દ.કોરિયામાં ટ્રમ્પ શી વચ્ચેથી મંત્રણામાં બંને દેશો વચ્ચેની તંગદિલી ઘટવાના સંકેતો

- લલ બિફોર ધી સ્ટોર્મ ? : વિશ્લેષકો પૂછે છે
- ટ્રમ્પે શીને કઠોર મંત્રણાકાર કહ્યા છતાં તેમની ઘણી ઘણી પ્રશંસા કરી, ચીન યુ.એસ.એ પરસ્પરને સહાયભૂત થવા મજબૂત પાયો જરૂરી છે : શી જિંગપિંગ
બુસાન (દ.કોરિયા) : દક્ષિણ કોરિયાનાં પૂર્વના દક્ષિણ ખૂણે રહેલાં પેસિફિક ઉપરનાં રિસોર્ટ બુસાનમાં વિશ્વની બે પ્રચંડ લશ્કરી તાકાત અને આર્થિક શક્તિઓના પ્રમુખો, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જીનપિંગ વચ્ચે ગુરૂવારે સઘન મંત્રણાઓ યોજાઈ હતી. બંનેએ તે મંત્રણાઓ સફળ હોવાનો દાવો પણ કર્યો હતો.
છ વર્ષ પછી બંને પ્રમુખો સામ સામે મળ્યા હતા, તે પણ ઉલ્લેખનીય છે. અમેરિકા અને ચીન વચ્ચે મહિનાઓ સુધી ટ્રેડ એન્ડ ટેરિફ સંબંધે ગજગ્રાહ ચાલી રહ્યો છે તે સંયોગોમાં આજની મંત્રણાઓ ઉપર દુનિયા ભરતી નજર મંડાઈ રહી છે.
મંત્રણાના પ્રારંભે શી સાથે હસ્તધૂનન કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે આ મીટીંગ સફળ બનાવવાના જ છીએ. તેઓ (શી) એક કઠોર મંત્રણાકાર છે જે સારૃં નથી. પરંતુ અમે પરસ્પરને સારી રીતે ઓળખીએ છીએ. અમારી વચ્ચે ઘણા સારા સંબંધો પણ છે.
ટ્રમ્પે આગળ કહ્યું હતું કે શીને મળવું તે બહુમાન સમાન છે. તેઓ ઘણા સમયથી મારા મિત્ર રહ્યા છે. તેઓ એક ઘણા ઘણા વિશિષ્ટ વ્યક્તિ છે. અમે ઘણી બાબતોએ સહમત છીએ. ઘણી બાબતો અંગે આજે સહમતિ સાધવા માગીએ છીએ. પ્રમુખ શી એક મહાન દેશના મહાન નેતા છે. તેઓને મળવું તે જ એક બહુમાન છે. મંત્રણાના અંતે ટ્રમ્પે ૧૦% ટેરિફ ઘટાડાની પણ જાહેરાત કરી હતી.
શીએ પણ આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોઈ કોઈ બાબતમાં વિવાદ ઉપસ્થિત થાય પણ ખરો તે સહજ છે. પરંતુ અમારા સંબંધો સાચા માર્ગે આગળ વધી રહ્યા છે.
શીએ વધુમાં કહ્યું હતું કે તોફાની પવનો અને મોજાંઓ અને પડકારો વચ્ચે તમો અને હું યુ.એસ. અને ચીનનું સુકાન સંભાળી રહ્યાં છીએ. ચીનનો વિકાસ પણ તમારા મેઇક અમેરિકા ગ્રેટ અગેઇનનાં પગલે આગળ વધી રહ્યો છે અને ચીન તથા અમેરિકા બનેનું બનેલું એક વિશાળ જહાજ તોફાની મહાસાગરમાં પણ આગળ ધપી રહ્યું છે. હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે ચીન અને અમેરિકા પાર્ટનર્સ અને ફ્રેન્ડસ તરીકે જ રહેવું જોઇએ. આપણને ઇતિહાસે તે સમજાવ્યું છે.
નિરીક્ષકો કહે છે કે શીએ આ રીતે ૧૯મી સદીમાં, યુરોપીય દેશોએ ચીનમાં સ્થાપી દીધેલાં ઇકોનોમિક ઝોન્સનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સાથે તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે આ પુષ્પિનામ્ વાચ: (સુંદર સુંદર વાતો) કદાચ તોફાન પહેલાંની શૂન્યાવકાશી સમાન શાંતિ બની ન રહે.

