- વેનેઝૂએલા પછી હવે ઇરાનના 290 વર્ષ ચાલે તેટલા ક્રૂડ ઓઇલ પર અમેરિકાનો ડોળો
- ટ્રમ્પે જમીન આક્રમણ કરવાનું મન બનાવી લીધાની પ્રબળ સંભાવના : મધ્યપૂર્વમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 50 હજારને પાર
વોશિંગ્ટન : અમેરિકનપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઇરાનનું ઓઇલ લેવા માંગે છે, ટીકાકારોને જે કહેવું હોય તે કહે પરંતુ હું ઇરાનનું ઓઇલ લઈને જ રહીશ. ટ્રમ્પે એક અખબારને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઘણા લોકો કહી રહ્યા છે કે આ યુદ્ધમાં અમેરિકાનું શું કામ છે, હું કહીશ કે આવો સવાલ ઉઠાવનારાઓ મૂર્ખા છે. આ માટે તે જરૂર પડે તો ખાર્ગ આઇલેન્ડ પર કબ્જે જમાવવા પણ તૈયાર છે.
ખાર્ગ ટાપુ એવું સ્થળ છે જ્યાંથી ઇરાન તેની મોટાભાગની ઓઇલ નિકાસ કરે છે.આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પે અગાઉ છેક ૧૯૮૮માં આ ટાપુ કબ્જે કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખાર્ગ ટાપુ પર કબ્જો જમાવવા જતાં અમેરિકન સૈનિકોની જાનહાનિમાં વધારો થઈ શકે છે. જો કે ટ્રમ્પ અમેરિકન સૈનિકોની જાનહાનિ અંગે ખાસ ચિંતિત લાગ્યા નહીં. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું હવે પછી શું કરવું તેની ચર્ચા કરી રહ્યો છું. તેમણે સ્વીકાર્યુ હતું કે આ ટાપુ કબ્જે કરવા માટે અગાઉ જેટલું ધાર્યુ હતુ તેના કરતાં વધુ પ્રમાણમાં લશ્કરી દળની જરૂર પડશે.
અમે ખાર્ગ ટાપુ કબ્જે કરી શકીએ: ટ્રમ્પ
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ખાર્ગ ટાપુ કબ્જે પણ કરી શકીએ. અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. તેમણે ઉમેર્યુ હતું કે મને લાગતું નથી કે તેમની કોઈ સંરક્ષણ હરોળ બચી હોય. અમે આ બધુ સરળતાથી કરી શકીએ છીએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે પહેલા જેની સાથે વાત કરતાં હતા તેની તુલનાએ અત્યારે જેની સાથે વાત કરી રહ્યા છીએ તે અલગ લોકો છે અને એકદમ પ્રોફેશનલ છે. તેમની સાથેની શાંતિ મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને આગામી સમયમાં ડીલ થઈ શકે છે.
શાંતિની વાતો કરતાં ટ્રમ્પ લશ્કરી દળોની સંખ્યા વધારે જ છે
આશ્ચર્યની વાત એ છે કે ઇરાન સાથે શાંતિની વાતો કરતાં ટ્રમ્પ મધ્યપૂર્વમાં અમેરિકન લશ્કરી દળોની સંખ્યા વધારે જાય છે. હાલમાં આ આંકડો ૫૦ હજારને વટાવી ગયો છે, તેમા ૮૨મી એરબોર્ન ડિવિઝનના બે હજાર જેટલા લશ્કરી કર્મચારીઓ સામેલ છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાન જો હોર્મુઝ નહીં ખોલે તો અમારા પર ત્રાટક્યા સિવાય યુદ્ધ કરવાનો બીજો વિકલ્પ જ નહીં રેહે.
હોર્મુઝ માર્ગ ખોલવો મોટો પડકાર
હોર્મુઝ ખાડીમાંથી વિશ્વનો ૨૦ ટકા ઓઇલ જથ્થો પસાર થાય છે. ઇરાનના લશ્કરના હુમલાના લીધે આ ખાડી મહદ અંશે ભંધ થઈ ગઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ રસ્તાને ફરીથી સુનિશ્ચિત કરવા કોઈપણ દ્વીપ કે જમીનના હિસ્સાને કબ્જે કરવાનો પ્રયત્ન કરી શકે છે.
ઇરાન પાસે ૨૯૦ વર્ષ ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો
ઇરાન પાસે વિશ્વમાં કુલ ક્રૂડ ઓઇલનો ૧૨ ટકા જથ્થો હોવાનું મનાય છે. જો તેના ક્રૂડ ઓઇલના જથ્થાની નિકાસ ન કરે અને પોતે જ ઉપયોગ કરે તો આ જથ્થો તેને ૨૯૦ વર્ષ સુધી ચાલી શકે તેમ છે. તેથી આ જથ્થો જોઈને જ ટ્રમ્પની દાઢ સળકી હોવાનું માનવામાં આવે છે.
દિલ્હી આવવા માટે ઉભેલા પ્લેનને ઉડાવાયું
અમેરિકાએ ઇરાનના મશહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને ભયંકર નુકસાન ગયું છે. આ અંગે જાણકારી મળી છે કે એરપોર્ટ પર એક વિમાન ઊભુ હતુ. ઇરાનના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વિમાન દિલ્હી જવાનુ હતુ, તે યુદ્ધ પીડિતો માટે ૧૧ ટનથી પણ વધુ માનવીય સહાય લઈને પરત આવવાનું હતું. જો કે આ પ્લેન દિલ્હી પહોંચી ન શક્યુ અને એરપોર્ટ પર જ હુમલાનો શિકાર થયુ.
મધ્યપૂર્વના યુદ્ધમાં આઠ ભારતીયોના મોત
મધ્યપૂર્ના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૮ ભારતીયોના મોત નીપજી ચૂક્યા છે. તાજેતરમાં વધુ એક ભારતીયે જીવ ગુમાવતા મૃતકોની સંખ્યા આઠ પર પહોંચી છે. કુવૈતમાં એક ભારતીય કામદારનો જીવ ઇરાનના ડ્રોન હુમલામાં ગયો હતો. આ પહેલા યુએઈના અબુધાબીમાં એક ભારતીયે જીવ ગુમાવ્યો હતો.
મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં નવી ચિંતા
ઇરાન યુદ્ધના કારણે ઉર્જા પછી ડેટા કટોકટીની પણ સંભાવના
હુથીઓએ આપેલી ધમકીનું પાલન કર્યુ તો વિશ્વમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ છવાઈ શકે
તહેરાન : ઇરાન યુદ્ધના કારણે આખુ વિશ્વ હાલમાં ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યુ છે. હવે તેમા વધુ એક કટોકટી ડેટા ક્રાઇસીસનો પણ ઉમેરો થઈ શકે છે.આમ ઇરાન યુદ્ધ ફક્ત ઉર્જા સંકટ સુધી જ મર્યાદિત ન રહેતાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધી પહોંચી ગયું છે.
આ યુદ્ધ અંગે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો યુદ્ધ ચાલતુ રહ્યું તો રેડ સીમાં ઉપલબ્ધ ઇન્ટરનેટ ફાઇબર કેબલ્સને નુકસાન પહોંચાડી શકાય છે. ઇરાને ભલે આવી કોઈ ધમકી આપી ન હોય, પરંતુ તેનું પ્રોક્સી સંગઠન હુથી ઘણી વખત આ પ્રકારની ધમકી આપી ચૂક્યું છે.
કેટલાય નિષ્ણાતો કેબલ્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચવાનો મામલો ગયા વર્ષે જ સામે આવ્યો હતો, જ્યારે એક વ્યાપારી જહાજના એન્કરના લીધે સમુદ્રમાં બીછાવાયેલા કેબલને નુકસાન પહોંચ્યું હતું. તે સમયે પશ્ચિમ અને દક્ષિણ એશિયામાં ઘણી બધી સેવાઓ પર અસર થઈ હતી. ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં બેન્કિંગ-ડિજિટલ સેવા પર અસર પાડી શકે છે. હોર્મુઝ અને રેડ સી બંનેમાં સમુદ્રના તળિયા કેબલોની જાળ બિછાવવામાં આવેલી છે. ઇરાને માઇન્સ તો ગોઠવ્યા જ છે. આ સંજોગોમાં જો ત્યાં હુમલા થયાં તો વિશ્વભરમાં ઇન્ટરનેટને બ્રેક વાગી શકે છે.


