જેની કરી ટીકા હવે એની જ કરશે મેજબાની, આજે વ્હાઈટ હાઉસમાં ઝોહરાન મમદાનીને મળશે ટ્રમ્પ

Donald Trump News : અમેરિકાના રાજકારણ અને વિદેશ નીતિમાં એક સાથે બે મોટા ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. આજે, શુક્રવારના રોજ, ન્યૂયોર્ક શહેરના નવનિર્વાચિત મેયર ઝોહરાન મમદાની વ્હાઇટ હાઉસમાં પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પે ગુરુવારે કેટલાક ડેમોક્રેટ સાંસદોને 'દેશદ્રોહી' ગણાવીને તેમને મોતની સજા આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે અમેરિકા સમર્થિત શાંતિ પ્રસ્તાવ પર પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ટ્રમ્પ-મમદાનીની મુલાકાત: વિવાદ વચ્ચે રાજકીય સમીકરણો
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ન્યૂયોર્કના મેયર-ઇલેક્ટ મમદાની સાથેની મુલાકાતની જાહેરાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મમદાનીએ આ મુલાકાતની માંગણી કરી હતી. ટ્રમ્પે અગાઉ અનેકવાર મમદાની પર જાહેરમાં પ્રહારો કર્યા છે અને તેમની જીતને ન્યૂયોર્ક માટે 'વિનાશક' ગણાવી છે. ટ્રમ્પના સલાહકારોએ તો ચૂંટણીમાં હસ્તક્ષેપ કરીને મુખ્ય હરીફ, પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને સમર્થન આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ખાનગીમાં ટ્રમ્પ મમદાનીને 'પ્રતિભાશાળી રાજનેતા', 'ચતુર' અને 'ઉત્તમ વક્તા' ગણાવતા રહ્યા છે.
ન્યૂયોર્કના હિત માટે મમદાનીનો પ્રયાસ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ અને શહેરને મળતા ફેડરલ ભંડોળમાં કાપ મૂકવાની ધમકીઓના તીખા ટીકાકાર રહેલા મમદાનીએ મુલાકાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમની ટીમ ન્યૂયોર્કવાસીઓની ચિંતાઓ વિશે ટ્રમ્પ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમદાનીએ સ્પષ્ટ કર્યું છે કે, "હું ટ્રમ્પ સાથે મળીને એવા કોઈપણ એજન્ડા પર કામ કરીશ જેનાથી ન્યૂયોર્કવાસીઓને ફાયદો થાય. જો કોઈ એજન્ડા ન્યૂયોર્કવાસીઓને નુકસાન પહોંચાડશે, તો હું સૌથી પહેલા 'ના' કહેવાવાળો વ્યક્તિ બનીશ."

