- આ દ્વારા ભારત, યુક્રેન યુદ્ધમાં રશિયાને સહાય કરે છે તેમજ તે ચીનને પણ આડકતરી રીતે સાથ આપે છે, તેમ કહી શકાય
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક વરિષ્ટ સહાયકે ભારત ઉપર યુક્રેન યુદ્ધમાં રશિયાને આડકતરી રીતે સહાય કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેણે જણાવ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત રશિયાને સહાય કરી રહ્યું છે. આ પરિસ્થિતિ સ્વીકાર્ય બને તેવી નથી.
ટ્રમ્પના એક અગ્રીમ સહાયક અને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ વ્હાઈટ હાઉસ સ્ટીફન મિલરે ફોકસ ન્યૂઝના સન્ડે મોર્નિંગ ફીચર્સ નામક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સ્પષ્ટ રીતે માને છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવું બંધ કરવું જ જોઈએ. તેઓએ (ટ્રમ્પે) બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવું તો મૂળભૂત રીતે રશિયાને યુક્રેન યુદ્ધમાં આર્થિક સહાય કરવા બરાબર છે. આવું ચીન પણ કરે છે. તેથી ભારત ચીનની સાથે બેસી ગયું છે, તે હકીકત જ આંચકાજનક છે.
આ સાથે નિવરે કહ્યું હતું કે ટ્રમ્પ ભારત સાથે ગાઢ સંબંધો ઈચ્છે જ છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ગાઢ સંબંધો ઇચ્છે છે. પરંતુ આપણે નક્કર વાસ્તવિકતા પણ જોવી જોઈએ કે તેમાં આ યુદ્ધમાં કરાતી (આડકતરી) નાણાંકીય સહાય સમાવિષ્ટ છે. પ્રમુખ તે યુદ્ધ બંધ કરવા માટે દરેક પ્રકારનાં રાજદ્વારી તેમજ નાણાંકીય પગલાં લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના ભારે દબાણ છતાં ભારતે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં જ કરે.


