Trump Tariff Threat : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બ્રિક્સ દેશોને ચેતવણી આપતા કહ્યું હતું કે, અમેરિકા વિરોધી નીતિઓને ટેકો આપનારા દેશો પર અમે 10% વધારાનો ટેરિફ ઝીંકીશું. બ્રિક્સ દેશોના સંમેલન દરમિયાન ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 દેશ પર 25% થી 40% સુધીના ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં હલચલ મચી ગઈ છે. હવે ટ્રમ્પ બ્રિક્સ (BRICS) દેશોનું નિશાન સાધવા જઈ રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે વધારાના ટેરિફની ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર શું અસર થશે?
બ્રિક્સ શું છે?
બ્રિક્સ (BRICS) એટલે વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનું એક જૂથ, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ સંગઠનનું નામ આ પાંચ દેશોના પ્રથમ અક્ષરો પરથી રખાયું છે. 2009માં સ્થપાયેલા આ જૂથમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાતને પણ જોડવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા પણ આમંત્રિત રાષ્ટ્ર તરીકે બ્રિક્સ પ્રવૃત્તિમાં ભાગ લે છે, પરંતુ તે હજુ સત્તાવાર સભ્ય નથી. બ્રિક્સનો મુખ્ય હેતુ ઉભરતા અર્થતંત્રો વચ્ચે આર્થિક સહકાર અને વૈશ્વિક સંતુલન વધારવાનો છે.
બ્રિક્સ સમિટમાં ટેરિફની ટીકા થતાં ટ્રમ્પ વિફર્યા
ટ્રમ્પે 2 એપ્રિલે વૈશ્વિક સ્તરે પારસ્પરિક એટલે કે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી, જેને 90 દિવસ માટે મુલતવી રખાઈ હતી. આ મુદત 9 જુલાઈએ સમાપ્ત થવાની હતી, પરંતુ તેને 1 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે. જો કે, 7 જુલાઈથી ટ્રમ્પે 14 દેશ જાપાન, દક્ષિણ કોરિયા, મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, કંબોડિયા અને થાઇલેન્ડ પર 25% થી 40% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર બ્રિક્સ દેશોને પણ ચેતવણી આપી હતી કે અમેરિકા વિરોધી નીતિઓને સમર્થન આપનારા દેશો પર 10% વધારાનો ટેરિફ લાગુ કરાશે, જેમાં કોઈ દેશ અપવાદ નહીં હોય.
નોંધનીય છે કે, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલા બ્રિક્સ સમિટમાં અમેરિકન ટેરિફની ટીકા કરાઈ હતી, જેને પગલે ટ્રમ્પે આવી આકરી ચેતવણી આપી હતી.
ટ્રમ્પનો ટાર્ગેટ બ્રિક્સ, આ ત્રણ કારણસર
બ્રિક્સ દેશો પર વધારાનો ટેરિફ લાદવાની ટ્રમ્પની નીતિ પાછળ ત્રણ મુખ્ય કારણ
- 1) નિષ્ણાતોનું કહેવું છે કે, યુએસ ડોલરના મૂલ્યમાં તાજેતરમાં થયેલો ઘટાડો અને અમેરિકન અર્થતંત્રમાં આવેલી મંદીને લીધે ટ્રમ્પ એવું માનતા હોઈ શકે કે વિશ્વના દેશો અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. આ વર્ષે ડોલરનું મૂલ્ય યુરોપના ચલણ ‘યુરો’ અને જાપાની ‘યેન’ સામે 10 % ઘટીને ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે.
- 2) બ્રિક્સ દેશો પૈકીના રશિયા અને ચીન વૈશ્વિક વેપારમાં ડોલરનો ઉપયોગ ઘટાડવા માટે પગલાં લઈ રહ્યા છે. બંને દેશ અંદરોઅંદર ‘રશિયન રુબલ’ અને ‘ચાઈનીસ યુઆન’માં જ વેપાર કરે છે. વર્ષ 2022માં રશિયાએ બ્રિક્સ દેશો માટે એક નવા આંતરરાષ્ટ્રીય ચલણનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ પ્રકારની પહેલ અમેરિકન ડોલરના વૈશ્વિક વર્ચસ્વ માટે ખતરો બની શકે છે, જે ટ્રમ્પની ચિંતાનું બીજું કારણ હોઈ શકે છે.
- 3) અમેરિકાએ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને પોતાના હિતો માટે ઉપયોગમાં લીધું છે, જેમ કે ઈરાન (2012) અને રશિયા (2022)ને SWIFT (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન) સિસ્ટમમાંથી બાકાત રાખવું. અમેરિકાના આ પગલાંથી વિશ્વના દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા તરફ આગળ વધ્યા છે, જે ટ્રમ્પને અસ્વસ્થ કરી રહ્યું છે.
બ્રિક્સ દેશોનો વૈશ્વિક GDPમાં 35% ફાળો
વિશ્વની 45% વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિક્સ દેશો વૈશ્વિક જીડીપીમાં 35%થી વધુ ફાળો આપે છે, જેના પરથી આ સંગઠનનું મહત્ત્વ સમજાય છે. જો આ દેશો ડોલરનો ઉપયોગ ઘટાડે, તો તે અમેરિકન અર્થતંત્ર માટે ગંભીર પડકાર બની શકે છે. આ ઉપરાંત બ્રિક્સના સભ્ય દેશો વૈશ્વિક વેપાર અને અર્થવ્યવસ્થામાં સંતુલન લાવવા માટે નવા માર્ગો શોધી રહ્યા છે, જે અમેરિકાના વર્ચસ્વને પડકારે છે.
અમને સમ્રાટની જરૂર નથી: બ્રાઝિલના પ્રમુખનું નિવેદન
ટ્રમ્પની ચેતવણીના જવાબમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ આકરો જવાબ આપતાં કહ્યું હતું કે, ‘વિશ્વ બદલાઈ ગયું છે અને અમને કોઈ સમ્રાટની જરૂર નથી.’ લુલાનું માનવું છે કે બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્રમાં નવી દિશા શોધી રહ્યું છે, જેના કારણે અમેરિકા અસ્વસ્થ છે. ચીને પણ સ્પષ્ટ કર્યું છે કે બ્રિક્સ કોઈ દેશની વિરુદ્ધ નથી, પરંતુ આર્થિક સહકાર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
100% ટેરિફની ધમકી 10% ચેતવણીમાં બદલાઈ
વર્ષ 2025ની શરૂઆતમાં ટ્રમ્પે ધમકી આપતાં કહ્યું હતું કે, જો બ્રિક્સ દેશો ડોલરની વૈશ્વિક ભૂમિકાને પડકારશે તો તેમણે અમેરિકા તરફથી 100% ટેરિફનો સામનો કરવો પડશે. જો કે, હાલમાં તેમણે ફક્ત 10% ટેરિફની ચેતવણી આપી છે. અલબત્ત, ટ્રમ્પ તમામ બ્રિક્સ દેશો પર તાત્કાલિક 10 % ટેરિફ લાદવાના નથી. જો કે, જે દેશ અમેરિકા વિરોધી ગણાતા પગલાં લેશે એ દેશોને આવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
ભારત પર શું અસર થશે?
બ્રિક્સના સ્થાપક સભ્ય તરીકે ભારતે તાજેતરના બ્રિક્સ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં અમેરિકન ટેરિફની ટીકા કરાઈ હતી. એટલે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ ટેરિફ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે? ટ્રમ્પ અગાઉ જણાવી ચૂક્યા છે કે અમેરિકા ભારત સાથે વેપાર સોદો કરવાની નજીક છે, જેને ભારત માટે સકારાત્મક સંકેત ગણી શકાય એમ છે. આમ છતાં ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવું એક પડકાર રહેશે.


