World

ટ્રમ્પનો 'ઓલ-ઓફીસ-ડ્રામા' : પાક. વડાપ્રધાન શરીફ તથા આર્મી ચીફ મુનીરને 1 કલાક સુધી રાહ જોવડાવી

By GS TEAM
26 Sep 20253 mins read
ટ્રમ્પનો 'ઓલ-ઓફીસ-ડ્રામા' : પાક. વડાપ્રધાન શરીફ તથા આર્મી ચીફ મુનીરને 1 કલાક સુધી રાહ જોવડાવી

- ચીન-પરસ્તી માટે બંધબારણે ખખડાવી નાખ્યા હશે : વિશ્લેષકો

- રાહ જોવડાવ્યા પછી 'ટાઢાં ઢોળતા' હોય તેમ બંનેની ભરપેટ પ્રશંસા પણ કરી તે પછી બંધબારણે બેઠક યોજી : શી વાત-ચીત થઈ હશે તે વિષે રહસ્ય રહ્યું છે

વોશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ મુનીર સાથેની મંત્રણા પૂર્વે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું : 'તેવો આવી રહ્યા છે, આ રૂમમાં હમણાં જ આવી પહોંચશે. મને ખબર નથી કારણ કે અમે ઘણા મોડા પડયા છીએ.'

આમ છતાં પ્રમુખ ટ્રમ્પે તે બંનેને આશરે એક કલાક સુધી તો રાહ જોવડાવી હતી તે પછી તેઓને મળ્યા હતા.

વ્હાઈટ-હાઉસમાં પબ્લિક શેડયુઅલ પ્રમાણે પહેલાં પત્રકારોની હાજરીમાં ટ્રમ્પે તેઓને આવકાર આપ્યો હતો પછી બંધબારણે બેઠક યોજી હતી.

પહેલાં તો એક કલાક સુધી રાહ જોવડાવી ટ્રમ્પે રીતસરનાં બંનેનાં નાક-કાપી નાખ્યાં હતાં પછી 'ઢાટાં-ઢોળતાં' હોય તેમ તેઓની પ્રશંસા કરતાં ટ્રમ્પે બંનેને મહાન નેતાઓ કહ્યા હતા.

વિશ્લેષકો તેમ પણ કહે છે કે, બંધબારણે યોજાયેલી મીટીંગમાં પાકિસ્તાનની ચીન-પરસ્તી અંગે ટ્રમ્પે બંનેને ખખડાવી નાખ્યા હશે. પરંતુ જાહેરમાં તેઓની ભરપેટ પ્રશંસા કરી હતી.

સપ્ટેમ્બર ૨૩ના દિવસે પ્રમુખ ટ્રમ્પની સાથે ૮ આરબ-ઈસ્લામિક દેશોએ મીટીંગ યોજી હતી. તેમાં પાકિસ્તાન ઉપસ્થિત હતું. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી સેનેટર ઈશાક દાર પણ તે મીટીંગમાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે (પાકિસ્તાનની ચીન-પરસ્તને લીધે) પાકિસ્તાન-અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. પરંતુ ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે ભારત-પાક યુદ્ધ થતું પોતે અટકાવ્યું હતું તેમ કહ્યું ત્યારે ભારતે ટ્રમ્પના તે દાવાને ખોટો કહેતાં જણાવ્યું હતું કે, તે યુદ્ધ રોકવામાં ટ્રમ્પનો કોઈ ફાળો જ ન હતો, વાસ્તવમાં પાકિસ્તાનના ઓફીસ કમાંડિંગની વિનંતીથી જ તે યુદ્ધ બંધ થયું હતું. બીજી તરફ પાકિસ્તાને વિશેષત: મુનીરે તે યુદ્ધ બંધ કરવાનો યશ ટ્રમ્પને આપવા સાથે કહ્યું હતું કે, 'બે પરમાણુ સત્તાઓ વચ્ચેનો સંઘર્ષ નિવારવા માટે ટ્રમ્પને શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.' આથી ટ્રમ્પ પાકિસ્તાન ઉપર ફીદા થઈ ગયા હતા. આમ છતાં બંને દેશો વચ્ચે કચવાટ તો ચાલુ જ રહ્યો હતો કારણ કે પાકિસ્તાને ચીનનો પાલવ પકડવાનું છોડયું ન હતું. (અત્યારે પણ તે જ સ્થિતિ છે).

આ પછી લગભગ 'ભીખારી' થઈ ગયેલા પાકિસ્તાન માટે આર્થિક સહાય મેળવવા મુનીર ઓગસ્ટમાં વોશિંગ્ટન દોડી ગયા હતા ત્યારે છેવટે પાકિસ્તાનનું ભાંગી પડેલું અર્થતંત્ર તદ્દન 'કડડભૂસ' થતું બચાવવા ટ્રમ્પે ઓગસ્ટ (૨૦૨૫)માં પાકિસ્તાનમાં ૫૦૦ મિલિયન ડોલરનું મૂડી રોકાણ કરવા વચન આપ્યું હતું. પરંતુ તે સાથે પાકિસ્તાનની ખનિજ સંપત્તિ વિશેષત બલુચિસ્તાનમાં રહેલી 'રેર-અર્થસ્' ખોદવા માટે અમેરિકાને પરવાનો આપ્યો હતો. ત્યારથી સંબંધોમાં સુધારો થતો આવ્યો ત્યાં ચીને પણ રેર-અર્થસ્ માટે પાકિસ્તાન ઉપર દબાણ કર્યું. પાકિસ્તાન તેને ઝૂકી ગયું છે. ચીન પાસેથી પણ આર્થિક સહાય મેળવવા મુનીર બૈજિંગ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો.

અમેરિકા આ તમામ સીલસીલાથી સંપૂર્ણ માહિતગાર છે તેથી ટ્રમ્પનું વલણ હવે પાકિસ્તાન પ્રત્યે કઠોર થઈ રહ્યું છે તે શરીફ-મુનીરને ૧ કલાક રાહ જોવડાવ્યા ઉપરથી સ્પષ્ટ બની જાય છે.