યાને શોધી છે. તેના પગલે સાવધાની દાખવતું પગલું ઉઠાવવામાં આવ્યું છે. 

તેમણે ઉમેર્યુ હતું કે ડિપાર્ટમેન્ટ સુરક્ષા પ્રોટોકોલ લાગી કરી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તાર માટે શેલ્ટર ઇન પ્લેસનો આદેશ પણ સામેલ છે. રિસ્પોન્સ ટીમ ગોઠવવામાં આવી છે અને ઇમારતમાં હાજર લોકોની મદદ માટે તૈયાર છે. સીએનએન મુજબ પેન્ટાગોનના ઘણા ફ્લોર અને કોરિડોરને લોકડાઉન કરી દેવાયા છે અને બાકી જગ્યાઓને ખાલી કરાવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ આ ઘટના ખતરનાક પદાર્થો સાથે જોડાયેલી છે. તેનો સામનો કરનારી ટીમે ત્યાં પહોંચી ગઈ છે અને તેણે તપાસ શરૂ કરી દીધી છે.પેન્ટાગોન તરફથી નિવેદનમાં જણાવાયું છે કે તપાસમાં એક કે બે કલાક લાગી શકે છે. 

ભારતીય નેવીએ ટેન્કરમાં ફસાયેલો મિસાઇલનો ન ફાટેલો ટુકડો બહાર કાઢ્યો

નવી દિલ્હી : ભારતીય નૌકાદળે એક મોટું જોખમ ટાળી દીધું છે. ઓઇલ ટેન્કર જહાજમાં મિસાઇલનો તે હિસ્સો મળ્યો જે ફાટયો ન હતો. આ હિસ્સો ફાટયો હોત તો તેમા સવાર લોકો, બંદર અને બધુ ખતમ થઈ શકતું હતું. ભારતીય નૌકાદળે તેને અત્યંત સાવધાનીથી કાઢ્યો અને સલામત સ્થળે પહોંચાડયો. ૨૬મેની વાત છે. એમટી ઓલિમ્પિક લાઇફ નામનું જહાજ ક્રૂડ ઓઇલ લઈ જઈ રહ્યું હતું. આ જહાજ યુએઈના બંદરેથી નીકળ્યું હતું અને કેરલમમાં કોચીના બંદરે જઈ રહ્યું હતું. આ જહાજ માર્શલ આઇલેન્ડ્સ દેશમાં રજિસ્ટર હતુ, આ જાણકારી આઇએફસી-આઇઓઆરને મળી. આ એક એવું કેન્દ્ર છે જે હિંદ મહાસાગરના સમુદ્રી ભય પર નજર રાખે છે. તેણે તરત જ ભારતીય નૌકાદળને વાત કરી. નૌકાદળે તરત જ કોચીમાં નૌકાદળની ખાસ ટીમ મોકલી. આ ટીમને ઇઓડી ટીમ કહેવાય છે. આ એ લોકો હોય છે જે બોમ્બ અને મિસાઇલ જેવી ચીજો સલામત રીતે હટાવે છે. તપાસ દરમિયાન ખબર પડી કે મિસાઇલનો એક કટકો જહાજની બહારની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયો હતો. આ ટુકડો કેટલીય દીવાલ તોડીન અને રૂમોને પાર કરતાં તેલના ટેન્કરની અંદર જઈ ફસાઈ ગયો હતો. આમ એક બાજુ ન ફાટેલા મિસાઇલનો ટુકડો હતો અને બીજી બાજુ ક્રૂડ ઓઇલ હતુ. ભારતીય નૌકાદળે અત્યંત ધીરજપૂર્વક કામ પાર પાડી આ ઓપરેશન પાર પાડયું હતું.