- સોશિયલ મીડિયામાં ટ્રમ્પની ટીપ્પણીની ટીકા થઈ
- ગૃહમંત્રી ડગ બર્ગમની પત્ની કૈથરિન સાથે ઓવલ ઓફિસમાં અધિકારીઓની સામે જ ટ્રમ્પનું ફ્લર્ટિંગ
વૉશિંગ્ટન : વ્હાઈટ હાઉસમાં ડ્રગ્સ એડિક્શન સામે કેમ્પેઈન ચલાવવા માટે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી કરતી વખતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગૃહમંત્રી ડગ બર્ગમની પત્ની સાથે ફ્લર્ટિંગ કર્યું હતું.
ડ્રગ્સ એડિક્શન સામે ઝુંબેશ ચલાવવાનો એક કાર્યક્રમ વ્હાઈટ હાઉસમાં યોજાયો હતો. એમાં ડ્રગ્સ એડિક્શન સામે કેમ્પેઈન કરવા માટેના ઓર્ડર પર ટ્રમ્પે સહી કરી હતી. તે ઉપરાંત સૌએ પોત-પોતાનો અનુભવ શેર કર્યો હતો.
ડ્રગ્સ એડિક્શનના અનુભવો શેર કરવામાં ઈન્ટિરિયર સેક્રેટરી (ગૃહમંત્રી) ડગ બર્ગમની પત્ની કેથરિનનો પણ સમાવેશ થતો હતો.
કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ડગ બર્ગમ સહિતના મંત્રીઓ અને અધિકારીઓની હાજરીમાં જ ડગની પત્ની કેથરિન સાથે ફ્લર્ટિંગ કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે તમે ખૂબ સુંદર લાગી રહ્યાં છો. તમે બેહદ સુંદર છો એટલે જ મેં તમારા પતિને નોકરીએ રાખ્યા છે. મેં જ્યારે પહેલી વખત તમારો ઘોડેસવારી કરતા હોય એવો વીડિયો જોયો ત્યારે મને થયું કે આ કોણ છે? તમે એટલા સુંદર લાગતા હતા કે મને થયું આ અમેઝિંગ કપલ છે. એ પછી મેં તમારા પતિને મંત્રી બનાવી દીધા. કારણ કે જેની સાથે તમારા જેવી સુંદર વ્યક્તિ હોય એ બાબત ખુદ એક પ્રશંસા છે. ટ્રમ્પની આ ટીપ્પણી સામે સોશિયલ મીડિયામાં સવાલો ઉઠયા છે. લોકોએ તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મંત્રી બનાવવા માટેનો આ તર્ક બિલકુલ યોગ્ય નથી.


