Trump Strategy Iran Oil : ઈરાન સાથે યુદ્ધ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ લંબાવ્યું હોય. જોકે તેમણે ઈરાનને પાયમાલ કરવાની એવી નવી સ્ટ્રેટેજી શરૂ કરી છે, જેના કારણે ઈરાનના ઓઇલના કૂવા બંધ થવાનું જોખમ વધી ગયું છે. વાસ્તવમાં અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરી દેતા અન્ય દેશો સુધી ઈરાનનું ક્રૂડ ઓઇલ પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ છે. સાથે ક્રૂડની કિંમતો પણ ઊંચે જઈ રહી છે.
અમેરિકાની હોર્મુઝ પર નાકાબંધી, સપ્લાય ચેઇન ખોરવાયો
એક તરફ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઈરાન-અમેરિકા વચ્ચે વાટાઘાટોથી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસો ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાનને ખુલ્લી ઓફર પણ આપી છે, જોકે બીજીતરફ અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કરીને ઈરાનની મુશ્કેલી વધારી દીધી છે. બંને દેશોના વિવાદના કારણે હોર્મુઝમાં અન્ય દેશોના જહાજો ફસાઈ ગયા છે. એટલું જ નહીં સપ્લાય ચેઇન પણ આગળ વધી રહ્યો નથી. ઈરાન દ્વારા અનેક દેશોમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય કરવામાં આવે છે, જોકે નાકાબંધીના કારણે આ સપ્લાય અટકી ગયો છે.
સપ્લાય અટકી પડતાં ઈરાનમાં ક્રૂડ ઓઇલનો ભરાવો
સપ્લાય અટકી જતાં સ્થિતિ એવી ઊભી થઈ છે કે, અનેક દેશોમાં ઓઇલની અછત સર્જાવાની સાથે ક્રૂડ ઓઇલની કિંમતો પણ વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, ઈરાન પાસે ઓઇલનો એટલો ભરાવો થઈ ગયો છે કે તેને રાખવાની જગ્યા પણ ઓછી પડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કર્યા બાદ ઈરાનના ક્રૂડ ઓઇલ ટેન્કરો ક્યાં પણ આવી-જઈ શકતા નથી. આવી સ્થિતિમાં ઈરાનનું સૌથી મોટું સંશાધન એટલે કે તેનું ક્રૂડ ઓઇલ તેના માટે જ બોઝ બની ગયો છે.
અમેરિકાએ પહેલીવાર ત્રણ જહાજો મધ્ય-પૂર્વમાં તહેનાત કર્યા
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, ‘હોર્મુઝ પોર્ટ પર આવતા-જતાં જહાજો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 34થી વધુ જહાજોને રસ્તો બદલવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. નાકાબંધી કર્યા બાદ અમેરિકાએ પ્રથમવાર પોતાના ત્રણ વિશાળ જહાજ USS Abraham Lincoln (CVN-72), USS Gerald R. Ford (CVN-78), USS George H. W. Bush (CVN-77) મધ્ય-પૂર્વમાં તહેનાત કર્યા છે. આ ઉપરાંત ત્યાં 200થી વધુ જેટ અને હજારો સૈનિકો પણ હાજર છે. ઈરાન પણ પ્રતિબંધ છતાં, યુદ્ધ પહેલા તેનું ક્રૂડ ઓઇલ ચીન અને અન્ય દેશોમાં નિકાસ થતું હતું. જોકે હવે અમેરિકાના કારણે તે અસંભવ બની ગયું છે.
ઈરાન પાસે બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ પણ વેચવામાં સમસ્યા
ઈરાનના ખાર્ગ આઇલૅન્ડ પરથી લગભગ 90 ટકા ક્રૂડ ઓઇલનો સપ્લાય કરવામાં આવે છે, જે હવે અટકી ગયો છે. સમસ્યા એવી ઊભી થઈ છે કે, ઉત્પાદન ચાલુ અને નિકાસ બંધ થતાં ઓઇલ જમા થઈ રહ્યું છે, જ્યારે તેને રાખવાની જગ્યા ઓછી પડતાં હવે જૂના સ્ટોરેજ ફરી ચાલુ કરવા પડ્યા છે. સંકટ એવું પણ ઊભું થયું છે કે, તેના જૂના સ્ટોરેજમાં પણ માત્ર બે દિવસ સુધી જ ઓઇલ રાખવાની ક્ષમતા છે.
...તો ઈરાનના ઓઇલ કૂવાઓ સંપૂર્ણ ખતમ થઈ જશે
જો ઈરાનમાં ક્રૂડ ઓઇલ રાખવાની જગ્યા સંપૂર્ણ ખતમ થઈ જશે તો મજબૂરીમાં ઓઇલના કૂવાઓ બંધ કરવા પડશે, જે ખૂબ ગંભીર વાત છે. કારણ કે જો ઓઇલના કૂવા એકવાર બંધ થઈ જાય તો તેમાંથી સંપૂર્ણ ઉત્પાદન કરી શકાતું નથી, એટલે કે તેને હંમાશા માટે નુકસાન થઈ જાય છે. આ કારણે તે ઓઇલના કૂવામાંથી દૈનિક ઉત્પાદન ક્ષમતા ખતમ થઈ શકે છે. આના પરથી સ્પષ્ટ કહી શકાય કે, ઈરાનને માત્ર થોડા સમય પૂરતું નુકસાન થવાનું નથી, પરંતુ અનેક વર્ષો સુધી નુકસાન થઈ શકે છે. આના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.
આ પણ વાંચો : અલ નીનોને કારણે ભીષણ ગરમી પડશે, મે મહિનાથી દેખાશે અસર, WMOની ચેતવણી


