પૂરમાં 119ના મૃત્યુ પર અભિનેત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, અકળાયેલા ટ્રમ્પે નાગરિકતા રદ કરવાની આપી ધમકી
Images Sourse: FB |
Donald Trump VS Rosie O'donnell: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (12મી જુલાઈ) ટોક શો હોસ્ટ અને અભિનેત્રી રોઝી ઓ'ડોનેલને અમેરિકન નાગરિકતા છીનવી લેવાની ધમકી આપી હતી. કારણ કે, તેમણે ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં 119 લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ સરકારની નીતિઓની નિંદા કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'રોઝી ઓ'ડોનેલ અમારા દેશના (અમેરિકા) હિતમાં નથી, તેથી હું તેમની નાગરિકતા રદ કરવાનું વિચારી રહ્યો છું. તે માનવતા માટે ખતરો છે અને જો આયર્લેન્ડ તેમને રાખવા માંગે છે તો તેને ત્યાં રહેવા દો. ગોડ બ્લેસ અમેરિકા!'
અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આપદામાં 119 લોકો મૃત્યુ નીપજ્યાં હતા. આ ઉપરાંત તેમણે પર્યાવરણની જાળવણી અને આપદા અંગેની આગાહી સંબંધિત સરકારી એજન્સીઓને ફંડમાં કાપ મુકવાને લઈને ટ્રમ્પ સરકારની નિંદા કરી હતી.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો સ્ટે
ટેક્સાસમાં જળપ્રલયને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પૂર અમેરિકાના સ્વતંત્રતા દિવસની સવારે આવ્યું હતું અને તેમાં ઘણા બાળકો સહિત 120થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ડોન શુક્રવારે (11મી જુલાઈ) ટેક્સાસની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, 'અમારી એજન્સીઓએ આ પરિસ્થિતિઓમાં કામ કર્યું છે.'
શું અભિનેત્રી રોઝી ઓ'ડોનેલની નાગરિકતા રદ થઈ શકે છે?
અમેરિકાના કાયદા અનુસાર, અમેરિકન નાગરિકની નાગરિકતા પ્રમુખ રદ કરી શકે નહીં. અભિનેત્રી રોઝી ઓ'ડોનેલનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, જો કે વર્ષ 2025માં 12 વર્ષના પુત્ર સાથે તે આયર્લેન્ડમાં સ્થાયી થઈ હતી. તેમણે અમેરિકામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બંને વચ્ચે અગાઉ પણ વિવાદો થયા હતા
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને રોઝી ઓ'ડોનેલ વચ્ચેનો વિવાદ નવો નથી. આ વિવાદ વર્ષ 2006માં શરૂ થયો હતો જ્યારે ઓ'ડોનેલે એક ટીવી શો 'ધ વ્યૂ' માં મિસ અમેરિકા કોમ્પિટિશન સંબંધિત એક વિવાદાસ્પદ ઘટનામાં ટ્રમ્પના વલણની મજાક ઉડાવી હતી.