World

ટ્રમ્પનાં તાજેતરનાં ટેરિફ-તોફાનને લીધે ભારત-યુ.એસ. સંબંધો પર અસર થશે

By GS TEAM
8 Aug 20252 mins read
ટ્રમ્પનાં તાજેતરનાં ટેરિફ-તોફાનને લીધે ભારત-યુ.એસ. સંબંધો પર અસર થશે

- અમેરિકાના વરિષ્ટ સાંસદની ચેતવણી

- અમેરિકાની હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ડેમોક્રેટિક સભ્ય મીકસે કહ્યું : તેથી ભારત સાથેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો બગડશે

ન્યૂયોર્ક : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લામાં છેલ્લા ટેરિફ-તોફાનને લીધે વર્ષો સુધી મહેનત કરી બાંધેલા ભારત-અમેરિકા સંબંધો ઉપર માઠી અસર થશે, તેમ કહેતા અમેરિકાની પ્રતિનિધિ સભા (લોકસભા)ના વરિષ્ટ ડેમોક્રેટ સાંસદ અને હાઉસ ફોરેન અફેર્સ કમીટીના મેમ્બર ગ્રેગરી મીકસે ગુરૂવારે ચેતવણી આપી હતી કે તેથી વર્ષોની જહેમતે બંને દેશો વચ્ચે બંધાયેલા ગાઢ વ્યૂહાત્મક આર્થિક અને જનતાથી જનતા વચ્ચેના સંબંધો બગડશે તેમજ વિવિધ ક્ષેત્રે બંનેએ ઊભી કરેલી ભાગીદારીમાં તિરાડો પડશે.

તેઓએ વધુમાં કહ્યું, આથી આપણા લોકશાહી મૂલ્યોને અનુરૂપ અને બંને માટે સ્વીકાર્ય રહે તેવો મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે.

તે સર્વવિદિત છે કે પ્રમુખ ટ્રમ્પે ગત સપ્તાહે ભારત ઉપર ૨૫% ટેરિફ લાદ્યો હતો. તે પછી પણ ભારતે રશિયન ઓઈલ ખરીદવાનું ચાલુ રાખતા બીજો દંડાત્મક તેઓ વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદતા કુલ ૫૦% જેટલો આયાત કર ભારતીય ચીજ વસ્તુઓ ઉપર લાગુ પડતાં, બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરિણામે ભારત રશિયા તરફ ઢળી રહ્યું છે. અને અમેરિકા પાસેથી ૩૫ ફાયટર જેટસ ખરીદવા સહિતના ઘણા શસ્ત્રાસ્ત્ર સોદા રદ કર્યા છે. તેથી અમેરિકાને આર્થિક નુકસાન પણ થયું છે. અમેરિકા સ્થિત ભારતીયો પણ ટ્રમ્પ તંત્રની વિરૂધ્ધ જઈ રહ્યા છે. તે સંયોગોમાં ડેમોક્રેટ સાંસદે આપેલી ચેતવણી ટ્રમ્પ માટે વિચારણીય બની શકે તેમ છે.