મિડટર્મ ચૂંટણીમાં પરાજય બાદ કોઈ નેતાને બલિનો બકરો બનાવશે ટ્રમ્પ! ઈરાન યુદ્ધના કારણે ખુરશી ગુમાવવાનો ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pete Hegseth Impeachment News : અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથની મુશ્કેલીઓ વધી છે. ઈરાન સાથેનું લાંબું ખેંચાયેલું યુદ્ધ રિપબ્લિકન પાર્ટીની હારનું મોટું કારણ હોવાનું પક્ષના કેટલાક નેતાઓ માની રહ્યા છે. આ માટે તેઓ હેગસેથને જવાબદાર ઠેરવી રહ્યા છે. હવે ટ્રમ્પ તેમને મંત્રીમંડળમાંથી હટાવી શકે છે તેવી ચર્ચા છે. બીજી તરફ, ડેમોક્રેટ્સે તેમની સામે મહાભિયોગની કાર્યવાહી કરવાની તૈયારી પણ શરૂ કરી છે.
ઈરાન યુદ્ધને લઈને રિપબ્લિકન નેતાઓમાં નારાજગી
મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સે કોંગ્રેસ પર નિયંત્રણ મેળવ્યું છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ રિપબ્લિકન પાર્ટીમાં આત્મમંથન શરૂ થયું છે. પક્ષના કેટલાક નેતાઓનું માનવું છે કે ઈરાન સાથેનું યુદ્ધ અને તેના કારણે વધેલો જીવનનિર્વાહનો ખર્ચ મતદારોની નારાજગીનું મુખ્ય કારણ બન્યાં છે. રિપબ્લિકન નેતાઓનો આરોપ છે કે હેગસેથે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટે મનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુદ્ધ શરૂ કરતાં પહેલાં તેની બહાર નીકળવાની કોઈ સ્પષ્ટ યોજના કે રાજકીય પરિણામોનો સામનો કરવાની તૈયારી નહોતી. એક રિપબ્લિકન નેતાએ તો કહ્યું કે જો ટ્રમ્પ કોઈને આ હાર માટે જવાબદાર ઠેરવવા માગતા હોય તો હેગસેથ જવાબદાર છે. તેમના મતે, યુદ્ધના સમયગાળા, લક્ષ્યો અને ઉદ્દેશો અંગે હેગસેથનાં નિવેદનો પણ સવાલોના ઘેરામાં છે.
ટ્રમ્પ હેગસેથના વિકલ્પની શોધમાં?
ચૂંટણીમાં હાર બાદ હેગસેથને પદ પરથી હટાવવાના સવાલ પર ટ્રમ્પે તેમનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હેગસેથ ખૂબ સારું કામ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે પણ જણાવ્યું હતું કે ટ્રમ્પને સંરક્ષણ મંત્રી પર સંપૂર્ણ વિશ્વાસ છે. જોકે, CBSના અહેવાલ મુજબ ટ્રમ્પ પોતાના સલાહકારો સાથે હેગસેથને પદ પર ચાલુ રાખવા કે નહીં તે અંગે ચર્ચા કરી રહ્યા છે. NBCના અહેવાલમાં એવો વિકલ્પ પણ દર્શાવવામાં આવ્યો છે કે હેગસેથને ટેનેસીની સેનેટ બેઠક મળી શકે છે. આ ઉપરાંત ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસને સંરક્ષણ મંત્રીના સંભવિત વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.
હેગસેથ સામે મહાભિયોગની તૈયારી
ટ્રમ્પ હેગસેથને પદ પર રાખે તો પણ તેમની મુશ્કેલી ઓછી થવાની નથી. કેન્ટુકીના રિપબ્લિકન સાંસદ થોમસ મેસીએ તેમની સામે મહાભિયોગના આઠ આરોપો રજૂ કર્યા છે. તેમાં કોંગ્રેસની મંજૂરી વિના ઈરાન સામે યુદ્ધ ચલાવવાનો, વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બંધારણીય સત્તા વિના કરવાનો અને કેરેબિયન સમુદ્રમાં શંકાસ્પદ ડ્રગ તસ્કરોને ન્યાયિક મંજૂરી વિના મારવાનો આરોપ સામેલ છે. ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીઝે પણ હેગસેથને પદ પરથી હટાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. જોકે, મહાભિયોગ દ્વારા તેમને પદ પરથી દૂર કરવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કાર્યવાહી બાદ સેનેટમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી રહેશે. એટલે ડેમોક્રેટ્સને રિપબ્લિકન સાંસદોનું સમર્થન પણ મેળવવું પડશે. બીજી તરફ, હેગસેથે વ્હાઇટ હાઉસને જણાવ્યું છે કે તેઓ મહાભિયોગની કોઈ પણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પ તેમને પદ પરથી હટાવશે કે પછી હેગસેથ કોંગ્રેસમાં ડેમોક્રેટ્સના પડકારનો સામનો કરશે.




