Get The App

ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઈમેજ ''નોકરી ચોર, વિઝા કૌભાંડી''!

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઈમેજ ''નોકરી ચોર, વિઝા કૌભાંડી''! 1 - image

- અમેરિકામાં ભારતીયો પર ચિંતાજનક રીતે ભેદભાવ વધ્યો 

- ભારતીય આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયર્સને નોકરીએ રાખતી અમેરિકન કંપનીઓ પણ ટ્રમ્પ સરકારની નજરમાં

વૉશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે વિઝા પૉલિસી કડક બની છે. એક તરફ ટ્રમ્પ સરકાર કોઈને કોઈ રીતે નિયમો આકરા બનાવીને વિઝા ન આપવા પડે તે માટે બહાના બનાવે છે. બીજી તરફ જે ભારતીયો અમેરિકામાં છે તેમની સામે ભેદભાવ પણ સતત વધ્યો છે. સ્થાનિક લોકો હવે ભારતીય નાગરિકોને નફરતની નજરે જોઈ રહ્યાં છે. ભારતીયો સહિત એશિયન્સ નાગરિકો સામે હિંસામાં ૧૨ ટકાનો વધારો થયો છે.

અમેરિકન આઈટી ફીલ્ડમાં કામ કરવા માટે ભારતીયોમાં બેહદ પોપ્યુલર એચ-૧બી વિઝાની અરજી ફી એક લાખ ડોલર જેવી ઊંચી થઈ ચૂકી છે. વિઝા રિન્યૂ કરવા ઈચ્છતા હજારો પ્રોફેશનલ્સને એક વર્ષ સુધી વિઝા અપોઈન્ટમેન્ટની તારીખો આપવામાં આવતી નથી. જે એચ-૧ બી વિઝાની અરજી કરે એમાં જેનો પગાર વધારે હોય તેને પ્રાથમિકતા આપવામાં આવે એવી પૉલિસી બનાવાઈ છે. કારણ કે અમેરિકન કંપનીઓ પર આર્થિક બોજ વધશે ને તે સ્થાનિકોને નોકરીએ આપવાને પ્રાથમિકતા આપશે.

અમેરિકામાં ભારતીયોને નોકરીઓ આપતી કંપનીઓ સામેય લોકો સોશિયલ મીડિયમાં આક્રોશ ઠાલવી રહ્યાં છે. ટ્રમ્પની કડક વિઝા પૉલિસી, વિદેશી નાગરિકો સ્થાનિકોના અવસરો છીનવી લે છે એવું નરેટિવ, વિદેશી નાગરિકો ગેરકાયદે ઘૂસે છે તેનાથી સુરક્ષા જોખમાય છે એવા દાવા વગેરેના કારણે અમેરિકા હવે ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે સલામત રહ્યું નથી. અમેરિકામાં વિદેશી નાગરિકો પર થઈ રહેલી હિંસામાં છેલ્લાં એક વર્ષમાં ૧૨ ટકાનો વધારો થયો છે. ઓનલાઈન ભારતીયોને ટાર્ગેટ કરીને અપશબ્દોનો ઉપયોગ ૬૯ ટકા સુધી વધી ગયો છે. અમેરિકાના નાગરિકો ભારતીયો માટે વિઝા સ્કેમર્સ, ઘૂસણખોરો, નોકરી ચોર જેવા શબ્દો પ્રયોજે છે.

ફેડએક્સ, વોલમાર્ટ, વેરિઝોન જેવી કંપનીઓ ભારતીયોને નોકરી આપે છે, તેથી અમેરિકી નાગરિકો હવે આ કંપનીઓને પણ ટાર્ગેટ કરે છે અને સોશિયલ મીડિયામાં તેમની વિરૂદ્ધ અસંખ્ય પોસ્ટ થતી રહે છે. ફેડએક્સના ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણિયમને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ કરાયા હતા. અમેરિકન કંપનીઓ પર ભારતીયોનો કબજો અટકાવો એ પ્રકારનું ઓનલાઈન કેમ્પેઈન ચાલી રહ્યું છે અને ટ્રમ્પ સમર્થકો સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય મૂળના ટેકનોક્રેટ્સ સામેય મન ફાવે તેવા નિવેદનો આપી રહ્યાં છે.