- ટ્રમ્પના પીસ બોર્ડમાં જોડાવા ફ્રાન્સનો ધરાર ઈનકાર
- ઈમેન્યુઅલ મૈક્રોંનું પ્રમુખપદ ટૂંક સમયમાં જતું રહેવાનું છે, ફ્રાન્સ પર જંગી ટેરિફ નાંખીશ એટલે તુરંત જોડાઈ જશે : ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં શાંતિની સ્થાપના માટે રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિકલ્પ તરીકે નવા વૈશ્વિક સંગઠન 'પીસ બોર્ડ'ની રચનાની કવાયત કરી રહ્યા છે ત્યારે ફ્રાન્સે આ બોર્ડમાં નહીં જોડાવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. બીજીબાજુ કેનેડાએ 'પીસ બોર્ડ'ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ તેના કાયમી સભ્ય બનવા ૧ અબજ ડોલરની ફી ચૂકવવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના ઈનકારથી ધૂંધવાયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સ પર ૨૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પીસ બોર્ડમાં જોડાવા માટે રશિયા, ભારત, પાકિસ્તાન, કેનેડા, ચીન સહિત ૬૦થી વધુ દેશોને આમંત્રણ આપ્યું છે. જોકે, ફ્રાન્સ અને કેનેડાએ આ સંગઠનના સ્થાયી સભ્ય બનવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ બોર્ડમાં સામેલ નહીં થાય. કેનેડાએ પણ આ બોર્ડમાં સભ્ય બનવા ફી ચૂકવવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના નજીકના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે તેઓ ટ્રમ્પના પીસ બોર્ડમાં જોડાવાનો ઈરાદો નથી ધરાવતા આ બોર્ડ મૂળભૂતરૂપે યુદ્ધગ્રસ્ત ગાઝાના પુનર્નિર્માણની દેખરેખ માટે બનાવાયું છે, પરંતુ ચાર્ટરમાં તેની ભૂમિકાને કબજાવાળા પેલેસ્ટાઈન ક્ષેત્ર સુધી મર્યાદિત નથી રખાયું, જે ચિંતાજનક બાબત છે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષપદે બનનારું આ બોર્ડ કેવી રીતે કામ કરશે તે પણ સ્પષ્ટ કરાયું નથી.
ફ્રાન્સની સાથે કેનેડાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સ્થાયી સભ્ય તરીકે પીસ બોર્ડમાં જોડાવા માટે ફી ભરશે નહીં અને કેનેડાને હાલ આ ફી ભરવા કહેવાયું પણ નથી. જોકે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સંકેત આપ્યા કે તેઓ આ બોર્ડમાં સામેલ થવાનું નિમંત્રણ સ્વીકારી શકે છે.
ફ્રાન્સ પીસ બોર્ડમાં સામેલ નથી થવાનું તેવા અહેવાલો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, શું ખરેખર તેમણે એવું કહ્યું? જોકે, કોઈપણ તેમને ઈચ્છતું નથી, કારણ કે તેઓ ટૂંક સમયમાં જ પ્રમુખપદેથી દૂર થઈ જવાના છે. ટ્રમ્પે ફરીથી ધમકી આપતા કહ્યું કે, ટેરિફ મૈક્રોનું મન બદલી દેશે. ભલે બોર્ડમાં જોડાવું ફરજિયાત નથી. પરંતુ હું તેમની વાઈન અને શેમ્પેન પર ૨૦૦ ટકા ટેરિફ નાંખી દઈશ અને તેઓ બોર્ડમાં સામેલ થઈ જશે. જોકે, તેમનું બોર્ડમાં જોડાવું જરૂરી નથી.
ટ્રમ્પે પીસ બોર્ડની રચના માટે દુનિયાના દેશોને આમંત્રણ મોકલ્યા પછી ફ્રાન્સ અને કેનેડા પહેલા એવા દેશો છે, જેમણે સ્પષ્ટરૂપે તેમાં જોડાવાનો ઈનકાર કર્યો છે. આ સિવાય ભારત, રશિયા, બ્રિટન, યુરોપના દેશોએ આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. તેઓ વિચારણા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. આવા સમયે ફ્રાન્સ અને કેનેડાનો ઈનકાર ટ્રમ્પના ડ્રીમ સંગઠન 'પીસ બોર્ડ'ની રચના માટે મોટા ફટકા સમાન માનવામાં આવે છે.
ચીને મંગળવારે સ્વીકાર્યું કે તેને પણ પીસ બોર્ડ ઓફ ગાઝામાં જોડાવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આમંત્રણ મળ્યું છે પરંતુ તેમણે આ બોર્ડમાં જોડાવા મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીનના વિદેશ પ્રવક્તા ગુઓ જિઆકુને આ આમંત્રણ કોને સંબોધીને અપાયું છે અને ચીન બોર્ડમાં જોડાશે કે કેમ તે અંગે કશું પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.
પીસ બોર્ડમાં જોડાવા મુદ્દે દુનિયાના નેતાઓ અવઢવમાં
ટ્રમ્પનું પીસ બોર્ડ કાશ્મીરમાં પણ માથું મારે તેવી આશંકા
- મોરોક્કો, આર્જેન્ટિના, કઝાકિસ્તાન, વિયેતનામ, હંગેરી પીસ બોર્ડમાં જોડાયા : ભારત સમીક્ષા કરશે
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નવું સંગઠન 'પીસ બોર્ડ' બનાવી રહ્યા છે, જેમાં જોડાવા માટે કેટલાક દેશો તૈયાર થઇ ગયા છે જ્યારે ભારત સહિત અનેક દેશો હજુ પણ આ મુદ્દે અવઢવમાં છે અને તેમણે ટ્રમ્પને કોઈ સ્પષ્ટ સંદેશ આપ્યો નથી. આવા સમયે કેટલાક નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે ટ્રમ્પના પીસ બોર્ડનું માળખું અને કાર્યક્ષેત્ર નિશ્ચિત નથી ત્યારે ગાઝા વિવાદ પછી તે કાશ્મીર મુદ્દે પણ માથું મારે તેવી આશંકા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ પછી ગાઝાની પુન:રચના માટે 'ગાઝા પીસ બોર્ડ'ની જાહેરાત કરી હતી. જોકે, હવે ટ્રમ્પ નવું 'પીસ બોર્ડ' સંગઠન બનાવી સંયુક્ત રાષ્ટ્ર સંઘનો વિકલ્પ ઊભો કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ટ્રમ્પે 'પીસ બોર્ડ'નું જે ચાર્ટર જાહેર કર્યું છે તેમાં ગાઝાનો કોઈ ઉલ્લેખ નથી. ઉપરાંત આ પીસ બોર્ડના મેન્ડેટ અને નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે પણ અનેક નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે પોતાને આ બોર્ડના પ્રમુખ જાહેર કર્યા છે. વધુમાં આ પીસ બોર્ડ વૈશ્વિક સંઘર્ષોના ઉકેલનો નવો અભીગમ છે તેમ ટ્રમ્પે જાહેર કર્યું છે, જેના પગલે આ પીસ બોર્ડ ગાઝાથી આગળ વધીને દુનિયાના અન્ય વિવાદોમાં પણ દખલ કરે તેવી નિષ્ણાતો આશંકા સેવી રહ્યા છે.
કેટલાક નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે ટ્રમ્પનું પીસ બોર્ડ ગાઝા વિવાદ પછી ભારત અને પાકિસ્તાનના કાશ્મીર મુદ્દામાં પણ માથું મારે તેવી આશંકા છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પણ કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરી હતી. વધુમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના ઘર્ષણ પછી ટ્રમ્પ અત્યાર સુધીમાં લગભગ ૮૦ વખત આ 'યુદ્ધ' તેમણે રોકાવ્યું હોવાનો દાવો કરી ચૂક્યા છે. આથી આગામી સમયમાં ગાઝા પછી પીસ બોર્ડ કાશ્મીર વિવાદમાં પણ દખલ કરે તેવી શક્યતા છે.
દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈઝરાયેલને તેમના નવા પીસ બોર્ડમાં જોડાવા દબાણ કર્યું છે. નેતન્યાહુએ ટ્રમ્પની આ ઓફર સ્વીકારી કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજીબાજુ, રશિયા, બેલારુસ, ભારત, ચીન, સ્લોવેનિયા, થાઈલેન્ડ અને યુરોપીયન યુનિયન સહિત અનેક દેશોએ પણ હજુ સુધી ટ્રમ્પના પીસ બોર્ડમાં સામેલ થવું કે નહીં તે અંગે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ મોરોક્કો, આર્જેન્ટિન, હંગેરી, વિયેતનામ અને કઝાકિસ્તાન આ બોર્ડમાં જોડાઈ ગયા છે. પાકિસ્તાન પણ બોર્ડમાં જોડાવા સંમત થઈ ગયું છે.


