Get The App

યુક્રેનના દુર્લભ ખનીજો મેળવવા ટ્રમ્પની ઝેલેન્સ્કી સાથે ડીલ

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેનના દુર્લભ ખનીજો મેળવવા ટ્રમ્પની ઝેલેન્સ્કી સાથે ડીલ 1 - image


- વાટાઘાટો વચ્ચે રશિયા-યુક્રેનના એકબીજા પર હુમલા યથાવત્ : નવનાં મોત

- યુક્રેન રશિયા સામે લડવા માટે અમેરિકા પાસેથી લાંબા સમયગાળા સુધી શસ્ત્ર પુરવઠો મેળવી શકશે

- યુક્રેનને યુદ્ધ પછી બેઠું કરવામાં ડીલ મહત્ત્વની ભૂમિકા ભજવશે

વોશિંગ્ટન : યુએસ અને યુક્રેન વચ્ચે ટ્રમ્પના આવ્યા પછી રાહ જોવાતી હતી તે ડીલ થઈ ગયું છે. આ ડીલ અન્વયે યુક્રેનના વ્યાપક સંસાધનોનું એક્સેસ અમેરિકાને મળશે. બીજી બાજુએ આ ડીલ કરવાના લીધે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં લશ્કરી સહાય જારી રાખવાનું સુનિશ્ચિત કરી લીધું છે. આ ડીલ દરમિયાન જ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં નવના મોત થયા હતા. તેમા સાત રશિયામાં અને બે યુક્રેનમાં થયા હતા.

કદાચ આ યુદ્ધમાં પહેલી વખત યુક્રેનના હુમલામાં રશિયાના આટલા નાગરિકો માર્યા ગયા છે. એકબાજુએ અમેરિકામાં ડીલ થતું હતું અને બીજી બાજુએ યુક્રેન પર બોમ્બાર્ડિંગ થતું હતું. યુક્રેન પર વળતો હુમલો કરતું હતું. યુક્રેને રશિયાના કબ્જા હેઠળના સાઉથર્ન યુક્રેનના ખેરસન પ્રાંત પર કરેલા હુમલામાં સાતના મોત થયા હતા. જ્યારે ઓડેસા પોર્ટ પર રશિયાના ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા. 

આ ડીલના પગલે અમેરિકાએ રશિયાને સંદેશો આપી દીધો છે કે તે લાંબા ગાળા માટે મુક્ત, સ્વતંત્ર અને સાર્વભૌમ યુક્રેન માટે પ્રતિબદ્ધ છે. શાંતિ પ્રક્રિયા તેને જ કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવશે. આ ડીલના કારણે યુક્રેન માટે હવે અમેરિકન શસ્ત્રોનું સંપાદન પણ સરળ બનશે. આ જોતાં યુદ્ધ હજી પણ વધુ લંબાય તો આશ્ચર્ય નહીં થાય. 

બંને પક્ષો આ ડીલના ભાગરૂપે યુએસ-યુક્રેન રીઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કરશે. તેના હેઠળ યુએસને યુક્રેનના દુર્લભ ખનીજો મળશે. તેના બદલામાં અમેરિકા યુક્રેનને બેઠું કરવામાં મદદ કરશે. બંને પક્ષો આને વિન-વિન ડીલ ગણાવે છે. જો કે યુક્રેને આ ડીલમાં ખાસ લખ્યું છે કે અમેરિકાએ તેને ભૂતકાળમાં કરેલી નાણાકીય સહાય માટે તેણે કોઈ ચૂકવણી કરવાની નથી. આ ડીલ હવેથી શરૂ થનારી અમેરિકાની લશ્કરી મદદ માટે જ અમલી બનશે. 

યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ-ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધમાં નજીકના ભવિષ્યમાં શાંતિ સ્થપાય તેમ ન લાગતા ટ્રમ્પ નિરાશ થયા હતા. તેથી તેમણે યુક્રેન સાથે પહેલા આ ડીલ કરી લીધું હતું, જેથી યુદ્ધ તો ભલે બંધ ન કરી શકાયુ, પરંતુ આ મોરચે કંઇક તો કર્યુ હોય તેવું દર્શાવી શકાય.

ટ્રમ્પ પહેલા ઝેલેન્સ્કીની ટીકા કરતા હતા અને જણાવતા હતા કે તેમની પાસે બહુ વિકલ્પો નથી, આમ છતાં પણ ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે ડીલ કરવામાં સફળ રહ્યા. જ્યારે ટ્રમ્પ પુતિનના વખાણ કરતાં હતા અને તેની સાથે ગમે ત્યારે શાંતિ કરાર કરી શકીશું તેમ કહેતા હતા, પરંતુ તેમના શાસનના ૧૦૦ દિવસમાં પણ તે પુતિનને શાંતિ માટે સંમત કરી શક્યા નથી. આના કારણે હવે તે પુતિનની ટીકા કરે છે અને તેમને લાગે છે કે પુતિનને શાંતિમાં રસ નથી. આમ આ ડીલ બતાવે છે કે યુક્રેન હજી પણ રશિયા સાથે લાંબા ગાળા માટે યુદ્ધ કરવા તૈયાર છે અને શાંતિ ક્યાંય નજીકમાં દેખાતી નથી. 

 જો કે પુતિને યુક્રેન સાથે પૂર્વશરત વગરની શાંતિ મંત્રણા કરવાની તૈયારી દર્શાવી છે, પણ તે પહેલા તેમની કેટલીક ચિંતાઓનું સમાધાન પણ માંગ્યું છે. તેમનું કહેવું છે કે વોશિંગ્ટન કહે છે તેમ ઉતાવળે ડીલ ન થાય. રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેનના ૨,૬૪૧ નાગરિક માર્યા ગયા છે, એમ માનવ અધિકાર પંચે જણાવ્યું હતું.

Tags :