Get The App

ટ્રમ્પ વેનેઝુએલા પછી ઇરાનનો વારો પાડશે : અમેરિકન નિષ્ણાતની ચેતવણી

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ વેનેઝુએલા પછી ઇરાનનો વારો પાડશે : અમેરિકન નિષ્ણાતની ચેતવણી 1 - image

- અમેરિકાના હુમલામાં કુલ 60થી વધુ સુરક્ષા કર્મીના મોત

- ઇરાન પર હુમલો કરીને અમેરિકા બરબાદી નોતરશે, કેમકે ઇરાન પાસે હાઇપરસોનિક મિસાઇલો છે

- ગ્રીનલેન્ડ અને ડેન્માર્કના વડાપ્રધાન અમેરિકાના વિદેશપ્રધાન રુબિયો સાથે ટ્રમ્પની ધમકી અંગે ચર્ચા કરવા તૈયાર 

વોશિંગ્ટન : અમેરિકાએ વેનેઝુએલાના ઓઇલ ભંડાર પર અંકુશ જમાવ્યા પછી હવે તેનું આગામી નિશાન ઇરાન હોઈ શકે છે તેમ જાણીતા રણનીતિકાર જેફરી સેક્સે જણાવ્યું હતું. તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે નિયમ આધારિત વર્લ્ડ ઓર્ડરની કલ્પના પરીકથા જેવી લાગે છે. તેમણે ચેતવણી આપી હતી કે ઇરાન પર હુમલો કરી અમેરિકા બરબાદી નોતરશે, કેમકે તેની પાસે હાઇપરસોનિક મિસાઇલ છે. 

તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ હવે સંપૂર્ણપણે બેકાબૂ બની ગયા છે. હવે તે ગ્રીનલેન્ડને ગળી જવાની વાત કરી રહ્યા છે. તેમણે અમેરિકાને એક ડીપ સ્ટેટ મિલિટરી સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવતો દેશ ગણાવ્યો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા હંમેશા બંધારણીય સીમાઓની બહાર જ કામ કરે છે. ઇકોનોમિસ્ટે ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પે આઠ વર્ષ પહેલાં જ લેટિન અમેરિકાના નેતાઓને પૂછ્યું હતું કે હું વેનેઝુએલા પર હુમલો કેમ ન કરી શકું. 

પ્રોફેસર જેફરી સેક્સે જણાવ્યું હતું કે અમેરિકામાં સીઆઈએ, પેન્ટાગોન અને બીજી સિક્યોરિટી એજન્સીઓ મોટાપાયા પર અમેરિકન વિદેશ નીતિ ચલાવે છે. અમેરિકન વિદેશ નીતિના સ્તંભોમાં એક સત્તા પરિવર્તન છે. પછી તે યુદ્ધ હોય, કહેવાતી ક્રાંતિઓ હોય, હત્યાઓ હોય કે તખ્તા પલટ હોય. વેનેઝુએલમાં અમેરિકા છેલ્લા ૨૦ વર્ષથી ડાબેરી સરકાર બદલવા પ્રયત્નશીલ છે, કેમકે ડાબેરી સરકાર છે અને તે અમેરિકન ઓઇલ કંપનીઓને તે વસ્તુ આપતી નથી જે તેઓ ઇચ્છે છે. તેમણ ૨૦૦૨માં તખ્તો પલટવા પ્રયત્ન કર્યો, ૨૦૧૪માં વિરોધ પ્રદર્શન લગાવ્યા, ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં આર્થિક પ્રતિબંધ લગાવ્યા, તો પણ વેનેઝુએલા ન માન્યુ. તેના પગલે છેવટે ટ્રમ્પે જણાવ્યું કે અમે આ સરકારને લશ્કરી પગલું લઈ ઉખાડીને ફેંકી દઇશું. 

આ દરમિયાન ટ્રમ્પ તંત્ર દ્વારા વારંવાર ગ્રીનલેન્ડના કબ્જાની વાત કરવામાં આવતા ગભરાયેલા ગ્રીનલેન્ડ અને ડેન્માર્ક અમેરિકાના વિદેશપ્રધાન માર્ક રૂબિયો સાથે વાત કરવા પ્રયત્નશીલ છે. યુરોપના બધા જ દેશોના આગેવાનોએ અમેરિકાના નિવેદનને વખોડયુ હોવા છતાં વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે તેમના માટે ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક છે અને ચીન અને રશિયાના જહાજો ત્યાં ફરી રહ્યા હોવાથી અમેરિકાની સુરક્ષાના હેતુ માટે તેનો કબ્જો અનિવાર્ય છે. ડેનિશ વડાપ્રધાન ફ્રેડરિકસન ત્યાં સુધી કહી ચૂક્યા છે કે જો અમેરિકાએ આ પગલું ભર્યું તો નાટોના લશ્કરી જોડાણનો અંત આવશે. તેની સાથે તેમણે ટ્રમ્પ જે ભાષામાં વાત કરે છે તેની સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 

આ દરમિયાન વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને ઉપાડી જવાના અમેરિકાના અપહરણમાં વેનેઝુએલાના કમસેકમ ૨૪ સિક્યોરિટી ઓફિસરો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત  ક્યુબાના પણ ૨૬થી ૬૦ વર્ષના કુલ ૩૨ ઓફિસરો માર્યા ગયો હોવાનું ક્યુબાએ જણાવ્યું છે. જ્યારે સાતેક અમેરિકન સૈનિકો આ ઓપરેશનમાં ઇજા પામ્યા છે. બેને સારવાર કરી રજા આપી દેવાઈ છે અને બાકીનાની સારવાર ચાલી રહી છે. આમ અમેરિકાના ઓપરેશનમાં વેનેઝુએલામાં કુલ ૬૦થી વધુના મોત નીપજ્યા છે. અમેરિકાએ આ ઉપરાંત વેનેઝુએલાની જેલમાં બંધ એક હજારથી પણ વધારે રાજકીય કેદીઓને છોડાવ્યા હોવાનો દાવો કર્યો છે. તેની સાથે વેનેઝુએલાને એક ભ્રષ્ટાચારી અને આપખુદ શાસકથી મુક્ત કરી હોવાનું કહ્યું છે.