ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીનો અમેરિકામાં જ વિરોધ, હજારો લોકોએ દેખાવો કર્યા
USA Protest Against Iran Israel War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરતાં મીડલ-ઈસ્ટ વૉરમાં ઝંપલાવ્યું છે. ટ્રમ્પની આ દખલગીરીનો તેમના દેશમાં જ મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના અનેક શહેરોમાં ડઝનથી વધુ લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા હતાં. અનેક લોકોએ રેલીઓ યોજી યુદ્ધનો વિરોધ દર્શાવતા દેખાવો કર્યા છે.
50 રાજ્યોમાં "નો કિંગ્સ"ના સુત્રોચ્ચાર
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 50 રાજ્યોમાં "નો કિંગ્સ"ના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થયા હતાં. જેમાં સેંકડો લોકો જોડાયા હતાં. ન્યૂયોર્ક, બોસ્ટન, શિકાગો, વોશિંગ્ટન અને લોસ એન્જલસ સહિતના શહેરોમાં દેખાવો થયા હતાં. આ દેખાવો શનિવારે મોડી રાત્રે "ઈમરજન્સી મોબિલાઈઝેશન્સ" હેઠળ યોજાયા હતાં.
અમેરિકન્સની અપીલઃ ‘નો વૉર ઈન ઈરાન’
અમેરિકામાં ટ્રમ્પની કાર્યવાહી વિરૂદ્ધ દેખાવો કરી રહેલા અમેરિકન્સ ‘નો વૉર ઈન ઈરાન’ની અપીલ સાથે દેખાવો કરી રહ્યા છે. વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની બહાર 200 જેટલા દેખાવકારોએ ટ્રમ્પ સહિત અમુક વરિષ્ઠ અધિકારીઓની ટીકા કરતાં ઈરાનના ઝંડા લહેરાવ્યા હતાં. તેમજ ઈરાનમાં યુદ્ધ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
આ પણ વાંચોઃ હોર્મુઝ ખાડી બંધ કરવા ઇરાન સંસદની મંજૂરી મળતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ
ઈરાનની તરફેણમાં શિકાગોમાં પણ રેલી
ઈરાનને સમર્થન આપવાં તેમજ યુદ્ધ રોકવાની અપીલ સાથે શિકાગોમાં પણ 200થી વધુ લોકોએ રેલીમાં ભાગ લીધો હતો. ઈરાનમાં થઈ રહેલા માનવસંહારથી ગાઝાવાસીઓની વેદનામાં વધારો થઈ રહ્યો હોવાથી યુદ્ધ રોકવા અપીલ કરી રહ્યા છે. વધુમાં દેખાવકારો ટ્રમ્પ અને નેતન્યાહૂ પર વાતચીતના બદલે યુદ્ધનો માર્ગ અપનાવવા બદલ ટીકા કરી રહ્યા છે.
અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવ્યું
અમેરિકાએ ગઈકાલે વહેલી સવારે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર એરસ્ટ્રાઈક કરી મીડલ-ઈસ્ટ વૉરમાં એન્ટ્રી કરી હતી. અમેરિકાની ઈઝરાયલની તરફેણમાં એન્ટ્રીથી વિશ્વભરમાં તણાવ વધ્યો છે. રશિયા,ચીન, યુએન સહિત અનેક દેશોએ ટ્રમ્પની આ કાર્યવાહીની ટીકા કરી છે. એવામાં રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રીએ દાવો કર્યો છે કે, ઈરાનને સમર્થન આપવા અનેક દેશો પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. દિમિત્રીના આ દાવાથી ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ વધી છે.