World

ટ્રમ્પની શિકાગોમાં ઈમિગ્રેશન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની ધમકી

By GS TEAM
8 Sep 20252 mins read
ટ્રમ્પની શિકાગોમાં ઈમિગ્રેશન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની ધમકી

વધુ એક ડેમોક્રેટિક શહેર પર પ્રમુખની કરડી નજર

પેરોડી પોસ્ટથી પ્રમુખની નિયત વિશે ભારે વિવાદ, ગવર્નરનો ટ્રમ્પ પર રાજ્યને યુદ્ધની ધમકી આપવાનો આરોપ 

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એપોકૈલિપ્સ નાવની એક પેરોડી તસવીર પોસ્ટ કરીને તણાવ સર્જી દીધો. તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું હતું, મને સવાર-સવારની દેશનિકાલની ગંધ ખૂબ જ પસંદ છે, અને સાથે જ શિકાગોમાં નેશનલ ગાર્ડના જવાનો અને ઈમિગ્રેશન એજન્ટો મોકલવાની ધમકી પણ આપી. ચિપોકૈલિપ્સ નાવ શીર્ષકવાળી આ પોસ્ટમાં ટ્રમ્પને શિકાગોની ક્ષિતિજ પર એક સૈન્ય ટોપી પહેરેલા દેખાડાયા હતા, જે ૧૯૭૯ના વિયેતનામ યુદ્ધ પર બનેલી ફિલ્મમાં રોબર્ટ ડુવૈલના યુદ્ધ પ્રેમી પાત્રની યાદ અપાવતી હતી.

ઈલિનોઈસના ગવર્નર જેબી પ્રિત્જકરે આ પોસ્ટની આકરી ટીકા કરી અને ટ્રમ્પને તાનાશાહ બનવાની ઈચ્છા ધરાવનાર તરીકે ગણાવ્યા તેમજ ચેતવણી આપી કે પ્રમુખ એક અમેરિકી શહેર સામે યુદ્ધ કરવાની ધમકી આપી રહ્યા છે. પ્રિત્જકરે પ્રશાસન સામે કાનૂની કાર્યવાહીનું વચન આપ્યું અને ભારપૂર્વક જણાવ્યું કે ઈલિનોઈસને કોઈ ડરાવી નહિ શકે.

આ વિવાદ ટ્રમ્પ દ્વારા રક્ષા વિભાગનું નામ બદલીને યુદ્ધ વિભાગ કરવાના પ્રસ્તાવના આદેશ આપ્યાના એક દિવસ પછી શરૂ થયો છે. જો કે આ પ્રસ્તાવ માટે હજી કોંગ્રેસની મંજૂરી મેળવવાની બાકી છે. આલોચકોનો તર્ક છે કે આ પગલું તેમની લડાયક વૃત્તિ દર્શાવે છે જેનાથી નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાના તેમના અભિયાન સહિત શાંતિદૂતના રૂપમાં માન્યતા મેળવવાના તેમના પ્રયાસો નબળા પડશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વારંવાર ડેમોક્રેટિક પ્રભાવવાળા શહેરોને લક્ષ્યાંક બનાવ્યા છે. લોસ એન્જલસ અને વોશિંગ્ટનમાં તો ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી તેમજ સૈનિકોની તૈનાતી અગાઉ જોવા મળી છે. તેમણે બાલ્ટીમોર, ન્યુ ઓરલિયન્સ તેમજ પોર્ટલેન્ડ, ઔરેગનમાં પણ આવી જ કાર્યવાહીની વાત કરી છે, જ્યાં તેમણે સંકેત આપ્યો છે કે ફેડરલ અધિકારીઓ પ્રદર્શનકારીઓનો સફાયો કરી શકે છે.

જો કે શિકાગો ઓપરેશન વિશે વિશિષ્ટ જાણકારી હજી સ્પષ્ટ નથી થઈ, પણ આ ટિપ્પણીઓએ વ્યાપક વિરોધ જન્માવ્યો છે. રાજ્ય અને શહેરના અધિકારીઓનો તર્ક છેકે આવા પ્રમાણે તૈનાતી ફેડરલ અતિક્રમણનો સંકેત છે અને નાગરિક સ્થાનો પર સૈન્યીકરણનું જોખમ ઊભુ કરે છે. 

દરમ્યાન ટ્રમ્પે પોતાની પાસે લગભગ અસીમિત અધિકાર હોવાનો દાવો કરીને કહ્યું છે કે મને આપણા દેશ સામે અથવા આ શહેરો સામે જોખમ જણાશે તો હું આવું પણ કરી શકું છું.