Get The App

પહેલા ધમકી પછી ફોન કોલ, ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખના સંબંધોમાં ટ્વિસ્ટ, અમેરિકા આવવા આમંત્રણ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
પહેલા ધમકી પછી ફોન કોલ, ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખના સંબંધોમાં ટ્વિસ્ટ, અમેરિકા આવવા આમંત્રણ 1 - image


US-Colombia Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો વચ્ચેના અત્યંત વણસેલા સંબંધોમાં એકાએક મોટો વળાંક આવ્યો છે. મહિનાઓ સુધી એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા બાદ, બંને નેતાઓ વચ્ચે પહેલીવાર ફોન પર વાતચીત થઈ છે. ટ્રમ્પે આ વાતચીતને 'સન્માનની વાત' ગણાવી છે અને બંને નેતાઓ હવે રૂબરૂ મુલાકાત કરવા પણ સંમત થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને ગુસ્તાવો પેટ્રો વચ્ચે શું વાતચીત થઈ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પે કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો સાથે થયેલી વાતચીતની વિગતો શેર કરી હતી. તેમણે લખ્યું, 'કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો સાથે વાત કરવી સન્માનની વાત હતી. તેમણે ડ્રગ્સ અને અન્ય તફાવતો પર અમારા વલણને સ્પષ્ટ કર્યું.'

બીજી તરફ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બોગોટામાં તેમના સમર્થકોને જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન વેનેઝુએલાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ ફોન કોલને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે અમેરિકા કોલંબિયામાં લશ્કરી રીતે હસ્તક્ષેપ કરી શકે છે.

આ પણ વાંચો: ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સ સહિત 66 ઈન્ટરનેશનલ સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો


કેવી રીતે સર્જાયો હતો તણાવ?

અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો વચ્ચેના સંબંધો છેલ્લા એક વર્ષમાં અત્યંત નિમ્ન સ્તરે પહોંચ્યા હતા. ટ્રમ્પે અગાઉ પેટ્રોને 'બીમાર' અને 'કોકેઇન તસ્કર' કહ્યા હતા. આ ઉપરાંત અમેરિકાએ પેટ્રોના વિઝા રદ કર્યા હતા અને કોલંબિયાને ડ્રગ્સ વિરોધી યુદ્ધના ભાગીદાર દેશોની યાદીમાંથી બહાર કરી દીધું હતું.

લેટિન અમેરિકામાં અમેરિકાનું આક્રમક વલણ

આ ફોન કોલ એવા સમયે થયો છે જ્યારે લેટિન અમેરિકામાં ભારે અસ્થિરતા છે. 2026ની શરુઆતમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર હવાઈ હુમલા કરી પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે. હાલ તેઓ ન્યુયોર્કની જેલમાં ડ્રગ્સ હેરફેરના આરોપોનો સામનો કરી રહ્યા છે. માદુરોની ધરપકડ બાદ કોલંબિયા સાથેના સંબંધો સુધારવાનો ટ્રમ્પનો પ્રયાસ વ્યૂહાત્મક હોવાનું માનવામાં આવે છે.

નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ હવે કોલંબિયાને ડરાવવાને બદલે તેને પોતાની ડ્રગ્સ વિરોધી નીતિમાં ફરી સામેલ કરી લેટિન અમેરિકા પર પોતાનો પકડ મજબૂત કરવા માંગે છે.