Get The App

ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળી યુક્રેન યુદ્ધ અંગે નિર્ણય લેશે

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળી યુક્રેન યુદ્ધ અંગે નિર્ણય લેશે 1 - image

- પુતિન-ટ્રમ્પની મીટિંગની ફલશ્રુતિ : સંમત થવા માટે અસંમતિ

- યુરોપના નેતાઓ પણ અમેરિકી પ્રમુખ ટ્રમ્પને મળી તેમને સમજાવવા આજે બેઠકમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે જોડાશે 

- ટ્રમ્પ-ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ યુક્રેન પર રશિયાનું આક્રમણ રોકવા અમેરિકાની સુરક્ષા ખાતરી પર ચર્ચા કરશે

- સોમવારની બેઠક સફળ રહેશે તો શુક્રવારે ટ્રમ્પ-પુતિન-ઝેલેન્સ્કીની ત્રીપક્ષીય શિખર મંત્રણાની સંભાવના

- રશિયા મુદ્દે મહત્વની પ્રગતિ થઈ, અમારી સાથે જોડાયેલા રહો : ટ્રમ્પે રહસ્યમય પોસ્ટ કરી, વધુ વિગતો આપવાનું ટાળ્યુ

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદ સંભાળતા પહેલાં શેખી મારી હતી કે તેઓ પ્રમુખ બન્યાના ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દેશે, પરંતુ આઠ મહિના પછી પણ આ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. આ યુદ્ધ રોકવા માટે ટ્રમ્પે અલાસ્કામાં રશિયન પ્રમુખ સાથે ૧૫ ઑગસ્ટે યોજેલી બેઠકનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. હવે ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે બેઠક કરશે. ત્યાર પછી સંભવતઃ ૨૨ ઑગસ્ટે પુતિન અને ઝેલેન્સ્કી સાથે ત્રીપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે.

યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કી સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વોશિંગ્ટન ડીસીની ઓવલ ઓફિસમાં મળશે. આ સમયે યુરોપ અને નાટોના નેતાઓએ રવિવારે જાહેરાત કરી છે કે તેઓ પણ ઝેલેન્સ્કી સાથે વોશિંગ્ટનમાં પ્રમુખ ટ્રમ્પ સાથે બેઠકમાં જોડાશે. તેઓ યુક્રેનમાં રશિયાના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન સુરક્ષા ગેરેન્ટીની સંભાવનાઓ પર ચર્ચા કરશે.

યુરોપના નેતાઓમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર આ બેઠકમાં હાજરી આપશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીની અગાઉની બેઠકમાં થયેલી ઉગ્ર ચર્ચા અને યુક્રેનના પ્રમુખને અપમાનિત થઈને ઓવલ ઓફિસમાં રવાના કરાયા હોવાથી આ વખતે યુરોપના નેતાઓ આ ઘટનાનું પુનરાવર્તન થાય તેમ ઈચ્છતા નથી. તેમણે જાહેરાત કરી છે કે તેઓ ઝેલેન્સ્કી તરફથી ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે ચર્ચામાં જોડાશે.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, રશિયા મુદ્દે મહત્વની પ્રગતિ થઈ છે. અમારી સાથે જોડાયેલા રહેજો. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રકારની પોસ્ટ કરીને સસ્પેન્સ વધારી દીધું છે. જોકે, આ પોસ્ટમાં તેમણે વિગતવાર કશું જ કહ્યું નથી. બીજીબાજુ રશિયા માટેના અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે રવિવારે કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિન અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠકમાં સાડા ત્રણ વર્ષના યુદ્ધનો અંત લાવવાના ભાગરૂપે યુક્રેનને નાટોની નહીં પરંતુ નાટો જેવી સુરક્ષા ખાતરી આપવા માટે સંમત થયા છે. વીટકોફે કહ્યું કે, અમેરિકા યુક્રેનને આર્ટિકલ-૫ જેવી સુરક્ષા ખાતરી ઓફર કરી શકે છે, જે યુક્રેનના નાટોમાં જોડાવા માટેના વાસ્તવિક કારણોમાંની એક સુરક્ષા ખાતરી છે. પુતિન આ બાબતે સંમત થયા હોવાનું અમે સૌપ્રથમ વખત સાંભળી રહ્યા છીએ. 

આ પહેલાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને રશિય પ્રમુખ પુતિન વચ્ચે અલાસ્કામાં ૧૫ ઑગસ્ટે લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ તેમાં કોઈ સમજૂતી થઈ શકી નહોતી. પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને સોમવારે ઓવલ ઓફિસમાં બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.ઓવલ ઓફિસમાં ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક સફળ રહેશે તો ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રીપક્ષીય બેઠક ૨૨ ઓગસ્ટે યોજવામાં આવે તેવી શક્યતા છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ મુજબ પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે યુરોપના નેતાઓ સાથે ફોન પર શાંતિ સમજૂતી માટે એક દરખાસ્ત કરી છે, જે મુજબ યુક્રેન ડોનબાસ પ્રાંત રશિયાને સોંપી દે તો યુક્રેનના બાકીના વિસ્તારોમાં યુદ્ધવિરામ થઈ શકે અને યુક્રેન તથા યુરોપ બંને માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવે.

પુતિનની હિલચાલ પર રશિયન સિક્યોરિટીનું નિયંત્રણ  

ટ્રમ્પ-પુતિનની મીટિંગ ગન સામે ગન, સૈનિક સામે સૈનિક વચ્ચે થઈ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એસયુવી કાફલો કાર્ગો વિમાનો દ્વારા પહોંચાડાયો હતો

અલાસ્કા: અલાસ્કાના સૌથી મોટાં લશ્કરી થાણાં જોઇન્ટ બેઝ એલમેન્ડ્રોફ રિચાર્ડસન ખાતે યોજાઇ રહેલી ટ્રમ્પ-પુતિન વચ્ચેની બેઠક માટે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. બંને દેશોની સુરક્ષા એજન્સીઓએ તેમના નેતાઓની સુરક્ષામાં કોઇ કચાશ રાખી નહોતી. બંને દેશોએ ગન સામે ગન અને સૈનિક સામે સૈનિક ગોઠવી સુરક્ષા સંતુલન સાધ્યું હતું.

બંને દેશોના નેતાઓની સુરક્ષા સંભાળતી એજન્સીઓએ ટ્રમ્પ અને પુતિનની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરી હતી. પુતિનની આંતરિક હિલચાલ પર રશિયન સુરક્ષા એજન્સીએ નિયંત્રણ રાખ્યું હતું. બીજીબાજુ સિક્રેટ સર્વિસે બાહ્ય સુરક્ષા જાળવી હતી. અગાઉથી લેવાયેલા નિર્ણય મુજબ બંને સુરક્ષા એજન્સીઓમાંથી કોઇ એકમેકની હદમાં ગયા નહોતા તથા એકમેકના વાહનમાં પણ બેઠા નહોતા. ગન સામે ગન અને સૈનિક સામે સૈનિકની વ્યવસ્થાના ભાગરૂપે મિટિંગરૂમની બહાર તૈનાત રશિયન અને અમેરિકન સૈનિકોની સંખ્યા એક સમાન હતી.

આ  બેઠક અમેરિકાની ધરતી પર યોજાઇ હોવાથી અમેરિકન સિક્રેટ સર્વિસને તેમનો સરંજામ લાવવા-લઈ જવામાં સરળતા રહી હતી. જો કે, મિટિંગ એક હોટલના રૂમ પૂરતી મર્યાદિત હોઇ વાહનો તથા અન્ય સરંજામને વિમાન દ્વારા બેઠક સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના એસયુવી કાફલાને કાર્ગો વિમાનો દ્વારા અલાસ્કા પહોંચાડવામાં આવ્યો હતો.