US to Impose 25% Tariff on Iran Trade Partners : ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરતાં દેશો પર અમેરિકામાં 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે જાહેરાત કરી. જે બાદ હવે ઈરાન પર આર્થિક દબાણ હજુ વધશે. પહેલેથી જ ઈરાનની અર્થવ્યવસ્થા નબળી અવસ્થામાં છે. ટ્રમ્પે કહ્યું છે કે ટેરિફનો આ નિયમ તાત્કાલિક જ લાગુ થશે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે બિઝનેસ કરતાં દેશો પર અમેરિકા સાથે થતાં તમામ બિઝનેસ પર 25 ટકા ટેરિફ લાગશે. APના અહેવાલ અનુસાર હાલ ઈરાન સાથે ચીન, બ્રાઝિલ અને રશિયાના વેપારના સંબંધો છે. એવામાં આ દેશો પર ટ્રમ્પના નિર્ણયની અસર પડશે.
કેમ થઈ રહ્યા છે આંદોલન
નોંધનીય છે કે ઈરાનમાં નબળી અર્થવ્યવસ્થા મુદ્દે ઉગ્ર આંદોલન શરૂ થયા હતા. જે બાદ હવે લોકો સરકારને જ ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડરને પદથી હટાવી દેવાની માંગ થઈ રહી છે. એવામાં અમેરિકાએ ઈરાનના આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં અમેરિકાએ વારંવાર ઈરાન પર હુમલો કરવાની સીધી ધમકી પણ આપી છે.
ઈરાનમાં 600થી વધુના મોતનો દાવો
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોનો દાવો છે કે ઈરાનના આંદોલનોમાં 600થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 10 હજારથી વધુની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ ઈરાનની સરકાર દેખાવો કરી રહેલા લોકોને આતંકવાદી ગણાવી રહી છે. ઈરાનની સરકારનો દાવો છે કે દેશમાં થઈ રહેલા આંદોલન પાછળ વિદેશી શક્તિઑનો હાથ છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા કરી જવાબ આપવામાં આવશે.
અમેરિકાને ઈરાન પર કેમ હુમલો કરવો છે?
પરમાણુ બોમ્બના ભયનો અંત : ઈરાનની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી કરીને અમેરિકા લાંબાગાળા માટે સુરક્ષિત થઈ શકે
ઓઈલ અને ગેસ પર નિયંત્રણ : સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. ત્યાં અમેરિકાનો સીધો પ્રભાવ સ્થાપિત થઈ જાય.
નવા શાસનની સ્થાપના: અમેરિકા ઈચ્છે છે કે ઈરાનમાં એવી સરકાર રહે જે પશ્ચિમી દેશો સાથે મિત્રતા રાખે તથા રશિયા અને ચીનથી દૂર રહે.
અમેરિકા અને ઈરાનના સંબંધોની ટાઈમલાઈન
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ 'પર્શિયા'નું નામ બદલીને 'ઈરાન' રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી
તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ
વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે 'ઇસ્લામિક રિપબ્લિક' જાહેર કરવામાં આવ્યું
1979: અમેરિકાએ ઈરાન પર પ્રથમ વખત આકરા પ્રતિબંધો લગાવ્યા
1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
ઈરાન-ઈરાક યુદ્ધમાં અમેરિયકએ ઈરાકના સદ્દામ હુસૈનને સમર્થન આપ્યું, હથિયારો પણ આપ્યા
1988 : અમેરિકાની સેનાએ ભૂલથી ઈરાનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું, 290 લોકોના મોત થયા
1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ
ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
2002 : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાનને દુનિયા માટે જોખમી દેશ જાહેર કર્યો
2015 : અમેરિકાના પ્રમુખ ઓબામાના શાસનમાં ઈરાન સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાઈ. પરમાણુ કાર્યક્રમ રોકવાની શરતે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધ હટાવ્યા.
2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર ભંગ કર્યો. ઈરાન પર ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા
2020 : અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસેમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી
ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ છે ઈરાન સાથેના સંબંધ? ( ટાઈમલાઈન )
સ્વતંત્રતા પછી 1950માં ભારતે ઈરાન સાથે મૈત્રી કરાર કર્યા. 1970ના દાયકામાં ઈરાન અમેરિકાનું મિત્ર હતું, ભારતના રશિયા સાથે સારા સંબંધો હતા. છતાં ભારત અને ઈરાન વચ્ચે વેપાર ચાલુ હતો.
- 1974માં ઈન્દિરા ગાંધીના સમયમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો મજબૂત થયા. ભારતને ઓઈલનો સપ્લાય મળ્યો.
- 2001માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તે સમયે ભારત અને ઈરાને નક્કી કર્યું હતું કે બંને દેશો સાથે મળીને આતંકવાદ સામે લડશે અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારશે.
- 2012માં ડો. મનમોહન સિંહે તેહરાનની મુલાકાત લીધી અને અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે વેપાર ચાલુ રાખ્યો.
- 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનની ઐતિહાસિક મુલાકાત લીધી. ચાબહાર પોર્ટ વિકસાવવા માટે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરાર થયા.
- 2018માં તે સમયના ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારતની મુલાકાતે આવ્યા. ચબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતને સોંપાઈ.


