Explainer: શું ટ્રમ્પ ઈરાન સામે ‘મેડમેન થિયરી’નો ઉપયોગ કરી રહ્યા છે? જાણો ખુલ્લી ધમકીઓ પાછળની રાજકીય યુક્તિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran Conflict : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોમાં વારંવાર સામસામા છેડાના વલણો જોવા મળ્યા છે. હાલમાં પણ તેમણે એક જ રાતમાં ઈરાનની સંસ્કૃતિનો ધરમૂળથી સફાયો કરી દેવાની ધમકી આપી, એ માટે સમયમર્યાદા પણ આપી અને પછી અચાનક જ યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. ટ્રમ્પના આવા સતત બદલાતા વલણે એક નવી ચર્ચા શરૂ કરી છે. રાજકીય વિશ્લેષકોને એવો સવાલ થઈ રહ્યો છે કે, ટ્રમ્પ ઈરાન સામે મેડમેન થિયરી (Madman Theory)નો ઉપયોગ કરી રહ્યા છે કે પછી આ તેમનો મૂળ સ્વભાવ જ છે?
ચાલો, જાણીએ આ થિયરી શું છે અને ટ્રમ્પને તે લાગુ પડે છે કે નહીં.
‘મેડમેન થિયરી’ શું છે?
મેડમેન થિયરી એક ખતરનાક રાજદ્વારી યુક્તિ છે. તેનો મૂળ સિદ્ધાંત છે: ‘દુશ્મનને ડરાવવા માટે તમારી જાતને થોડા પાગલ સાબિત કરો.’ આ વિચાર અમેરિકાના પૂર્વ પ્રમુખ રિચર્ડ નિક્સનના સમયનો છે. ‘વિયેટનામ યુદ્ધ’ વખતે નિક્સન માનતા કે જો વિયેતનામના લડવૈયાઓને લાગશે કે અમેરિકન પ્રમુખ પાગલની જેમ ગુસ્સે ભરાયો છે અને ગમે ત્યારે વિયેતનામ પર પરમાણુ બોમ્બ ઝીંકશે, તો તેઓ ડરના માર્યા વાટાઘાટો કરવા તૈયાર થઈ જશે. એટલે કે અમેરિકાના પ્રમુખ પાગલ હોવાનો ઢોંગ કરીને અમેરિકાને જીત અપાવી શકે છે, એવી નિક્સનની ગણતરી હતી.
ટ્રમ્પે ઈરાન સામે શું કર્યું?
હાલમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ટ્રમ્પે આ જ ‘મેડમેન થિયરી’નો ઉપયોગ કર્યો હોય તેવા સંકેતો મળે છે. ટ્રમ્પે ઈરાનને આડેધડ ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘આખી ઈરાની સભ્યતાનો નાશ કરી દેવામાં આવશે’ અને ‘પાવર પ્લાન્ટ અને બ્રિજ ઉડાવી દેવાશે.’. આ દરમિયાન ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સમયમર્યાદા પણ નક્કી કરી હતી.
છેલ્લી ઘડીએ યુદ્ધવિરામ કેમ?
આ દરમિયાન સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સમયમર્યાદા પૂરી થવાના થોડા કલાકો પહેલા ટ્રમ્પે અચાનક 2 સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે ‘પાકિસ્તાનની વિનંતીથી અમે હુમલા રોકી રહ્યા છીએ.’ આ જાહેરાતે સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું. ટીકાકારો આને ‘TACO’ એટલે કે ‘Trump Always Chickens Out’ (ટ્રમ્પ હંમેશાં બહાર નીકળી જાય છે) કહેવા લાગ્યા, એટલે કે ટ્રમ્પ મોટી ધમકી આપીને પાછા હટી જાય છે. રાજનીતિના નિષ્ણાતોનો એક વર્ગ આને ટ્રમ્પ દ્વારા જાણીજોઈને અપનાવેલી મેડમેન થિયરી જણાવે છે.
શું ખરેખર આ ‘યુક્તિ’ સફળ થઈ?
નિષ્ણાતોના મતે, મેડમેન થિયરી વિશે કંઈ કહેવું અઘરું છે. કેટલાક નિષ્ણાતોને એવું પણ લાગે છે કે, ટ્રમ્પ હકીકતમાં ગુસ્સાવાળા સ્વભાવના, કોઈ પણ બાબતમાં અવિચારી પગલું ભરે તેવા, તરંગી અને અસંવેદનશીલ માણસ છે. ટ્રમ્પની કામગીરીના ઈતિહાસ અને તેમના નિવેદનો પર નજર કરતા આ વાતમાં તથ્ય પણ લાગે છે.
- ટ્રમ્પના સમર્થકો અને કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે, ટ્રમ્પની અણધારી વર્તણૂક એક સમજી-વિચારીને તૈયાર કરેલો 'અનપ્રેડિક્ટેબલ ડોક્ટ્રિન' (Unpredictable Doctrine) છે, જેનો ઉપયોગ તેઓ દુશ્મનોને ડરાવવા કરે છે. તેમની અણધારી વર્તણૂકને કારણે જ ઈરાન ગભરાઈને યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયું, એટલે ‘મેડમેન થિયરી’ની ટ્રમ્પની યુક્તિ સફળ નીવડી કહેવાય.
- બીજી તરફ ટ્રમ્પના ટીકાકારો અને કેટલાક મનોવૈજ્ઞાનિક વિશ્લેષકો માને છે કે, ટ્રમ્પ કોઈ થિયરી મુજબ નથી ચાલતા, પણ તેમનો મૂળ સ્વભાવ જ આવેગી (Impulsive) અને તરંગી છે. ટ્રમ્પ વ્યૂહાત્મક રીતે નથી વિચારતા. ગમે ત્યારે ગમે તેમ બોલી દેવું, ગમે તેવા નિર્ણય લઈ લેવા એ તેમની વિચારીને તૈયાર કરેલી નીતિ નહીં, સ્વભાવ છે.
શું ટ્રમ્પ ખરેખર ઈરાનનો સફાયો કરી દેવાના હતા?
નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રમ્પ વારંવાર અતિશયોક્તિપૂર્ણ ધમકીઓમાં આપીને ફસાઈ જાય છે. તેઓ કોઈપણ રીતે ઈરાની સભ્યતાનો નાશ કરી શક્યા ન હોત કારણ કે, કોઈ દેશની સમગ્ર સંસ્કૃતિનો નાશ કરી દેવો એ કોઈ પણ દેશના વડા માટે શક્ય નથી. એના માટે સેંકડો અણુબોમ્બના હુમલા કરવા પડે અને એ શક્ય જ નથી કે ટ્રમ્પ આવું કરે અને દુનિયા આખી ચૂપચાપ જોતી રહે.
આ પણ વાંચો : ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ
નિક્સન ‘સમજદાર’ હતા, ટ્રમ્પ એવા નથી
નિષ્ણાતોનો એક વર્ગ કહે છે કે નિક્સન અને ટ્રમ્પ વચ્ચે મોટો તફાવત છે. નિક્સન સમજદાર હતા, જે ‘પાગલ’ હોવાનો ઢોંગ કરતા હતા. એટલે કે તેઓ ખરેખર ‘મેડમેન થિયરી’નો સારી રીતે અમલ કરતા. પરંતુ ટ્રમ્પના કિસ્સામાં આ સાચું નથી. ટ્રમ્પનું વર્તન તેમના સ્વભાવનો જ ભાગ છે. તેઓ ‘પાગલ’ હોવાનો ઢોંગ નથી કરી રહ્યા, તેમના મૂળ સ્વભાવમાં જ પાગલપણું છે. ટ્રમ્પની આવી વર્તણૂક દાયકાઓથી તેમના વ્યક્તિત્વનો ભાગ રહી છે, અને એનો પડઘો તેમના સતત બદલાતા નિર્ણયો અને વિરોધાભાસી નિવેદનોમાં પડ્યા કરે છે. વળી ટ્રમ્પ ખુદ પોતે ‘અણધાર્યા’ હોવાનો ગર્વ લે છે. હાલમાં જ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, હું કોઈ 'મેડમેન થિયરી' નથી વાપરી રહ્યો. હું તો માત્ર સૈન્યની તાકાત પર વિશ્વાસ રાખું છું.
શું ‘મેડમેન થિયરી’ હંમેશાં કામ કરે છે?
ક્યારેક રાજકારણમાં બહુ મહત્ત્વની ગણાયેલી ‘મેડમેન થિયરી’ની ‘સરપ્રાઈઝ વેલ્યુ’ (આશ્ચર્યચકિત કરવાની તાકાત) હવે ઘટતી જાય છે. નિષ્ણાતો કહે છે, ‘જો તમે હંમેશાં અણધાર્યું વર્તન જ કરતા હો તો પછી તે અપેક્ષિત બની જાય છે. એક વખત તે અપેક્ષિત બની જાય, પછી તેની અસર ઓછી થઈ જાય છે.’ જો ટ્રમ્પ એવું કરતા હોય, તો એમના કિસ્સામાં આ જ થઈ રહ્યું છે.
ટ્રમ્પ ફક્ત દુશ્મનો માટે જ જોખમી નથી
ટ્રમ્પના અણધાર્યા વલણે માત્ર ઈરાનને જ નહીં, પરંતુ અમેરિકાના સાથી દેશોને પણ ચિંતામાં મૂકી દીધા છે. ફાઉન્ડેશન ફોર ધ ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસના સીઈઓ માર્ક ડુબોવિટ્ઝ કહે છે, ‘ટ્રમ્પ ફક્ત એમના દુશ્મનોને જ નથી ડરાવી રહ્યા, હવે તેમના સાથીઓ પણ તેમનાથી ડરી રહ્યા છે.’
ટૂંકમાં, ‘મેડમેન થિયરી’ એક એવો જુગાર છે જે ક્યારેક તાત્કાલિક ફાયદો કરાવી શકે, પરંતુ લાંબા ગાળે તેના ખતરનાક પરિણામો આવી શકે છે.








