World

ટ્રમ્પ પુતિનને આગામી સપ્તાહે મળવાના છે, યુક્રેન અંગે ચર્ચા કરશે : વ્હાઈટ હાઉસ પ્રવક્તા

By GS TEAM
7 Aug 20252 mins read
ટ્રમ્પ પુતિનને આગામી સપ્તાહે મળવાના છે, યુક્રેન અંગે ચર્ચા કરશે : વ્હાઈટ હાઉસ પ્રવક્તા

- વ્લાદીમીર પુતિન વોલોદીમીર ઝેલેન્સ્કીને મળશે ?

- અમેરિકા અને રશિયાના પ્રમુખો વચ્ચે 2021 પછી આ પહેલી રૂબરૂ મુલાકાત હશે : 2021માં જો બાયડેન પુતિનને મળ્યા હતા

વૉશિંગ્ટન : ૨૦૨૨થી શરૂ થયેલાં યુક્રેન યુદ્ધનો અંત લાવવાની ગણતરી સાથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આગામી સપ્તાહે મળવાના છે. આ માહિતી આપતાં વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) જણાવ્યું હતું કે જો તેઓ બંને રૂબરૂમાં મળશે તો ૨૦૨૧ પછી બંને દેશોના પ્રમુખો વચ્ચે તે પહેલી મીટીંગ બની રહેશે. તે સમેય પ્રમુખ જો બાયડેન પ્રમુખ પુતિનને જીનીવામાં મળ્યા હતા.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રશિયન્સે જ પ્રમુખ ટ્રમ્પને મળવાની ઇચ્છા દર્શાવી હતી, અને પ્રમુખ ટ્રમ્પે પુતિન તેમજ ઝેલેન્સ્કી બંનેને મળવાની ઇચ્છા દર્શાવી હતી.

જો કે હજી ક્રેમ્લીન તરફથી તે વિષે કોઈ પ્રતિભાવ મળ્યો નથી. બીજી તરફ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન વચ્ચેની મંત્રણા અંગે વધુ પડતો આશાવાદ ધરાવવાની જરૂર નથી. કારણ કે હજી ઘણું ઘણું કરવાનું બાકી છે.

તેવામાં એક આશ્ચર્યજનક હવાએ જોર પકડયું છે કે કદાચ પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પણ મંત્રણા યોજાવાની શક્યતા છે. પુતિન અને ઝેલેન્સ્કી છેલ્લા ૨૦૧૯માં મળ્યા હતા.

જાન્યુઆરીમાં સત્તા ગ્રહણ કર્યા પછી ટ્રમ્પે યુક્રેન યુદ્ધ પૂરૃં કરવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેઓ ઝેલેન્સ્કીને તો ઘણીવાર મળ્યા છે. પરંતુ પુતિનને પહેલી જ વાર મળશે.

બીજી તરફ રશિયન ઓઇલ અને શસ્ત્રો ખરીદનારા ભારત સહિતના તમામ દેશો ઉપર ભારે ટેરિફ પણ ટ્રમ્પે લાદી દીધો છે.