ટ્રમ્પની સ્વચ્છંદી : 1લી ઓગસ્ટથી 12 દેશો પર ટેરિફનો ફતવો
- અમેરિકાના હિતેચ્છુ જાપાન અને સાઉથ કોરિયા પર 25 ટકા ટેરિફની જાહેરાત
- દુનિયાના અર્થતંત્રને ડામાડોળ કરવાની ઘેલછા વિશ્વને ક્યાં લઇ જશે : અમેરિકાના ડાઉજોન્સમાં 500 પોઇન્ટનો કડાકો
- લાઓસ, સાઉથ આફ્રિકા, કઝાખસ્તાન, મ્યાનમાર અને મલેશિયા પર ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ફૂટયો
વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ત્રાટક્યા છે. તેમનો ટેરિફ બોમ્બ જાપાન અને સાઉથ કોરીયા પર ફૂટયો છે. જાપાન અને સાઉથ કોરીયા સહિત ૧૨ દેશો પર તેમણે ૨૫-૨૫ ટકા ટેરિફ લાદ્યો છે, જે બીજી એપ્રિલે લાદેલા ટેરિફ જેટલો જ છે. આ ટેરિફ પહેલી ઓગસ્ટથી અમલી બનશે. આ બતાવે છે કે તેમની સાથે ટ્રમ્પની ટ્રેડ ડીલ થઈ શકી નથી. ટ્રમ્પે બંને દેશો તેમની સામે નાકલીટી તાણીને આવે તે માટે આ રેસિપ્રોકલ ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે. આના પગલે વિશ્વના અનેક દેશો હચમચી ઉઠયા છે.
તેની પાછળનું કારણ એ છે કે જાપાન અને સાઉથ કોરીયાને અમેરિકાના સૌથી નજીકના દેશો ગણવામાં આવે છે. તેમના અમેરિકા સાથે ગાઢ સંબંધો હોવાનું મનાય છે. તેમના પર ટ્રમ્પે ટેરિફ લાદતા અમેરિકા સાથે સંબંધ ધરાવતા બીજા દેશો હચમચી ઉઠયા છે.
જાપાનના વડાપ્રધાનને લખેલા પત્રમાં ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે કે મારા માટે તમને આ પત્ર મોકલવો તે મોટા સન્માનની વાત છે. તેનું કારણ એ છે કે આ પત્ર આપણા વ્યાપારિક સંબંધોની મજબૂતાઈ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. અહીં હકીકત એ છે કે અમેરિકાએ તમારા મહાન દેશની સાથે નોંધપાત્ર કહી શકાય તેટલી ખાધ હોવા છતાં કામ ચાલુ રાખવાની સંમતિ દાખવી છે. તેમા આગળ વધુમાં લખવામાં આવ્યું છે કે અમે તમારી સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તેનો આધાર વધારે સંતુલિત અને નિષ્પક્ષ વ્યાપાર હશે.
ટેરિફ લેટરમાં તેમણે આગળ જણાવ્યું હતું કે આગામી મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી ઓગસ્ટથી અમે જાપાન દ્વારા અમેરિકામાં મોકલવામાં આવનારા કોઈપણ કે બધા જ પ્રકારના ઉત્પાદનો પર ૨૫ ટકા વેરો લગાવીશું, જે રીજનલ ટેરિફ રેટથી અલગ હશે. જો કે જાપાનને તેનાથી ખાસ આશ્ચર્ય થયું નથી. જાપાન પર ટેરિફ બોમ્બ ઝીંક્યા પછી ટ્રમ્પે તેને ૨૫ ટકા ઓછો ટેરિફ ગણાવ્યો છે. તેમેણે જણાવ્યું હતું કેઆ આંકડો જાપાન સાથેના અમારા વ્યાપાર નુકસાનમાં ઘટાડો કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ આંકડો જાપાન સાથે અમારી વેપાર ખાધને જોતાં ઘણો ઓછો છે. ટ્રમ્પનુંઆ પગલું બતાવે છે કે જાપાન અને સાઉથ કોરીયા જેવા તેના ગાઢ સહયોગી દેશો સાથે ટ્રમ્પનું પગલું ભર્યું છે. આ જોતાં આગામી દિવસોમાં ટ્રમ્પ જેની સાથે ટ્રેડ ડીલ થયું ન હોય અને તેની ખાતરી મળી ન હોય તે બધા દેશોને ટ્રમ્પનો ટેરિફ લેટર મળશે.
ટ્રમ્પે લાઓસ, સાઉથ આફ્રિકા, કઝાખસ્તાન, મ્યાનમાર અને મલેશિયા પર ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે કઝાખસ્તાન પર ૨૫ ટકા ટેરિફ નાખ્યો છે જે અગાઉના ૨૭ ટકાની તુલનાએ ઘટાડો દર્શાવે છે. જ્યારે સાઉથ કોરીયા પર ૩૦ ટકા ટેરિફ નાખ્યો છે, જે બીજી એપ્રિલે નાખેલા ટેરિફ જેટલો જ છે. લાઓસ પર ૪૦ ટકાના દરે વેરો નાખ્યો છે જે અગાઉના ૪૮ ટકાની તુલનાએ ઘટાડો દર્શાવે છે. જ્યારે મ્યાનમાર પર ૪૦ ટકા ટેરિફ નાખ્યો છે, જે અગાઉના ૪૪ ટકાની તુલનાએ ઘટાડો દર્શાવે છે. જ્યારે મલેશિયા પર ૨૫ ટકા ટેરિફ નાખ્યો છે, જે બીજી એપ્રિલના રોજ ૨૪ ટકા હતો. મલેશિયા હાલમાં અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે.
વ્હાઇટ હાઉસની પ્રવક્તા લેવિટે જણાવ્યું હતું કે લોકોએ ટ્રમ્પના પત્રોને ગંભીરતાથી લેવા જોઈએ, તેમણે વારંવાર બદલાતી ડેડલાઇનના સંદર્ભમાં જણાયું હતું. અમારું વહીવટીતંત્ર અમેરિકન પ્રજાના શ્રેષ્ઠ હિતમાં હોય તેવું ડીલ કરવા પ્રયત્ન કરી રહ્યું છે.