ટ્રમ્પના નવા નિયમોના કારણે ભારતીયોને ઝટકો, વિઝા માટે જોવી પડશે રાહ
US New Immigration Rules : અમેરિકા જવા ઇચ્છતા ભારતીયોના સપનાને બ્રેક વાગે એવા સમાચાર આવ્યા છે. સોમવાર, 14 એપ્રિલ 2025ના રોજ ‘યુએસ વિઝા બુલેટિન’ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, EB-5 અનરિઝર્વ્ડ વિઝા શ્રેણીમાં ‘Visa Retrogression’ (વિઝા રેટ્રોગ્રેશન - અંતિમ કાર્યવાહી તારીખો) પાછળ ધકેલી દેવામાં આવી છે. આમ કરવા પાછળનું કારણ ચીની અને ભારતીય પ્રજા દ્વારા અમેરિકાના વિઝાની વધતી માંગ હોવાનું કહેવાય છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જો વિઝાની માંગમાં સતત વધારો થતો રહેશે, તો બાકીના વિશ્વના દેશો માટે પણ અંતિમ કાર્યવાહીની તારીખ નક્કી કરવી જરૂરી બની શકે છે.
આ સમાચાર ભારતીય ગ્રીન કાર્ડ અરજદારો માટે આઘાતજનક છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ગ્રીન કાર્ડ અરજદારો માટે EB-5 વિઝા શ્રેણી બે વર્ષથી વધુ સમય માટે પાછળ રાખવામાં આવી છે.
બુલેટિન દર્શાવે છે કે ઇમિગ્રન્ટ વિઝા અરજદારોએ ક્યારે નેશનલ વિઝા સેન્ટર ખાતે ભેગા થવું જોઈએ અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરવા જોઈએ. એપ્રિલ 2025 માટે EB-5 અનરિઝર્વ્ડ વિઝા કેટેગરી માટેની અંતિમ કાર્યવાહી તારીખો ચીન માટે 22 જાન્યુઆરી, 2014 અને ભારત માટે 01 નવેમ્બર, 2019 કરવામાં આવી છે.
વિઝા રેટ્રોગ્રેશન ક્યારે થાય છે?
જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ વિઝા બુલેટિનમાં પ્રાધાન્યતા તારીખોને પાછળ ખસેડે છે ત્યારે વિઝા રેટ્રોગ્રેશન થાય છે, જેના કારણે ગ્રીન કાર્ડ અરજદારો માટે વિલંબ થાય છે. આની અસર સામાન્ય રીતે રોજગાર-આધારિત અથવા કુટુંબ-પ્રાયોજિત ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરતા લોકોને થાય છે.
વિઝા રેટ્રોગ્રેશન શા માટે થાય છે?
અમેરિકા દર વર્ષે મર્યાદિત સંખ્યામાં ઇમિગ્રન્ટ વિઝા (ગ્રીન કાર્ડ) જારી કરે છે, જે વિઝા શ્રેણીઓ અનુસાર વિભાજિત થાય છે. જ્યારે કોઈ દેશમાંથી આવેલી અરજીઓની સંખ્યા વિઝા મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે યુએસ સરકાર પ્રાધાન્યતા તારીખો પાછળ ઠેલતી હોય છે. આનો અર્થ એ થયો કે જે અરજદારો અગાઉ આગળ વધવા માટે લાયક હતા તેમણે પણ વધુ રાહ જોવી પડશે.
પ્રાધાન્યતા તારીખ શું છે?
પ્રાધાન્યતા તારીખ એ તારીખ છે જ્યારે યુ.એસ. સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) યોગ્ય રીતે ફાઈલ કરેલી ઇમિગ્રન્ટ અરજી (જેમ કે, પરિવાર-આધારિત વિઝા માટે ફોર્મ I-130 અથવા રોજગાર-આધારિત વિઝા માટે ફોર્મ I-140) મેળવે છે. વિઝા બુલેટિન દર મહિને કટઑફ તારીખોની યાદી આપે છે. જો અરજદારની પ્રાધાન્યતા તારીખ સૂચિબદ્ધ તારીખ પહેલાંની હોય, તો તેઓ તેમની ગ્રીન કાર્ડ અરજી સાથે આગળ વધી શકે છે. જ્યારે રેટ્રોગ્રેશન થાય છે, ત્યારે સૂચિબદ્ધ કટઑફ તારીખો પાછી ખસેડવામાં આવે છે, જેના કારણે ઘણા અરજદારો માટે પ્રક્રિયા અટકી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, EB-5 શ્રેણી લાયક ઇમિગ્રન્ટ રોકાણકારો માટે રચાયેલ છે અને તેમાં ગ્રામીણ, ઉચ્ચ-બેરોજગારીવાળા વિસ્તારો અથવા માળખાગત પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારાઓ માટે અનામત સ્લોટનો સમાવેશ થાય છે.
કયા વિઝાની મર્યાદા કેટલી?
વિઝા બુલેટિનમાં દર્શાવાયું છે કે નાણાકીય વર્ષ 2025 માટે કુટુંબ-પ્રાયોજિત પસંદગી ઇમિગ્રેશન મર્યાદા 226,000 છે. રોજગાર-આધારિત મર્યાદા ઓછામાં ઓછી 140,000 છે. દરેક દેશને બંને શ્રેણીઓના કુલ વિઝાના સાત ટકા સુધી જ વિઝા મળી શકે છે. એટલે કે દરેક રાષ્ટ્રને વાર્ષિક 25,620 વિઝા મળી શકે છે, જેમાં આશ્રિતોને બે ટકા અથવા 7,320 વિઝાથી વધુ મંજૂરી નથી.
અન્ય શ્રેણીઓમાં કેવો બદલાવ થયો છે?
- અન્ય રોજગાર-આધારિત શ્રેણીઓમાં ભારતીયો માટે બહુ ઓછા ફેરબદલ થયા છે, જે નીચે મુજબ છે.
- રોજગાર-આધારિત ત્રીજી પસંદગી (EB-3) શ્રેણીમાં ભારતની કટઑફ તારીખ બે અઠવાડિયા આગળ વધીને 15 એપ્રિલ, 2013 થઈ ગઈ છે.
- ભારત માટે EB-1 શ્રેણી 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સ્થિર રહી છે.
- EB-2 શ્રેણીમાં તેની 1 જાન્યુઆરી, 2013ની કટઑફ તારીખથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.