Donald Trump on Iran : ઈરાનમાં ચાલી રહેલા સરકાર-વિરોધી પ્રદર્શનો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. જે ટ્રમ્પે તાજેતરમાં જ પ્રદર્શનકારીઓને "મદદ આવી રહી છે" તેવું આશ્વાસન આપ્યું હતું, તેમણે હવે ઈરાન વિરુદ્ધ કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવાના મુદ્દે નરમ વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનો આ નવો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે તહેરાન દ્વારા પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહી, જલ્દી સુનાવણી અને ફાંસીના સંકેત આપવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પે શું કહ્યું?
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે એક નવો દાવો કરતા કહ્યું, "અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે કે ઈરાનમાં હત્યાઓ અટકી રહી છે, અને ફાંસીની કોઈ યોજના નથી... મને આ જાણકારી વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી છે." જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટતા કરી ન હતી કે તેમને આ જાણકારી ક્યાંથી મળી. તેમણે વધુમાં ઉમેર્યું, "મને આશા છે કે આ સાચું હોય, કોણ જાણે છે?"
ટ્રમ્પના ગોળ ગોળ જવાબ...
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાની સરકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની યોજના નથી બનાવી રહ્યા, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું, "અમે તેને જોઈશું અને જોઈશું કે પ્રક્રિયા શું છે. પરંતુ જે લોકો જાણે છે કે શું થઈ રહ્યું છે તેમના દ્વારા અમને એક ખૂબ જ સારું નિવેદન આપવામાં આવ્યું છે."
ઈરાનમાં હકીકત અને અમેરિકાની તૈયારી
એક તરફ ટ્રમ્પ ફાંસી રોકાઈ હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે ઈરાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 2,586 લોકો માર્યા ગયા છે. ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યા છે કે વિરોધ પ્રદર્શનોમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદોને જલ્દી સુનાવણી અને ફાંસીનો સામનો કરવો પડશે. આ તણાવ વચ્ચે, કતારમાં આવેલા એક મહત્વપૂર્ણ અમેરિકી સૈન્ય મથકના કેટલાક કર્મચારીઓને બુધવાર સાંજ સુધીમાં જગ્યા ખાલી કરવાની સલાહ આપવામાં આવી હતી.
પ્રદર્શનો પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ: ઈરાન
ઈરાનની સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાનના પેરામિલિટ્રી રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર મોહમ્મદ પાકપુરે કોઈ પુરાવા આપ્યા વિના ફરી એકવાર આરોપ લગાવ્યો કે આ વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ છે. તેમણે કહ્યું કે આ બંને દેશો જ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના અસલી હત્યારા છે અને તેમને યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.


