World

ફાર્મા સ્યુટિકલ્સ પર 100 ટકા ટેરિફનો ટ્રમ્પનો નિર્ણય : ભારતની અનેક કંપનીઓ મુશ્કેલીમાં

By GS TEAM
26 Sep 20252 mins read
ફાર્મા સ્યુટિકલ્સ પર 100 ટકા ટેરિફનો ટ્રમ્પનો નિર્ણય : ભારતની અનેક કંપનીઓ મુશ્કેલીમાં

- 100 ટકા ફાર્માસ્યુટિકલ્સ 50 ટકા કીચન કેબિનેટ અને બાથરૂમ ફીટીંગ્સ, 30 ટકા અપહોસ્ટર્ડ ફર્નિચર, 25 ટકા ટેરિફ હેવી ટ્રક પર 1 ઓક્ટોથી લાગું

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા સ્યુટિકલ્સ (દવાઓ) ઉપર ૧૦૦ ટકા ટેરિફ લગાડવા ઉપરાંત ૫૦ ટકા કીચન-કેબિનેટ, તથા બાથરૂમ ફીટીંગ્સ, ૩૦ ટકા અપહોસ્ટર્ડ ફર્નિચર્સ તથા ૨૫ ટકા ટેરિફ હેવી ટ્રક્સ પર લાદવા નિર્ણય કર્યો છે. આ ટેરિફ ૧ ઓક્ટોમ્બરથી અમલી બની રહેશે.

પોતાના ટ્રુથ-સોશ્યલ પર આ પ્રમાણે જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે જે વિદેશી કંપનીઓ અમેરિકામાં જ ફેક્ટરીનાં મકાનો બનાવવા માંગતી હોય અને તે માટે બાંધકામની શરૂઆત પણ કરી દીધી હોય, તેને આટલો ટેરિફ આપવો નહી પડે. પરંતુ, તેઓએ તે સ્પષ્ટતા કરી ન હતી કે, જે કંપનીઓની ફેક્ટરીઓ યુ.એસ.માં જ હોય, તેમને આ નવો ટેરિફ લાગુ પડશે કે કેમ ?

એવું લાગે છે કે, ટ્રમ્પને ટેરિફની ધૂન ચઢી છે. ઓગસ્ટથી તેવો એક યા બીજા ક્ષેત્ર પર ટેરિફ વધારતા જ જાય છે. તેઓ માને છે કે, ટેરિફ વધારવાથી બજેટમાં લાભ થશે. પરંતુ તેઓ તે ભૂલી જાય છે કે, ભારે ટેરિફથી ભાવો વધતાં ફુગાવો પણ વધે છે. વાસ્તવમાં અત્યારે જ તે વધી રહ્યો છે.

ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પણ ટેરિફ વધવાથી ફુગાવો વધવાની સ્પષ્ટ આશંકા દર્શાવે છે. તેઓએ એક પરિષદમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, દેશમાં ફુગાવો દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે વધી રહ્યો છે.

૨૦૨૪માં અમેરિકાએ ૨૩૩ બિલિયન ડોલર્સની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ આયાત કરી હતી. તેમાં મેડીસીનલ પ્રોડક્ટસ્ પણ સમાવિષ્ટ હતી.

હવે આ નવો પ્રચંડ ટેરિફ લાગુ પડતાં દવાઓના ભાવમાં બમણાથી પણ વધુ વધારો થાય જ. પરિણામે અમેરિકાના નાગરિકોને દવાઓ મોંઘી પડવાની જ છે જે નિર્વિવાદ છે.

ભારતે ૨૦૨૪માં ૩.૬ બિલિયન ડોલર્સ (રૃા. ૩૧,૬૨૬ કરોડ)ની કિંમતની દવાઓ અમેરિકાને વેચી હતી. ૨૦૨૫ના જૂન સુધીમાં જ ૩.૭ બિલિયન ડોલર્સ (રૃા. ૩૨,૫૦૫)ની કિંમતની દવાઓ અમેરિકાને વેચી છે.

આ એક્સપોર્ટર્સમાં ડો. રેડીઝ, સન-ફાર્મા, લુપિત, અને અરબિંદો ફાર્મા અગ્રીમ હતી. ભારતીય દવાઓ અમેરિકન કંપનીઓ દ્વારા બનાવાતી દવાઓ કરતાં ઘણી સસ્તી પડે છે.

હવે ટેરિફ વધતાં તેની કિંમત પણ વધી જતાં તે દવાઓના ભાવ અમેરિકામાં વધી જવાના છે.

ટ્રમ્પે ભારતીય બનાવટનાં અપહોસ્ટરી સિવાયનાં ફર્નિચર ઉપર પણ વધુ ટેરિફ ઝીંક્યો છે તે માટે તેમણે 'નેશનલ સિક્યુરિટી'નું કારણ આપ્યું છે. પ્રશ્ન તે છે કે, દવાના કે ફર્નિચરના ભાવને રાષ્ટ્રીય સલામતી સાથે શો સંબંધ છે ?

ટ્રમ્પે વિદેશોમાંથી આયાત કરાતા હેવી ટ્રક ઉપરનો ટેરિફ પણ વધારી ૨૫ ટકા કર્યો છે. તેથી ટ્રક બનાવનારી કંપનીઓ જેવી કે પીટરબીલ્ટ કેનવર્થ ફ્રેઇટ-લાઇનર, મેક-ટ્રકને ભીંસ પડવાની જ છે. જેની પણ આડકતરી અસર અમેરિકાનાં ટેક્સ પેયર્સ ઉપર પણ થશે તે નિશ્ચિત છે.