ટ્રમ્પ ચીનના 6 લાખ વિદ્યાર્થીઓને અમેરિકામાં આવવા દેશે : અત્યારે 2,70,000 ચીની વિદ્યાર્થીઓ યુ.એસ.માં છે
- ટ્રમ્પ ભારત પર ગિન્નાયા છે : પાક. પછી ચીનને થાબડે છે
- હું ચીનની મુલાકાત લઉં તે પ્રમુખ શી જિનપિંગને પસંદ પડશે આ બહુ મહત્ત્વના સંબંધો છે : ચીનમાંથી પુષ્કળ પૈસા આપણને મળે છે
વોંશિંગ્ટન, (ડિ.સી.) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકા ચીનમાંથી ૬ લાખ વિદ્યાર્થીઓને આવવા દેશે. સાથે તેમ પણ કહ્યું કે, ટેરિફ અંગે ચાલતી મંત્રણા સમયે ચીનમાંથી આવતા વિદ્યાર્થીઓનો પ્રવાહ મહત્ત્વનો બની રહેશે. આ સાથે તેઓએ કહ્યું કે ચીન સાથે સારા સંબંધો રાખવા હું પ્રતિબંદ્ધ છું. તમે જાણો છો કે હું ચાયના જાઉં તે પ્રમુખ શી જિનપિંગને વધુ પસંદ પડશે. આપણને ટેરિફ દ્વારા ચીન પાસેથી ઘણા બધા પૈસા મળે છે. આ સંબંધો ઘણા મહત્ત્વના છે. તેથી આપણે ચીન સાથે સારા સંબંધો રાખવા જ જોઈએ. આપણા ચીન સાથેના આર્થિક સંબંધો બાયડેનના સમયમાં હતા, તે કરતાં ઘણા વધુ સારા બની રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રારંભે યુ.એસે. ૧૪૫ ટકા જેટલો આયાત-કર (ટેરિફ) ચીનના માલ ઉપર નાખ્યો હતો. તેની સામે ચીને ૧૨૬ ટકા ટેરિફ અમેરિકાના માલ ઉપર નાખ્યો. આ પછી જીનીવા મંત્રણા દરમિયાન (મે મહિનામાં) વધુ ટેક્ષ નહીં નાખવા બંને સહમત થયા હતા. ગત સપ્તાહે ચીની બનાવટના મેગ્નેટસ્ ઉપર ટ્રમ્પે ૨૦૦ ટકા ટેરિફ લાદ્યો હતો, અને કહ્યું કે, ''વૈશ્વિક બજારોમાં (તે અંગે) ચીને એકાધિકાર સ્થાપી દીધો છે. પરંતુ તેથી આપણને કોઈ મુશ્કેલી થાય તેમ નથી. ચીને મેગ્નેટસ્ અંગે એકાધિકાર સ્થાપી દીધો છે. પરંતુ આપણે એકાદ વ ર્ષમાં તેને પહોંચી વળીશું. ચીને બહુ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું છે.
ફોક્સ ન્યૂઝ એજન્સી જણાવે છે કે અત્યારે યુ.એસ.માં ૨,૭૦,૦૦૦ ચીની વિદ્યાર્થીઓ છે.
મૂળભૂત રીતે ચીનના કટ્ટર વિરોધી તેવા અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ તો ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની ગંભીર યોજના ઘડી હતી. ખાસ કરીને ચીનની સામ્યવાદી પાર્ટી સાથે એક યા બીજી રીતે સંકળાયેલા ચીની વિદ્યાર્થીઓને સંવેદનશીલ સંશોધનોથી દૂર રાખવા પણ કહ્યું હતું. પરંતુ ટ્રમ્પે તે નીતિમાં આમૂલ પરિવર્તન કરી નાખ્યું છે. જૂન મહિનામાં જે તેમણે પત્રકારોને કહ્યું હતું કે, હું ચીની વિદ્યાર્થીઓને આવકારવાની તરફેણમાં છું.
માર્કો-રૂબિયોથી તદ્દન વિરુદ્ધ કરાયેલાં ટ્રમ્પના આ વિધાનો અંગે કેટલાંક વિશ્લેષકો કહે છે કે એક સમયે (૧૭૫૬માં) મીર-જાફર પણ રોબર્ટ-કલાઈવને પરમ મિત્ર માનતા હતા. પછી કલાઈવે તેને જ ઠેકાણે પાડી દીધો. આવો ઘાટ ચીન-નીતિ અંગે ટ્રમ્પનો ઘડાઈ રહ્યો છે. તેવો ભારત ઉપર એટલા ગિન્નાયા છે કે પાકિસ્તાન પછી તેઓ ચીનને થાબડે છે. તેમણે રોબર્ટ કલાઈવનું જીવન ચરિત્ર વાંચવાની જરૂર છે.