ગાઝા યુદ્ધ રોકવા ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ: ઈઝરાયલ સહમત, હમાસ પણ તૈયાર થાય તો 72 કલાકમાં યુદ્ધ સમાપ્ત
Trump’s Gaza Peace Plan: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એવામાં હવે તેમણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાનના માર્ગની જાહેરાત કરી છે. ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાને એક શાંતિ પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઈઝરાયલ આ પ્રસ્તાવ માટે રાજી છે જ્યારે હવે હમાસના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. ટ્રમ્પનો દાવો છે કે જો હમાસ શાંતિ પ્રસ્તાવ માટે રાજી થઈ જાય તો આગામી 72 કલાકમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો હમાસ આ શાંતિ પ્રસ્તાવ મુદ્દે સહમત નહીં થાય તો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે અને અમેરિકા તેનું સમર્થન કરશે.
યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડ ( શાંતિ બોર્ડ )નું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે.
ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઈઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે.
નોંધનીય છે કે 2023થી ચાલુ હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.
ગાઝામાં શાંતિ માટે ટ્રમ્પની યોજનાના મુખ્ય મુદ્દા
હમાસ 48 કલાકમાં ઈઝરાયલના બંધકોને મુક્ત કરે પછી સ્થાયી યુદ્ધવિરામ લાગુ કરાશે
ઈઝરાયલ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવશે
ઈઝરાયલ પેલેસ્ટાઈનના બે હજારથી વધુ કેદીઓને છોડશે
ગાઝામાં નવી સરકાર બનાવાશે જેમાં હમાસ સામેલ નહીં હોય
ગાઝા માટે નવી સુરક્ષા ફોર્સ બનાવાશે જેમાં અરબ અને મુસ્લિમ દેશોના સૈનિક હશે
હમાસ તમામ હથિયારો છોડશે તથા તમામ સુરંગ નષ્ટ કરી દેવાશે
હમાસના જે સભ્યો હિંસા છોડવા તૈયાર હોય તેમને માફ કરી ગાઝામાં જ રહેવાની અનુમતિ અપાશે. જે હિંસા ન છોડવા માંગતા હોય તેમને સુરક્ષિત રીતે ગાઝા છોડવાની મંજૂરી