ઈરાન પર સીધો હુમલો કરવો કે નહીં ? તે માટે ટ્રમ્પ બે સપ્તાહમાં નિર્ણય લેશે
- 'મહાયુદ્ધ ઝળુંબી રહ્યું છે' જાગતા રહેજો
- આ પૂર્વે ગુરૂવારે ઈઝરાયેલી સંરક્ષણ મંત્રીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામૈનીને ખુલ્લી ધમકી આપી દીધી છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જણાવી દીધું હતું કે, ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સીધી રીતે સંડોવાવું કે કેમ ? અને અમેરિકી સેના પણ તેમાં મોકલવી કે કેમ તે વિષે બે સપ્તાહમાં નિર્ણય લેશે.
આ સાથે તેઓ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા કરવા પૂરતો સમય આપવાની પણ જાહેરાત કરી દીધી હતી. દરમિયાન ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે સાતમાં સપ્તાહમાં પ્રવેશી ગયું છે.
વ્હાઈટ-હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટેએ આ સંબંધી પ્રમુખ ટ્રમ્પનું નિવેદન પત્રકારોને વાંચી સંભળાવ્યું હતું. આ પૂર્વે ગુરૂવારે સવારે જ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ઈરાનના મિસાઇલ હુમલા પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીને ખુલ્લી ધમકી આપી દીધી હતી કારણ કે તે મિસાઇલ્સ દક્ષિણ ઈઝરાયલમાં રહેલી એક હોસ્પિટલ ઉપર પડયાં હતાં તેમજ તેલ-અવીવનાં પરા વિસ્તારમાં રહેલા રહેણાંકના મકાનો પર પડયા હતા. જેથી ૨૪૦ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી.
ઈઝરાયલી સંરક્ષણમંત્રી ઈઝરાયલ કાતીરે કહ્યું હતું કે, ઈઝરાયલી સેનાને સમજાવી દેવામાં આવ્યું છે કે આ માણસ (ખામેની)નું અસ્તિત્વ જ ન હોવું જોઈએ.
ઈઝરાયલી હોસ્પિટલ પર થયેલા હુમલાને લીધે ઈજા પામેલાઓને સલામત જણાતા સ્થળોએ લઈ જવામાં આવ્યાં તો બીજી તરફ ઈઝરાયલી યુદ્ધ વિમાનોએ ઈરાનના પરમાણુ મથકો ઉપર પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી.
આ હોસ્પિટલના તૂટેલા ભાગના ઢેફાંઓ વચ્ચે ઉભા રહી ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ કહ્યું બીર શાબા સ્થિત આ હોસ્પિટલના લગભગ ખંડેર વચ્ચે ઉભા રહી અમેરિકાની પ્રશંસા કરતા તેઓએ કહ્યું કે, 'તેઓ (યુ.એસ) આપણને પહેલેથી જ સહાય કરી રહ્યાં છે.'
દરમિયાન શાંતિ મંત્રણા માટે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અટગાયી આજે (શુક્રવારે) જીનીવા પહોંચવા તૈયારી કરી રહ્યાં છે જ્યાં તેઓ યુ.કે., ફ્રાંસ અને જર્મનીના વિદેશ મંત્રીઓને મળવાના છે. આમ છતાં આ મંત્રણાની સફળતા અંગે વિશ્લેષકો શંકા સેવે છે. તેઓ કહે છે મહાયુદ્ધ ઝળુંબી રહ્યું છે. જાગતા રહેજો (સાવચેત રહેજો).