બ્રિક્સની નીતિઓ સાથે જોડાનારા દેશો પર વધારાના 10 ટકા ટેરિફની ટ્રમ્પની ધમકી
- ટ્રમ્પે બ્રિક્સની નીતિઓ અમેરિકા વિરોધી
- બ્રિક્સ કોઇ દેશનો વિરોધ કરતું નથી, તે વિકાસશીલ દેશોને એક મંચ પર લાવે છે : ચીન
- બ્રિક્સે ટ્રમ્પનું નામ લીધા વગર રેસિપ્રોકલ ટેરિફની અને ઇરાન પરના હુમલાની ટીકા કરી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવી તેની સાથે જોડાનાર દેશ પર ૧૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. આમ તેણે વિશ્વના બીજા દેશોને ધમકી આપી છે કે બ્રિક્સ સાથે જોડાયા તો અમેરિકાના ટેરિફ પ્રહારનો સામનો કરવા તૈયાર રહો. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાએ શરૂ કરેલા સંગઠનની સભ્ય સંખ્યા વધીને હાલમાં દસ થઈ છે.
ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું હતું કે જો બ્રિક્સ દેશોએ વિશ્વમાં ડોલરમાં ચાલતા ટ્રેડિંગમાં ઘટાડો કરવાનો વિચાર સરખો પણ કર્યો તો અમેરિકા તેના પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે.જો કે ચીને તેના જવાબમાં જણાવ્યું છે કે બ્રિક્સ કંઈ કોઈ દેશનો વિરોધ કરવાનું પ્લેટફોર્મ નથી, તે ફક્ત ઉભરતા દેશોના અર્થતંત્રોને એક પ્લેટફોર્મ પર લાવતું માધ્યમ છે. તેનો હેતુ કોઈની સામે પડવાનો નથી, પણ પારસ્પરિક વ્યાપારિક હિતો સાથે તાલમેળ સાધીને વિકાસ કરવાનો છે. વૈશ્વિકીકરણના લાભ દરેક દેશને મળે તે બ્રિક્સનો હેતુ છે.
અમેરિકાએ ટેરિફનો હવે એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માંડયો છે. અમેરિકાએ ૨૦૧૨માં ઇરાનને અને ૨૦૨૨માં રશિયાને ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરની બહાર મૂકી દીધું છે. તેના લીધે બંને દેશ આજે સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેન્ક ફાઇનાન્સિયલ ટેલિકમ્યુનિકેશન (સ્વિફ્ટ)ની બહાર છે.
અહીં મહત્ત્વની વાત એ છે કે રશિયા અને ચીન સ્થાનિક ચલણમાં જ ટ્રેડિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સ વિશ્વની કુલ વસ્તીનો ૪૫ ટકા હિસ્સો ધરાવે છે અને વિશ્વની કુલ જીડીપીમાં તેનો ૩૫ ટકા હિસ્સો છે. બ્રિક્સના સભ્ય દેશોમાં હાલમાં સ્થાપક દેશો ઉપરાંત ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇરાન અને યુએઈનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્ડોનેશિયા જાન્યુઆરી ૨૦૨૫માં સભ્ય બન્યું હતું.
બ્રિક્સનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે તેનાથી ટ્રમ્પને ડર છે કે ભવિષ્યમાં આ દેશોનો સમૂહ ડીડોલરાઇઝેશનને વેગ આપી શકે છે. ૨૦૨૨માં રશિયન પ્રમુખ પુતિને બ્રિક્સ ચલણનો વિચાર વહેતો મૂક્યો હતા. જો કે બ્રિક્સના સભ્યો પુતિનના આ વિચાર સાથે સંમત નથી, તેમા ભારત તો જરા પણ નથી. ભારત ડોલરના સ્થાને ઇચ્છતું નથી કે ચીનના ચલણ યુઆનનું પ્રભુત્વ સ્થપાય. તેથી ભારત ડીડોલરાઇઝેશનની જરા પણ તરફેણ કરતું નથી.
હવે યોગાનુયોગ કહો કે બીજું કંઈ ટ્રમ્પે આ ધમકી આપી છે ત્યારે ડોલર બીજા ચલણો સામે ત્રણ વર્ષના તળિયે છે. ચાલુ વર્ષે ડોલર દસ ટકા ઘટયો છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પણ કહી ચૂક્યા છે કે ભારતે હંમેશા તેના વ્યાપારિક હિતોને પ્રાધાન્ય આપ્યું છે અને તેણે કોઈ ચલણને ક્યારેય ટાર્ગેટ બનાવ્યંે નથી. આ પહેલા રિઝર્વ બેન્કના અગાઉના ગવર્નર શક્તિકાંતા દાસ પણ કહી ચૂક્યા હતા કે ભારત ડીડોલરાઇઝેશનનો વિચાર સુદ્ધા પણ કરતું નથી.
બ્રિક્સે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નામ લીધા વગર ટેરિફ અને ઇરાન પરના હુમલા બંનેને વખોડયા હતા. આ ઉપરાંત બ્રિક્સ યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયાની ટીકા કરવાથી બચ્યું હતું. બ્રિક્સના આ વખતના યજમાન બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાએ નાટો દેશના લશ્કરી ખર્ચમાં પાંચ ટકા સુધીનો વધારો કરવાના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હંમેશા શાંતિ કરતાં યુદ્ધમાં રોકાણ કરવું વધું સરળ હોય છે.