ટ્રમ્પે હમાસને ધમકાવ્યું- યુદ્ધવિરામ સ્વીકારો નહીંતર પરિસ્થિતિ અત્યંત કથળી જશે

- ગાઝામાં 60 દિવસનો યુદ્ધ વિરામ ઇઝરાયલે સ્વીકાર્યો
- મારા પ્રતિનિધિએ ઇઝરાયલ સાથે મંત્રણા કરી છે તેઓ 60 દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થયા છે : ત્યાં શાંતિ સ્થાપવામાં કતારીઓ અને ઇજીપ્શ્યન્સ પ્રયત્ન કરી રહ્યા છે
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું ઇઝરાયલે ગાઝામાં ૬૦ દિવસના યુદ્ધ વિરામની તમામ શર્તો સ્વીકારી છે. આ સાથે તેમણે આ શર્તો ફગાવી દેવા સામે હમાસને ચેતવણી આપતાં કહ્યું : તેથી ભલું થશે નહીં, વધારે ખરાબ થશે.
આ સાથે ટ્રમ્પે તેમ પણ કહ્યું કે કતાર અને ઇજીપ્તે સાથે મળીને શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, કરી પણ રહ્યા છે. તેઓ આખરી પ્રસ્તાવ પણ રજૂ કરશે. તેમાં યુદ્ધ વિરામ વિષે તો દરખાસ્ત હશે જ પરંતુ યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ મંત્રણાની પણ દરખાસ્ત હશે.
આ સાથે પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે મારા પ્રતિનિધિએ ગાઝા અંગે ઇઝરાયલના પ્રતિનિધિઓ સાથે લંબાણપૂર્વક અને ફળદાયી મંત્રણા કરી છે. ઇઝરાયલ જરૂરી તમામ શર્તો સાથે ૬૦ દિવસનો યુદ્ધ વિરામ કરવા સહમત થયું છે. આ દરમિયાન અમે દરેક પક્ષો સાથે આ યુદ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો કરતા રહીશું. મધ્ય પૂર્વના ભલા માટે હમાસે આ સૂચનો સ્વીકારી જ લેવાં જોઇએ. તો જ પરિસ્થિતિ સુધરી શકે તેમ છે. નહીં તો પરિસ્થિતિ અત્યંત ખરાબ બની રહેવા સંભવ છે. આ પ્રમાણે સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલના પ્લેટફોર્મ ઉપર લખ્યું. આ બાબતે તમોએ ધ્યાન આપ્યું તે માટે હું તમારો આભારી છું.








