- પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના ભંડાર પર કબજાની પ્રક્રિયા શરૂ કરી, વ્હાઈટ હાઉસમાં કંપનીઓ સાથે બેઠક
- કંપનીઓ 100 અબજ ડોલરનું રોકાણ કરે, સોદો વેનેઝુએલા નહીં પણ અમેરિકા સાથે જ કરવાનો છે, અમે સુરક્ષા આપીશું : ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસનું અપહરણ કર્યા પછી હવે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વિશાળ ભંડાર પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સાથે રશિયા પાસેથી સસ્તા ક્રૂડની ખરીદી મુદ્દે ભારતથી નારાજ અમેરિકાએ વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ભારતને પણ વેચવાની ઓફર કરી છે. વધુમાં પ્રમુખ ટ્રમ્પે અમેરિકન ક્રૂડ ઓઈલ કંપનીઓને વેનેઝુએલામાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ માટે પ્રોત્સાહિત કરવા વ્હાઈટ હાઉસમાં બેઠક બોલાવી હતી. પરંતુ અમેરિકાની ક્રૂડ કંપનીઓએ વેનેઝુએલામાં રોકાણને 'અવ્યવહારુ' અને 'અસુરક્ષિત' ગણાવી ટ્રમ્પની ચિંતા વધારી દીધી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરી વેનેઝૂએલામાં કથિત રીતે સત્તા પરિવર્તન કર્યા પછી તેના ક્રૂડ ઓઈલના જંગી ભંડારો પર કબજો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા વેનેઝુએલાનું ક્રુડ ઓઈલ દુનિયાના બધા જ દેશોને વેચવા તૈયાર છે.
વેનેઝુએલાનું ક્રૂડ દુનિયાના દરેક દેશોને વેચવા અમેરિકા તૈયાર
અમેરિકન ઊર્જા મંત્રી રાઈટના નિવેદનનું સમર્થન કરતા અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા નિયંત્રિત માળખા હેઠળ ભારતને પણ વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ વેચવા માટે તૈયાર છે. જોકે, ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને ખરીદી-વેચાણનું સંપૂર્ણ માળખું અમેરિકાના નિયંત્રણ હેઠળ જ રહેશે. વધુમાં ભારતને કેવી રીતે ક્રૂડ ઓઈલ વેચવામાં આવે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
ભારતીય કંપનીઓ વેનેઝુએલાનું ક્રૂડ પ્રોસેસ કરવા સક્ષમ
અમેરિકાના નિયંત્રણો પહેલાં ભારત વેનેઝુએલાના ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ગ્રાહક હતું. ભારતની રિફાઈનરીઓ પણ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરવા સક્ષમ છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા વેનેઝુએલાના ક્રૂડ ઓઈલને વૈશ્વિક બજારમાં વેચવા માટે મૂકે તો સંભવત: છૂટ પર મળી શકે છે. તેનાથી આ ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરવામાં સક્ષમ રિફાઈનરીઓનો આર્થિક લાભ વધશે. ભારતની એચપીસીએલ-મિત્તલ એનર્જી, નાયરા એનર્જી, ઈન્ડિયન ઓઈલ કોર્પ અને મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ ભૂતકાળમાં વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ખરીદી ચૂકી છે.
વેનેઝુએલા પાંચ કરોડ બેરલ ક્રૂડ અમેરિકાને સોંપવા તૈયાર : ટ્રમ્પ
દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર સંપૂર્ણપણે કબજો કરવાની તૈયારીના ભાગરૂપે વ્હાઈટ હાઉસમાં શુક્રવારે અમેરિકન ક્રૂડ ઓઈલ કંપનીઓની બેઠક બોલાવી હતી. ટ્રમ્પે અમેરિકન કંપનીઓને વેનેઝુએલાના વિશાળ પેટ્રોલિયમ ભંડારોનું તાત્કાલિક સંપૂર્ણપણે દોહન કરવાનો લાભ ઉઠાવવા માટે ૧૦૦ અબજ અમેરિકન ડોલરના રોકાણની હાકલ કરી હતી. ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર સંપૂર્ણ કબજાને અમેરિકા માટે નવી આર્થિક તક તરીકે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે ક્રૂડ કંપનીઓને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઓઈલ કંપનીઓ વેનેઝુએલા સાથે નહીં સીધી અમેરિકા સાથે જ સોદો કરી રહી છે. તેમને સંપૂર્ણ સુરક્ષા અપાશે.
અમેરિકન કંપનીઓ સરકારી નહીં પોતાના નાણાંનું રોકાણ કરશે
પ્રમુખ ટ્રમ્પે ઉમેર્યું કે, અમેરિકાની ક્રૂડ ઓઈલ કંપનીઓ પોતાનું રોકાણ વેનેઝુએલામાં કરશે, અમેરિકન સરકારનું નહીં. તેમને સરકારી નાણાંની કોઈ જરૂર નથી, પરંતુ તેમને સરકારી સંરક્ષણની જરૂર છે અને અમેરિકા પોતાના સૈનિકો વિના કંપનીઓને આ સંરક્ષણ આપશે. ટ્રમ્પ અગાઉ જ કહી ચૂક્યા છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર ત્રણથી પાંચ કરોડ બેરલ પ્રતિબંધિત ક્રૂડ ઓઈલ અમેરિકાને સોંપી દેશે. આ ક્રૂડ ઓઈલ બજાર ભાવ પર દુનિયાના દેશોને વેચવામાં આવશે અને તેની રકમ અમેરિકાના ખાતામાં જમા થશે.
વેનેઝુએલામાં બે વખત રોકાણ કર્યું, સંપત્તીઓ જપ્ત થઈ : એક્સોન મોબિલ
પ્રમુખ ટ્રમ્પે બોલાવેલી બેઠકમાં અમેરિકાની ટોચની ક્રૂડ ઓઈલ કંપનીઓ હાજર રહી હતી, જેમાં શેવરોન, એક્સોન મોબિલ અને કોનોકોફિલિપ્સ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ હતી. જોકે, ક્રૂડ કંપનીઓએ વેનેઝુએલામાં રોકાણ મુદ્દે ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અમેરિકાની સૌથી મોટી ક્રૂડ કંપની એક્સોન મોબિલ સહિતની કંપનીઓએ વેનેઝુએલામાં રોકાણ માટે ટ્રમ્પને સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એક્સોન મોબિલના સીઈઓ ડૈરેન વૂડ્સે કહ્યું કે, વેનેઝુએલામાં રોકાણ શક્ય નથી. વેનેઝુએલામાં વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાયદાકીય માળખાને જોઈએ તો અહીં રોકાણ શક્ય નથી. અમે અગાઉ બે વખત રોકાણ કર્યું હતું અને અમારી સંપત્તિઓ જપ્ત થઈ ગઈ હતી. વધુમાં વેનેઝુએલામાં હવે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.


